India

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી

By GS Team
29 May 20261 min read
સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી

ભોપાલના કથિત દહેજ મૃત્યુ કેસમાં કાર્યવાહી 

અગાઉ પતિની ધરપકડ થઇ હતી હવે પૂર્વ જજ અને સાસુ પણ એજન્સીના સકંજામાં

ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલમાં કથિત ટ્વિશા શર્મા દહેજ મૃત્યુ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી સીબીઆઇએ ટ્વિશાના સાસુ અને પૂર્વ જજ ગિરિબાલા સિંઘની તેમના નિવાસ સ્થાને પૂછપરછ કરી હતી, જે બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. 

ભોપાલમાં મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી, તેમના પિતાએ પતિ અને સાસુ પર દહેજ ઉત્પિડન સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. આ મામલો ચર્ચાસ્પદ બનતા સીબીઆઇએ તપાસ શરૂ કરી હતી. સીબીઆઇ અગાઉ ટ્વિશાના પતિ અને વકીલ સમર્થ સિંઘને અટકાયતમાં લઇ ચુકી છે. હવે ટ્વિશાના સાસુ અને સમર્થના માતા ગિરિબાલાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 

ટ્વિશાના સાસુ ગિરિબાલા જિલ્લા જજ રહી ચુક્યા છે, તેમને અગાઉ ૧૫મી મેના રોજ સ્થાનિક કોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. ટ્વિશાના પરિવારે સાસુ અને પતિ પર દહેજ માટે પરેશાન કરવા અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે સાસુ ગિરિબાલા કેટલાક ઇન્ટરવ્યૂમાં દાવો કરી ચુક્યા છે કે ટ્વિશાને ડ્રગ્સ લેવાની ટેવ હતી, તેના પિતા ટ્વિશાને પાતળી રાખવા વિવિધ દવાઓ આપતા હતા, તેથી તેની માનસીક સ્થિતિ ઠીક નહોતી. હાલ સીબીઆઇ પિતા અને સાસુ બન્નેના નિવેદનો સામસામે રાખીને બન્નેની પૂછપરછ કરી શકે છે.