India

ઈથેનોલ યુક્ત પેટ્રોલ ઈ-20ને લઈને કાર કંપનીઓ ચિંતિત હોવાનો રિપોર્ટ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ઈ-20 પેટ્રોલમાં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી ઓટો કંપનીઓ ચિંતિત છે. મારુતિ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાના અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે (SIAM) સરકારે મોકલેલો પત્ર પરત ખેંચ્યો. 18 રાજ્યોમાં ક્લોરાઈડનું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે. છત્તીસગઢમાં કોર્ટે ઈ-20થી નુકસાનનો દાવો કરનાર ગ્રાહકને નવી કાર આપવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈથેનોલ યુક્ત પેટ્રોલ ઈ-20ને લઈને કાર કંપનીઓ ચિંતિત હોવાનો રિપોર્ટ
  • ઓટો મેન્યુફેક્ચર્સે સરકારને પત્ર મોકલીને પરત લીધો
  • ઓટો કંપનીઓના ડેટા અનુસાર, 18 રાજ્યોમાં પેટ્રોલમાં ક્લોરાઈડનું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું

E20 Petrol News : ભારતમાં ઈથેનોલ ભેળવેલા પેટ્રોલ E20 મામલે સરકાર અને ઓઈલ કંપનીઓ સબ સલામતનો દાવો કરી રહી છે ત્યારે, દેશની મોટી ઓઈલ કંપનીઓની અંદરની ચર્ચાએ નવા સવાલો ઊભા કર્યા છે. રોઈટર્સના રિપોર્ટ અનુસાર, મારુતિ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાના અધિકારીઓએ E20માં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધારે હોવાના અહેવાલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતા એવા સમયે આવી છે જ્યારે, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્ર્સે ભેળસેળ મુદ્દે સવાલ ઉઠાવતો પત્ર સરકારને 28 જુલાઈના રોજ મોકલીને પરત લઈ લીધો હતો. SIAM એ સ્પષ્ટતા આપતા કહ્યું કે, પત્રમાં આપવામાં આવેલી કેટલીક વિગતો ચકાસવી જરૂરી હોવાથી પત્ર પરત ખેંચાયો છે.

રિપોર્ટ અનુસાર, ઓટો કંપનીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરના પેટ્રોલ પંપો પરથી 250થી વધુ ફ્યુલ સેમ્પલ્સ લીધા હતા. આ સેમ્પલ્સ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લેવામાં આવ્યા હતા. ઓટો કંપનીઓના આંતરિક ડેટા અનુસાર, 18 રાજ્યોમાં ક્લોરાઈડનું પ્રમાણ વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ પેટ્રોલમાં ભેજનું પ્રમાણ પણ નિર્ધારિત કરતા વધારે હોવાનું જણાયું હતું.

આંકડા મુજબ, રાજસ્થાનમાં ક્લોરાઈડનું પ્રમાણ કેટલાક સેમ્પલમાં 6 થી 570 પીપીએમ, દિલ્હીમાં 1.4 થી 420 પીપીએમ અને મહારાષ્ટ્રમાં 10 થી 357 પીપીએમ સુધી નોંધાયું હતું. સરકારની નિર્ધારિત મર્યાદા 3 પીપીએમ છે. ભેજના સેમ્પલમાં સરકારની મર્યાદા 3000 પીપીએમ છે ત્યારે, આંધ્ર પ્રદેશમાં 13000 પીપીએમ અને ઉત્તર પ્રદેશમાં ભેજનું પ્રમાણ 12500 પીપીએમ સુધી જોવા મળ્યું હતું.

છત્તીસગઢમાં કસ્ટમરને કાર બદલી આપવા કોર્ટનો આદેશ

E20 મુદ્દે અનેક વાહનચાલકો માઈલેજ ઘટવા, વ્હીકલના પરફોર્મન્સમાં ઘટાડા અને પાર્ટ્સમાં તકલીફો અંગે ફરિયાદ કરી રહ્યા છે. E20 સંબંધિત એક કેસ છત્તીસગઢના રાયપુરની કન્ઝ્યુમર કોર્ટ પહોંચ્યો હતો. જુલાઈમાં કોર્ટે E20થી નુકસાનનો દાવો કરનાર કસ્ટમરને મારુતિની નવી ગ્રાન્ડ વિટારા આપવા અથવા રૂ. ૨૦.૫ લાખ ચૂક્વવા આદેશ કર્યો હતો. કસ્ટમરની ફરિયાદ હતી કે, E20 પેટ્રોલને કારણે તેની કાર વારંવાર અટકી જતી હતી. મારુતિએ આ ચૂકાદાને પડકાર્યો હતો. તેમણે કહ્યું કે, તેમની કાર E20 પેટ્રોલથી ચાલી શકે તેવી છે. કાર બ્રેકડાઉન પાછળ પેટ્રોલમાં સ્થાનિક સ્તરે થતી ભેળસેળ જવાબદાર હોઈ શકે છે.