India

જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ

By GS TEAM
20 Apr 20262 mins read
જમ્મુ-કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતાં ૨૧નાં મોત, ૨૯ ઘાયલ


(પીટીઆઇ)     જમ્મુ, તા. ૨૦

જમ્મુ અને કાશ્મીરનાં ઉધમપુર જિલ્લામાં એક યાત્રી બસ પર્વત પરથી નીચે પડી જતાં ૨૧ લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૯ ઘાયલ થયા છે. બસ નીચે સડક પર ઉંધી પડી તે પહેલા તેણે એક રિક્ષાને કચડી હતી.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ઓટો રીક્ષામાં સવાર લોકો ઘાયલ થયા છે. સવારે ૧૦ વાગ્યે રામનગર વિસ્તારમાં પર્વતની ઉપર આવેલા એક વળાંક પર ખાનગી બસનાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.

પર્વતનાં આ માર્ગે સેનાનો એક કાફલોે પસાર થઇ રહ્યો હતો અને તેની નજર આ બસ પર પડતા સેનાનાં જવાનોએ બચાવ અભિયાન શરૃ કર્યુ હતું.

બસમાં ૫૦ યાત્રી સવાર હતાં જેમાંથી મોટા ભાગનાં લોકો રામનગરથી ઉધમપુરમાં  પોતાના રોજિંદા કામ માટે જતાં હતાં. બચાવ અભિયાનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો કારણકે વાહન સંપૂર્ણપણે લોખંડનાં કાટમાળમાં ફેરવાઇ ગયો હતો.

વાહનનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે તૂટીને અલગ થઇ ગયો હતોે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં થયેલા જાનમાલનાં નુકસાન અંગે  દુઃખ વ્યકત કર્યુ હતું.

વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનો માટે બે લાખ રૃપિયા અને  ઘાયલો માટે ૫૦,૦૦૦ રૃપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરનાં ઉપ રાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે મૃતકોનાં પરિવારજનો અને ઘાયલોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

તેમણે સંબધિત અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને જરૃરી સહાયતા આપવાનાં પણ નિર્દેશ આપ્યા છે.