Get The App

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
Jhansi Folk Singer Lovely Kushwaha Murder

Jhansi Folk Singer Lovely Kushwaha Murder: બંગરા વિસ્તારના પઠાકરકા ગામમાં શુક્રવારે સવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જાણીતા બુંદેલી લોકગાયિકા લાડકુંવર કુશવાહા (લવલી)ની હત્યા કરી તેની લાશને સળગાવી દેવામાં આવી હતી. મહિલાનો ખરાબ રીતે સળગી ગયેલો મૃતદેહ એક સૂકા નાળામાંથી મળી આવ્યો હતો. લાશ એટલી હદે સળગી ગઈ હતી કે તેના હાથ-પગ શરીરથી અલગ થઈ ગયા હતા. ખેતરે જઈ રહેલા ખેડૂતોએ નાળા પાસે સળગવાના નિશાન જોતા ગ્રામ પ્રધાનને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પરિવાર દ્વારા ઓળખ અને છેલ્લો ફોન કોલ

શરૂઆતમાં પોલીસ માટે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ મોહનલાલ કુશવાહા અને તેમના પુત્રોએ ઘટનાસ્થળે પહોંચી પાયલ, વીંટી, સાડી અને ચપ્પલના આધારે ઓળખ કરી હતી કે આ મૃતદેહ લવલીનો જ છે. પરિવારના જણાવ્યા મુજબ, ગુરુવારે સાંજે સાત વાગ્યે લવલીના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો, ત્યારબાદ તે વાત કરતા કરતા ઘરની બહાર નીકળી હતી અને પછી ક્યારેય પાછી ફરી નહોતી. રાતભર શોધખોળ કર્યા બાદ સવારે તેની લાશ મળી હોવાના સમાચાર મળ્યા હતા.

ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને પોલીસ તપાસ

પોલીસને ઘટનાસ્થળ નજીકથી દારૂની બોટલો, બિયરના કેન, નમકીનના પેકેટ, એક સળગી ગયેલો મોબાઈલ અને સાડીનો ટુકડો મળી આવ્યો છે. આ પુરાવાઓ પરથી આશંકા સેવાઈ રહી છે કે હત્યારાઓએ પહેલા ત્યાં રોકાઈને દારૂ પીધો હશે અને ત્યારબાદ આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હશે. ગામલોકોમાં એવી પણ ચર્ચા છે કે રાત્રે ગામમાં એક સફેદ કાર જોવા મળી હતી. એસપી સિટી પ્રીતિ સિંહે જણાવ્યું છે કે આ કેસના ઉકેલ માટે બે પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ

ગાયિકાનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક લવલી વિરુદ્ધ વર્ષ 2022માં હત્યાનો એક કેસ નોંધાયો હતો. આ કેસમાં તે લગભગ બે વર્ષ સુધી જેલમાં રહી હતી અને હાલમાં જ જામીન પર બહાર આવી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ હત્યા જૂની અદાવત કે બદલો લેવાના ઈરાદે કરવામાં આવી છે કે કેમ. હાલમાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.