Get The App

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ...', રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ...', રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન 1 - image

Brij Bhushan Sharan Singh Savarna Muslim Remark: યુપીના કૈસરગંજથી ભાજપના પૂર્વ સાંસદ અને બાહુબલી નેતા બ્રિજભૂષણ શરણ સિંહે રામનવમીના અવસરે આપેલા એક વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. બિહારના પટના જિલ્લાના બાઢ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા સવર્ણો અને મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રામનવમીના પર્વ પર આયોજિત એક કાર્યક્રમમાં પોતાની જ પાર્ટી અને વર્તમાન રાજકીય સ્થિતિ પર આડકતરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તેમના નિવેદનમાં તેમણે સવર્ણોની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી.

મારી વાત ઊંડો ઘા કરશે

બ્રિજભૂષણ સિંહે કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધતા કહ્યું કે, "આજે આ દેશની અંદર બે જ ખલનાયક છે, અને હું જાણું છું કે મારી આ વાત ઊંડો ઘા કરશે. પહેલો ખલનાયક મુસલમાન અને બીજો ખલનાયક અત્યારે સવર્ણ છે." તેમણે 'સવર્ણ' શબ્દ પર ભાર મૂકતા વાક્યને વારંવાર પુનરાવર્તિત કર્યો હતો.

ભાજપ પર નિશાન અને સવર્ણોની ઉપેક્ષાનો રાગ

સિંહે પોતાની વાતને વિસ્તારતા પ્રશ્ન કર્યો કે, "મુસલમાનોનો સાથ આપવા માટે ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ ઉભી છે, પરંતુ સવર્ણો સાથે કઈ પાર્ટી ઉભી છે એ મને કહો?" તેમણે યુજીસી બિલનો ઉલ્લેખ કરીને ઇશારામાં ભાજપ સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે તેમણે પૂછ્યું કે સવર્ણો સાથે કોણ છે, ત્યારે હાજર લોકોએ જવાબ આપ્યો હતો કે 'કોઈ નહીં'. આ સાંભળીને સિંહે ભારપૂર્વક કહ્યું, "કેમ, સવર્ણો થઈ ગયા ને ખલનાયક?"

શ્રીરામના માર્ગે ચાલવા આહ્વાન

ભાષણ દરમિયાન તેમણે એક શાયરી પણ લલકારી હતી: "ઇતને ગહરે ઘાવ કહાં સે આયે હોંગે, લગતા હૈ તુમને ભી દોસ્ત બનાયે હોંગે." આ પંક્તિ દ્વારા તેમણે સવર્ણોની કથિત ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. જોકે, કાર્યક્રમના અંતે તેમણે લોકોને પ્રભુ શ્રીરામના જીવનમાંથી શીખ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે રામે ઋષિ ભારદ્વાજથી લઈને આદિવાસી, કેવટ અને વનવાસી - દરેકને સાથે જોડ્યા હતા. આપણે પણ શરમ છોડીને બધાને સાથે લઈને આગળ વધવું પડશે.

ઈન્ટરનેટ પર બૃજભુષણસિંહ મુદ્દો બન્યા

બ્રિજભૂષણ શરણ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આગામી સમયમાં મહત્વની રાજકીય ગતિવિધિઓ તેજ થવાની છે. સવર્ણોને 'ખલનાયક' ગણાવતું તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તમામ વર્ગો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલમાં તો સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. દરેક તેને પોતપોતાની રીતે એંગલ આપી રહ્યા છે.