India

સિસ્ટમે સાથ ના આપ્યો, લડત ચાલુ રહેશે: બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર થતાં વિનેશ ફોગાટની ભાવુક પોસ્ટ

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હી કોર્ટે સોમવારે WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને 6 મહિલા પહેલવાનોના જાતીય સતામણીના કેસમાં નિર્દોષ જાહેર કર્યા. બ્રિજભૂષણે આને પોતાની જીત ગણાવી, જ્યારે વિનેશ ફોગાટે કહ્યું કે મહિલા પહેલવાનો આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે. આ ચુકાદાથી હાલ પૂરતી આ ગુનાહિત કેસની સુનાવણી પૂર્ણ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિસ્ટમે સાથ ના આપ્યો, લડત ચાલુ રહેશે: બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર થતાં વિનેશ ફોગાટની ભાવુક પોસ્ટ

Vinesh Phogat reacts to Brij Bhushan Singh judgment: દિલ્હીની એક અદાલતે સોમવારે (3 ઑગસ્ટ) ભારતીય કુશ્તી મહાસંઘ(WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોમાં નિર્દોષ જાહેર કરી દીધા છે. આ ચુકાદાને બ્રિજભૂષણે પોતાની જીત ગણાવી હતી, જ્યારે ઓલિમ્પિયન વિનેશ ફોગાટે સ્પષ્ટ કર્યું છે કે મહિલા પહેલવાનો આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે. છ મહિલા પહેલવાનોની ફરિયાદોના આધારે નોંધાયેલા આ કેસમાં કોર્ટના ચુકાદા સાથે જ હાલ પૂરતી આ ગુનાહિત કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.

ચુકાદા બાદ વિનેશ ફોગાટની પ્રતિક્રિયા

કોર્ટના નિર્ણય બાદ તરત જ સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટ લખીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, 'સત્તાધારી પક્ષના એક બાહુબલી નેતા સામે FIR નોંધાવવા અને રસ્તા પર ઉતરવા માટે ખૂબ જ હિંમત ભેગી કરવી પડી હતી. સત્તા અને પ્રભાવના દમ પર બ્રિજભૂષણે ઘણી છોકરીઓને ડરાવીને તેમના નામ પાછા ખેંચાવી લીધા હતા, પરંતુ છતાં કેટલીક મહિલા પહેલવાનો અડગ રહીને કોર્ટમાં કાનૂની લડાઈ લડતી રહી.'

સિસ્ટમ પર સવાલ અને હાઇકોર્ટમાં અપીલની તૈયારી

વિનેશ ફોગાટે આ અંગે વધુમાં લખ્યું કે, 'અમને એ વાતનું ભારે દુઃખ છે કે કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને દોષિત ન માન્યા. શરૂઆતથી જ આખી સિસ્ટમ, સરકાર અને તંત્ર તેમને બચાવવામાં લાગેલું હતું. મહિલા પહેલવાનોએ આ ચુકાદા સામે અપીલ કરવા માટે પોતાના વકીલોને નિર્દેશ આપી દીધો છે અને ટૂંક સમયમાં અપીલ દાખલ કરવામાં આવશે. અમે હજુ પણ આશા છોડી નથી અને પોતાની લડાઈ ચાલુ રાખીશું.'

'જો આરોપ સાચા સાબિત થાય તો ફાંસી પર લટકી જાઉં' - બ્રિજભૂષણ

બીજી તરફ, નિર્દોષ છૂટ્યા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ પોતાની જાત પર અને ન્યાયપ્રણાલી પર વિશ્વાસ હતો. તેમણે કહ્યું, 'મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે જો મારા પરના આરોપો સાચા સાબિત થશે તો હું જાતે ફાંસી પર લટકી જઈશ. આજે હું નિર્દોષ જાહેર થઈ ગયો છું અને આ મારા તથા મારા સમર્થકો માટે ખૂબ જ સારા સમાચાર છે.'

જંતર-મંતરના વિરોધ પ્રદર્શનથી શરૂ થઈ હતી કાનૂની લડાઈ

આ સમગ્ર મામલો જાન્યુઆરી 2023માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત દેશના ટોચના પહેલવાનો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. ત્યારબાદ એપ્રિલ 2023માં છ મહિલા પહેલવાનોની ફરિયાદ પર દિલ્હી પોલીસે FIR નોંધ્યા બાદ જૂન 2023માં ચાર્જશીટ દાખલ કરી હતી. મે 2024માં આરોપો નક્કી થયા પછી લાંબી સુનાવણી ચાલી, જેમાં 32 સાક્ષીઓની જુબાની બાદ અંતે 3 ઑગસ્ટ, 2026ના રોજ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને તમામ આરોપોમાંથી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે.