India

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો : પથ્થરમારામાં 2 ACP સહિત 5 પોલીસકર્મી ઘાયલ, ટિયર ગેસના સેલ છોડાયા, ભીડ કાબુમાં

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર અને ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી. ઉપદ્રવીઓએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કરતાં 2 ACP સહિત 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા. તલવારો પણ લહેરાવાઈ હતી. પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડી પરિસ્થિતિ કાબૂમાં લીધી. કનેક્ટ પ્લેસ અને ટૉલ્સ્ટૉય માર્ગ પર ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો : પથ્થરમારામાં 2 ACP સહિત 5 પોલીસકર્મી ઘાયલ, ટિયર ગેસના સેલ છોડાયા, ભીડ કાબુમાં

Delhi Violence : દિલ્હીના જંતર-મંતર અને ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન અચાનક ભારે હિંસા ફાટી નીકળી છે. ઉપદ્રવીઓએ સ્થળ પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ભારે પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી હતી. આ હુમલામાં કનેક્ટ પ્લેસના ACP વિવેક ભગત સહિત 2 ACP, 2 ઇન્સ્પેક્ટર અને અન્ય જવાનો મળી કુલ 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પથ્થરમારો, લાકડીઓ અને તલવારો લહેરાવાઈ

સંસદ માર્ગ અને ટૉલ્સ્ટૉય માર્ગ પર રાત્રે આશરે 8.30 વાગ્યે પ્રદર્શનકારીઓમાં સામેલ કેટલાક અરાજક તત્વોએ રેપિડ એક્શન ફોર્સ (RAF) અને દિલ્હી પોલીસ પર અચાનક હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ ઉપદ્રવીઓએ મોટા પથ્થરો અને લાકડીઓ ઉપરાંત ખુલ્લેઆમ તલવાર અને ખુખરી પણ લહેરાવી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડાયા

ભીડને બેકાબૂ થતી જોઈને RAF અને દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ઉપદ્રવીઓને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને 2-3 અશ્રુવાયુ(ટિયર ગેસ)ના ગોળા છોડ્યા હતા. ઘાયલ ACP વિવેક ભગતને અન્ય સિનિયર અધિકારીઓ તાત્કાલિક RML હોસ્પિટલ લઈ ગયા હતા.

કનેક્ટ પ્લેસ અને ટૉલ્સ્ટૉય માર્ગ પર ઈન્ટરનેટ સેવા સ્થગિત

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે નવી દિલ્હી, કનેક્ટ પ્લેસ અને ટૉલ્સ્ટૉય માર્ગ આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. આમ છતાં, આ વિસ્તારોમાં SMS અને નેટવર્ક મેસેજિંગનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળ્યું છે. પોલીસને શંકા છે કે જંતર-મંતરથી જ અરાજક તત્વોને હિંસા માટે નિર્દેશો આપવામાં આવી રહ્યા હતા, જેની અલગથી તપાસ શરૂ કરાઈ છે.

પોલીસની શાંતિ જાળવવા અપીલ, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં કનેક્ટ પ્લેસ, ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર પર પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. સુરક્ષા માટે આખા વિસ્તારમાં ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.