જયંત ચૌધરી પર ચડ્યો ભાજપનો રંગ! જાટ-મુસ્લિમ નહીં હવે RLDની 'જાટ-બ્રાહ્મણ' કેમિસ્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jayant Chaudhary RLD New Social Engineering: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય લોક દળ (Rashtriya Lok Dal) RLD પ્રમુખ જયંત ચૌધરી પોતાના રાજકીય સમીકરણો સુધારવામાં લાગી ગયા છે. BJP સાથેની દોસ્તીની અસર હવે જયંત ચૌધરી પર પણ જોવા મળી રહી છે. જેના પરિણામે, જાટ-મુસ્લિમના બદલે જયંત ચૌધરી હવે 'જાટ-બ્રાહ્મણ' કેમિસ્ટ્રી બનાવવામાં વ્યસ્ત છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાજકારણમાં RLDને લાંબા સમય સુધી 'જાટ-મુસ્લિમ' અને ખેડૂત રાજકારણના ગઢ તરીકે જોવામાં આવતું હતું. ચૌધરી ચરણ સિંહથી લઈને ચૌધરી અજીત સિંહ સુધી, પાર્ટીની મુખ્ય ઓળખ ખેડૂત, જાટ અને મુસ્લિમ હતા. પરંતુ જયંત ચૌધરીના હાથમાં કમાન આવ્યા પછી, RLDની રાજકીય ચાલ બદલાઈ ગઈ છે.
પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર
2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ અનુપમ મિશ્રાને RLDના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. આ પહેલાં RLDની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે કે.સી ત્યાગીની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત, રામાશીષ રાયને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંગઠનમાં ત્યાગી, શર્મા અને મિશ્રા જેવા બ્રાહ્મણ ચહેરાઓની અચાનક વધેલી ભાગીદારી, એ સ્પષ્ટ સંકેત આપે છે કે, જયંત ચૌધરી હવે માત્ર પરંપરાગત જાટ-કેન્દ્રિત પાર્ટીના નેતા બનીને રહેવા નથી માગતા, પરંતુ સર્વસમાજના રાજકારણ તરફ પગલાં વધારી રહ્યા છે.
જાટ-મુસ્લિમથી 'જાટ-બ્રાહ્મણ' કેમિસ્ટ્રી
2013ના મુઝફ્ફરનગર રમખાણો પછી પશ્ચિમ UPનું પરંપરાગત જાટ-મુસ્લિમ સમીકરણ સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હતું. 2022ની UP વિધાનસભા ચૂંટણીમાં RLDએ સમાજવાદી પાર્ટી સાથે મળીને મુસ્લિમ-જાટ ગઠબંધનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિણામો અપેક્ષા મુજબ ન મળ્યા. ત્યારબાદ NDA ગઠબંધનમાં સામેલ થવાનો નિર્ણય RLD માટે એક મોટો રાજકીય વળાંક સાબિત થયો.
BJP સાથે આવ્યા પછી જયંત ચૌધરી સવર્ણ વોટબેંક, ખાસ કરીને બ્રાહ્મણ અને ત્યાગી સમાજને સાધવાની કવાયતમાં લાગી ગયા છે. ત્યાગી સમાજ પશ્ચિમ UPમાં સારી એવી વસ્તી ધરાવે છે, જે ઐતિહાસિક રીતે ખેડૂત હોવાની સાથે સામાજિક રીતે બ્રાહ્મણ વર્ગ સાથે જોડાયેલો માનવામાં આવે છે. પૂર્વાંચલ અને સેન્ટ્રલ UPમાં પણ પાર્ટીનો જનાધાર વધારવા માટે મિશ્રા અને શુક્લા જેવા બ્રાહ્મણ ચહેરાઓને આગળ લાવવામાં આવી રહ્યા છે.
ભાજપ સાથે કદમતાલ અને નવી સોશિયલ એન્જિનિયરિંગ
હાલમાં RLDના સાંસદો અને ધારાસભ્યોના ભાષણોમાં ભાજપની રાજકીય શૈલી અને ચૂંટણી સંદેશાઓની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે, કારણ કે, શામલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)ના મંચ પરથી RLDના ધારાસભ્ય પ્રસન્ન ચૌધરીએ કાયદો અને વ્યવસ્થાના વખાણ કર્યા. તો બિજનૌરના RLD સાંસદ ચંદન ચૌહાણે યોગીજીને ત્રીજી વાર મુખ્યમંત્રી બનાવવા માટે અપીલ કરી હતી. તો બાગપતના સાંસદ ડૉ. રાજકુમાર સાંગવાનના સંબોધનમાં પણ ભાજપની ચૂંટણી ભાષા અને વિકાસ યોજનાઓ પર ભાર જોવા મળ્યો હતો. આ નવી વ્યૂહરચનાથી RLDને પોતાની પરંપરાગત સીમાઓમાંથી બહાર કાઢીને શહેરી અને સવર્ણ મતદારો સુધી પહોંચવામાં મદદ મળશે. જોકે, આનાથી મુસ્લિમ વોટબેંક દૂર થવાનું જોખમ રહેલું છે, પરંતુ જયંત ચૌધરી 2027ની ચૂંટણી માટે આ નવા સોશિયલ એન્જિનિયરિંગ પર જ દાવ લગાવી રહ્યા છે.









