Explainer: ચોમાસું સત્ર પહેલાં મજબૂત દેખાતો ભાજપ બેકફૂટ પર! જાણો પેપર લીકથી લઈને આંતરિક નારાજગીની ઈનસાઈડ સ્ટોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Facing Political Trouble: સંસદના ચોમાસું સત્ર પહેલા ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ (NDA) સરકાર ખૂબ જ સહજ અને રિલૅક્સ સ્થિતિમાં જોવા મળતી હતી. બીજી તરફ, TMC અને શિવસેના (UBT)માં આંતરિક જૂથબંધીને કારણે વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) બેકફૂટ પર હોય તેમ લાગતું હતું. પરંતુ સંસદ સત્ર શરૂ થતાં જ ભાજપની મુશ્કેલીઓ સતત વધતી ગઈ. 20 જુલાઈના રોજ સંસદ સત્ર શરૂ થયું અને પહેલા જ દિવસે પેપર લીકના વિરોધમાં દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા હજારો યુવાનો પર પોલીસ કાર્યવાહી બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આખરે 25 જુલાઈના રોજ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.
મંત્રીનું રાજીનામું અને પેટાચૂંટણીઓમાં પરાજય
એક તરફ મોદી સરકારના કદાવર મંત્રીનું રાજીનામું પડ્યું, તો બીજી તરફ થોડા જ અઠવાડિયા પછી ભાજપનો ગઢ ગણાતી બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પણ સામેલ હતી.
ગુરુવારે ચોમાસું સત્ર સમાપ્ત થવાની સાથે જ ભાજપ ડિફેન્સિવ મોડમાં જોવા મળ્યો. વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નહીં. ગતિરોધ વચ્ચે પૂરતી ચર્ચા વગર જ વિધેયકો પસાર કરવામાં આવ્યા. જોકે, સરકાર સામાન્ય બહુમતીની જરૂરિયાત ધરાવતું 'ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, 2026' પસાર કરાવી શકી નહીં, અને તેને સંસદની સંયુક્ત સમિતિ (JPC) પાસે મોકલવું પડ્યું.
બે મહત્વના બિલ પસાર ન થઈ શક્યા
ચોમાસું સત્ર પહેલા એવી અપેક્ષા હતી કે, સરકાર મહિલા અનામત કાયદામાં સુધારા અને સીમાાંકન (Delimitation)ને લગતા બિલ પસાર કરાવી લેશે, પરંતુ આ બંને બિલ સંસદમાં રજૂ પણ થઈ શક્યા નહીં. દરમિયાન, RSS પ્રમુખ મોહન ભાગવતે જેન ઝી (Gen Z)ના પ્રદર્શનો પર મૂકવામાં આવેલા આરોપોને ફગાવી દીધા, જેનાથી વિરોધ પ્રદર્શનોમાં બાહ્ય પરિબળોની ભૂમિકા હોવાનો નેરેટિવ બનાવવાના ભાજપના પ્રયાસોને મોટો આંચકો લાગ્યો. RSSના આ અલગ વલણથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેવી મહત્વની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પક્ષના નેતૃત્વની ચિંતા વધી ગઈ છે.
ભાજપમાં આંતરિક નારાજગી અને સહયોગીઓના સવાલો
પક્ષના જ કેટલાક નેતાઓમાં નીતિન નવીનની નવી ટીમની જાહેરાતમાં થઈ રહેલા વિલંબ અને કેબિનેટ વિસ્તરણને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપના જ એક સિનિયર સાંસદે સ્વીકાર્યું કે, પહેલા નિર્ણય લેવાની ઝડપ માટે જાણીતી ભાજપ સરકાર હવે નિર્ણયો લેવામાં વિલંબ કરી રહી છે.
જોકે, ભાજપના ચીફ વ્હિપ સંજય જયસ્વાલે દાવો કર્યો હતો કે, વિપક્ષ વારંવાર પોતાનો મુદ્દો બદલીને ગૃહ ચાલવા દેતો ન હતો. બીજી તરફ, ભાજપના અન્ય સહયોગી પક્ષોએ પણ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સાથે નિપટવાની સરકારી શૈલી પર સવાલો ઉઠાવ્યા છે. બાંકીપુર અને દતિયાની ચૂંટણીમાં હાર તથા એફસીઆરએ (FCRA) બિલને જેપીસી પાસે મોકલવાના નિર્ણયથી સરકાર બેકફૂટ પર આવી ગઈ હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.









