India

કાર્યકરોના આરોપથી દુઃખી ભાજપના મંત્રીએ કહ્યું- 'હું રાજીનામું ધરી આત્મહત્યા કરી લઈશ...'

By GS Team
21 Sep 20264 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. નારાજ કાર્યકરોએ મંત્રી ખજાનદાસના નિવાસસ્થાનનો ઘેરાવ કર્યો. ભાજપના ધારાસભ્યના પત્ની મધુ ચૌહાણના નેતૃત્વમાં કાર્યકરોએ કમિશનખોરી અને કોંગ્રેસને 80% કામ આપવાનો આરોપ મૂક્યો. મંત્રીએ આરોપો સાબિત થશે તો રાજીનામું અને આત્મહત્યા કરવાની ધમકી આપી. હવે ભાજપના નેતાઓ મુખ્યમંત્રીને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર્યકરોના આરોપથી દુઃખી ભાજપના મંત્રીએ કહ્યું- 'હું રાજીનામું ધરી આત્મહત્યા કરી લઈશ...'

Uttarakhand News: ભાજપનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે. કોંગ્રેસના ગઢ ગણાતા ચકરાતા વિસ્તારની અવગણનાથી ગુસ્સે ભરાયેલા ભાજપના કાર્યકરોએ પોતાની જ સરકારના મંત્રી ખજાનદાસના નિવાસસ્થાનને ઘેરી લીધુ હતું. આ આંદોલનનું નેતૃત્વ ભાજપના ધારાસભ્યના પત્નીએ કર્યું હતું. 'પોતાના જ લોકો'ના આરોપોથી દુઃખી થયેલા ખજાનદાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો મારા પર લાગેલા આરોપો સાબિત થશે તો હું રાજીનામું આપી દઈશ અને આત્મહત્યા કરી લઈશ.

વાસ્તવમાં રવિવારે યમુના કોલોનીમાં પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ મધુ ચૌહાણના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ મંત્રીના નિવાસસ્થાનના ગેટ પર ધરણાં-પ્રદર્શન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સમગ્ર વિસ્તારમાં એવી ચર્ચા સામાન્ય છે કે 15થી 20% કમિશન આપીને વિરોધીઓએ પોતાની યોજનાઓ મંજૂર કરાવી છે. આનાથી જનતા વચ્ચે સારો સંદેશ નથી જઈ રહ્યો. કોંગ્રેસના લોકોને કથિત રીતે 80% સુધી કામ આપવામાં આવ્યું છે. જ્યારે ચૂંટણીના વર્ષમાં ભાજપના કાર્યકરોના પ્રસ્તાવને પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે મંત્રી ખજાનદાસ પર જાણી જોઈને ચકરાતામાં ભાજપને જ નબળું પાડવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ આ આરોપોથી દુ:ખી થયેલા મંત્રી ખજાનદાસે પણ કહી દીધું કે જો આવું કંઈપણ સાબિત થશે તો હું રાજીનામું ધરી દઈશ અને આત્મહત્યા કરી લઈશ.

મંત્રી અને પ્રદર્શનકારીઓ વચ્ચેની વાટાઘાટોનું કોઈ પરિણામ ન આવ્યું

રવિવારે બપોરે લગભગ 12:00 વાગ્યે આ ધરણામાં વરિષ્ઠ નેતા મુરત રામ શર્મા, પ્રતાપ રાવ, ગીતારામ ગૌડ, કમલેશ ભટ્ટ સહિત અનેક નેતાઓ પહોંચ્યા હતા. મધુ ચૌહાણ પોતે આગેવાની કરી રહ્યા હતા. આ દરમિયાન મંત્રી અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી વાતચીતનું પણ કોઈ પરિણામ નહોતું આવ્યું. જોકે, ભાજપ સોમવારે મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યું છે, જ્યાં ચકરાતાના પ્રકરણને રજૂ કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટ સાથે પણ આ અંગે વાત કરવામાં આવી છે.

આરોપ: કોંગ્રેસીઓને 80% કામ વહેંચી દીધા!

પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે 11 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી એસસીપી, ટીએસપી યોજનાઓની યાદીમાં પાર્ટી કાર્યકરોની અપેક્ષા મુજબના પ્રસ્તાવો સામેલ કરવામાં નહોતા આવ્યા. પરંતુ 80% કામ વિરોધીઓને (કોંગ્રેસને) વહેંચી દેવામાં આવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી આ યાદી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

મંત્રી દુ:ખી, બોલ્યા- આરોપ સાચા સાબિત થશે તો હું આત્મહત્યા કરી લઈશ

દહેરાદૂનમાં પોતાના ઘરની બહાર અણધાર્યા હંગામાથી મંત્રી ખજાનદાસ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જો મારા પર લાગેલા કમિશનખોરીના આરોપો સાબિત થશે તો હું મંત્રીપદ છોડી દઈશ અને આત્મહત્યા કરી લઈશ.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 95 બ્લોકમાં સંતુલિત વિકાસ જ મારી પ્રાથમિકતા છે. સમાજ કલ્યાણ સાથે જોડાયેલી અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારની યોજનાઓની સાથે સ્પેશિયલ કમ્પોનન્ટ પ્લાન (એસસીપી)નું બજેટ સમગ્ર રાજ્યમાં ભેદભાવ વગર આપવામાં આવ્યું છે. ચમોલી અને પૌડીથી પ્રસ્તાવ ન આવવા પર પૈસા આપવામાં ન આવ્યા. સૌથી વધુ બજેટ ચકરાતાને મળ્યું છે. કાલસીને પણ ઓછું મળ્યું છે. સંતુલન બનાવવું જરૂરી છે, પરંતુ ચકરાતામાં કેટલાક લોકો ઈચ્છે છે કે માત્ર તેમની જ વાત સાંભળવામાં આવે, જે શક્ય નથી.

ચકરાતાના વિખવાદમાં અટવાયું 'કમળ'

દહેરાદૂનની ચકરાતા વિધાનસભા બેઠક દાયકાઓથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહી છે, જ્યાં હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રીતમ સિંહ ધારાસભ્ય છે. એટલું જ નહીં, જિલ્લા પંચાયત પ્રમુખથી લઈને બ્લોક પ્રમુખનું પદ પણ કોંગ્રેસ પાસે છે. આ ગઢને તોડવામાં લાગેલી ભાજપ માટે આંતરિક વિખવાદ કોઈ મોટા ઝટકાથી ઓછો નથી. રવિવારે મંત્રીના નિવાસસ્થાને ધરણાંની આગેવાની કરી રહેલા મધુ પોતે ચકરાતાથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમના પતિ મુન્ના ચૌહાણ વિકાસનગરથી ભાજપના ધારાસભ્ય છે. મધુ બે વાર દૂન જિલ્લા પંચાયત અધ્યક્ષ રહી ચૂક્યા છે. મધુએ જણાવ્યું કે જુલાઈમાં મંત્રીને પાર્ટીના કાર્યકરોના પ્રસ્તાવને પ્રાથમિકતા આપવાની વિનંતી કરી હતી. જનજાતિ બહુલ વિસ્તાર હોવાના નાતે ચકરાતાને અલગથી બજેટ મળે છે, પરંતુ અહીં બજેટની વહેંચણીમાં વિરોધી પક્ષોના સમર્થકોને પ્રાધાન્ય આપવાથી પાર્ટી કાર્યકરોનું મનોબળ તૂટી રહ્યું છે. પાર્ટી નેતૃત્વએ આ અંગે વિચારવું પડશે. મંત્રી સાથેની વાટાઘાટોમાં સહમતી ન બનતા હવે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે.

કથિત નારાઓથી સરકાર અને સંગઠન અસહજ

આ પ્રદર્શન દરમિયાન લાગેલા કથિત નારાઓ અને તીખા નિવેદનોએ સરકારથી લઈને સંગઠન સુધીના લોકોને અસહજ કરી દીધા છે. ચૂંટણીના સમય પહેલા પોતાના જ કાર્યકરો દ્વારા મંત્રી પર આરોપો લગાવવાથી પાર્ટી અસહજ છે અને હાઇકમાન્ડ 'ડેમેજ કંટ્રોલ'ની કવાયતમાં લાગી ગયું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ આખી ઘટના બાદ ભાજપના નેતાઓ માને છે કે પાર્ટી સંગઠન કોઈ પગલું ભરશે.