PM આવાસ બહાર વિરોધ પ્રદર્શન અંગે BJPના નેતાઓ આક્રમક: રાહુલ ગાંધી અને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Leaders On Congress Protest : કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ દ્વારા નવી દિલ્હીમાં વડાપ્રધાન આવાસ બહાર કરવામાં આવેલા ધામા અને પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. આ વિરોધ પ્રદર્શન બાદ ભાજપના સાંસદો અને નેતાઓએ અલગ-અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધી દેશના નિયમો અને મર્યાદાઓ જાણે: સંબિત પાત્રા
ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, 'આજે આપણે બધાએ જોયું કે કેવી રીતે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ અચાનક વડાપ્રધાન આવાસના ગેટ બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવું એ મહત્ત્વનો ભાગ છે, પરંતુ ક્યાં, કેવી રીતે અને કયા નિયમો હેઠળ વિરોધ કરવો - 'દેશ કયા નિયમો હેઠળ ચાલે છે?' તે લોકસભાના વિપક્ષી નેતાને ખબર હોવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ. કોઈ પ્રદર્શન કરવાની મનાઈ નથી કરતું, પરંતુ ક્યાં અને કેવી રીતે કરવું તેની ચોક્કસ પ્રક્રિયા હોય છે. રાહુલ ગાંધીએ નૈતિકતા, જવાબદારી અને તેની સુસંગતતા પર ધ્યાન આપવું જોઈએ.'
દિલ્હી પોલીસે અમારા માટે ઢાલ બનીને રક્ષણ કર્યું: કંગના રનૌત
ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું કે, 'અમે બધા અંદર હતા અને જોયું કે કેવી રીતે બધા ગભરાઈ ગયા હતા. દરવાજા બંધ હતા, સાંસદો અંદર ફસાઈ ગયા હતા અને ગૃહ સ્થગિત થયા પછી પણ અમે બહાર જઈ શકતા નહોતા. એક તબક્કે અમને ડર હતો કે ટોળું આપણા પર હુમલો કરી દેશે. હું દિલ્હી પોલીસની પ્રશંસા કરું છું જેમણે અમારા માટે ઢાલ બનીને કામ કર્યું. પથ્થરમારો થયો હતો જેમાં અમુક લોકોને ઈજા પહોંચી હતી, પરંતુ સામાન્ય જનતાને કોઈ નુકસાન થયું નથી.'
વિપક્ષ દ્વારા યુવાનોને ભટકાવવાનો પ્રયાસ: હેમા માલિની
ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, 'યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.'
વિપક્ષ નકારાત્મક માનસિકતા સાથે કામ કરી રહ્યો છે: મનોજ તિવારી
ભાજપ સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, 'વિપક્ષ નકારાત્મક વિચારસરણી સાથે આગળ વધી રહ્યો છે. મને આશ્ચર્ય થાય છે કે પ્લેકાર્ડ સાથે તેઓ જે મુદ્દા ઉઠાવી રહ્યા છે, તેના પર તેઓ ગૃહમાં ચર્ચા કરવા તૈયાર નથી. સ્પીકર પણ કહી રહ્યા છે કે આ વિષયો પર ચર્ચા થવી જોઈએ. આ સત્રમાં તેમના તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે, પરંતુ વિપક્ષ પોતે જે મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે તેના પર પણ ચર્ચા કરવા માંગતો નથી.'
દેશના યુવાનોને આજે પણ વડાપ્રધાન મોદી પર જ ભરોસો: નિશિકાંત દુબે
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, 'આ આંદોલન આજે પણ વડાપ્રધાન મોદીને જ પોતાના નેતા માને છે. જો યુવાનો કોઈના પર ભરોસો કરતા હોય તો તે મોદીજી છે. વિરોધ કરી રહેલા યુવાનો મારી સાથે સેલ્ફી લઈ રહ્યા હતા અને માત્ર એટલું જ કહેતા હતા કે વડાપ્રધાન સુધી એ વાત પહોંચાડો કે આ બાબતોમાં પારદર્શિતા હોવી જોઈએ અને જવાબદાર લોકોને સખત સજા મળવી જોઈએ.'
દેશના વાતાવરણને સુધારવા ગૃહમાં ચર્ચા જરૂરી: શશાંક મણિ ત્રિપાઠી
ભાજપ સાંસદ શશાંક મણિ ત્રિપાઠીએ કહ્યું કે, 'હું કહું છું કે ગૃહને ચાલવા દેવું જોઈએ. હું વિપક્ષને વિનંતી કરવા માંગુ છું કે આ લોકશાહીના મંદિરમાં જો આપણે સાથે મળીને કામ કરીએ તો દેશમાં પ્રવર્તતા નકારાત્મક વાતાવરણને સુધારી શકાય છે. આપણા યુવાનો આપણું ભવિષ્ય છે અને ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જેના માટે અમે તૈયાર છીએ.'
વિપક્ષ પ્રદર્શન કરે તેનો અમને કોઈ વાંધો નથી: કિરિટ સોમૈયા
ભાજપ નેતા કિરિટ સોમૈયાએ કહ્યું કે, 'ઓછામાં ઓછું હવે વિપક્ષી પક્ષો પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને એક પ્લેટફોર્મ મળ્યું છે અને વિપક્ષ હવે સક્રિય થઈને અવાજ ઉઠાવી રહ્યો છે. લોકશાહીમાં જો વિપક્ષ પ્રદર્શન કરવા માંગતો હોય તો તેનું સ્વાગત છે. જો તેઓ આંદોલન માટે કોઈનું સમર્થન માંગે તો સામે પણ અમને કોઈ વાંધો નથી, પરંતુ દરેક પ્રદર્શન નિયમ મુજબ થવું જોઈએ.'
વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે: પી. પી. ચૌધરી
ભાજપ સાંસદ પી. પી. ચૌધરીએ કહ્યું કે, 'આ ખોટું છે, લોકશાહીમાં આવું ન થવું જોઈએ. વિપક્ષ ચર્ચામાં ભાગ લેવા માંગતો નથી તેથી તે ગૃહને ચાલવા દેતો નથી.'
મમતા બેનર્જી પર કટાક્ષ અને કોંગ્રેસને પડકાર: સમીક ભટ્ટાચાર્ય
પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ કહ્યું કે, 'અમે ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ સિંહણ કોકરોચ પાસે જાય. મમતા બેનર્જી પોતાની જાતને સિંહણ કહેતા હતા, પણ તેમની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમણે કોકરોચ પાર્ટી સાથે ઊભા રહેવાની વાત કરવી પડે છે. આ સમગ્ર બંગાળ માટે શરમજનક છે. રહી વાત PM આવાસ બહાર કોંગ્રેસના વિરોધની, તો આ લોકશાહી છે, કોઈ પણ વિરોધ કરી શકે કે તળાવમાં કૂદી શકે. પણ નરેન્દ્ર મોદી તો બહુ દૂરની વાત છે, કોંગ્રેસ કોઈ પણ રાજ્યમાં જઈને ભાજપના એક મુખ્યમંત્રીને હરાવીને બતાવે.'
પ્રદર્શનમાં એક પણ સાચો વિદ્યાર્થી હાજર નહોતો: મદન રાઠોડ
ભાજપ સાંસદ મદન રાઠોડે કહ્યું કે, 'સૌ પ્રથમ રાહુલ ગાંધીને ખબર હોવી જોઈએ કે ગઈકાલે જંતર-મંતર પર જે ડ્રામા થયો તે પછી જેમને મામૂલી ઈજાઓ થઈ હતી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમાં એક પણ વિદ્યાર્થી નહોતો. એટલે કે જેમને NEET સાથે કોઈ લેવાદેવા નહોતી, જેઓ પરીક્ષામાં બેઠા નહોતા તેમને ડ્રામા કરવા માટે લાવવામાં આવ્યા હતા.'
દિલ્હી હાર્યા બાદ કેજરીવાલનું મગજ ચસકી ગયું છે: હર્ષ મલ્હોત્રા
કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે, 'કેજરીવાલનું મગજ નાદાર થઈ ગયું છે. દિલ્હી ગુમાવવાના આઘાતને કારણે તેઓ આવી બધી વાહિયાત વાતો કરી રહ્યા છે. તેઓ એ વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે જેમણે વડાપ્રધાન તરીકે દેશમાંથી આતંકવાદ ખતમ કર્યો છે.'









