India

ચૂંટણી આવતા જ TMC છોડીને આવેલા સાંસદોને ભાજપે આપ્યો મોટો ઝટકો! જાણો ઈનસાઈડ સ્ટોરી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં ભાજપે કોલકાતા અને હાવડા મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. ભાજપે TMCમાંથી NDAમાં જોડાયેલા બાગી સાંસદોની NCPI સાથે ગઠબંધનનો ઇનકાર કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે જણાવ્યું કે, ભાજપ પોતાના દમ પર તમામ 209 બેઠકો પર ચૂંટણી લડશે. દુર્ગાપૂજા બાદ ચૂંટણી યોજાવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી આવતા જ TMC છોડીને આવેલા સાંસદોને  ભાજપે આપ્યો મોટો ઝટકો! જાણો ઈનસાઈડ સ્ટોરી

Kolkata And Howrah Municipal Corporation Election : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને દિલ્હીમાં ભાજપની આગેવાની હેઠળના NDA સાથે હાથ મિલાવનારા બાગી સાંસદોને મોટો ફટકો પડ્યો છે. ભાજપે રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાવડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. ભાજપે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) સાથે ચૂંટણી જોડાણ કરવાની તમામ શક્યતાઓ નકારી કાઢી છે.

ભાજપ પોતાના દમ પર લડશે ચૂંટણી

બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે (Samik Bhattacharya) કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપનો કોઈ ગઠબંધન સાથી નથી. અમે કોલકાતા અને હાવડા નગર નિગમ ચૂંટણી પોતાના દમ પર લડીશું અને જીતીશું. દિલ્હીમાં રાજકીય સમજૂતી હોઈ શકે છે, પરંતુ દિલ્હી અને કોલકાતા વચ્ચે આશરે 1500 કિલોમીટરનું અંતર છે. રાષ્ટ્રીય સ્તરે સંબંધ હોવાનો અર્થ એ નથી કે રાજ્યમાં પણ ગઠબંધન થાય.’ બંને નિગમોમાં વોર્ડ પરિસીમનની પ્રક્રિયા બાદ દુર્ગાપૂજા પછી ચૂંટણી યોજાવાની શક્યતા છે.

ચૂંટણીમાં જીત બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધ્યો

વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી જીત બાદ ભાજપ કોલકાતામાં પોતાના મજબૂત જનાધારને લઈને ઉત્સાહિત છે. KMC ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા ભાજપના નેતા રિતેશ તિવારીએ જણાવ્યું હતું કે પક્ષ તમામ 209 બેઠકો પર ચૂંટણી લડશે અને મોટી જીત હાંસલ કરશે.

NCPIને હજુ પણ ભાજપ સાથે ગઠબંધનની આશા

બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના 20 બાગી સાંસદો સાથે સ્થપાયેલી NCPIને હજુ પણ ભાજપ સાથે જોડાણની આશા છે. પક્ષના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે (Kakoli Ghosh Dastidar) જણાવ્યું હતું કે તેમનો પક્ષ NDAનો મોટો સહયોગી પક્ષ છે અને ગઠબંધનના સભ્ય તરીકે જ ચૂંટણી લડવા માંગે છે. નોંધનીય છે કે TMCના ખરાબ પ્રદર્શન પછી સયોની ઘોષ (Saayoni Ghosh) અને યુસુફ પઠાણ (Yusuf Pathan) સહિતના નેતાઓએ પક્ષ છોડીને NCPI માં પ્રવેશ કર્યો હતો.

TMCના બાગીઓ સાથે ભાજપ શા માટે નથી ઈચ્છતું ગઠબંધન?

પશ્ચિમ બંગાળ ભાજપનું માનવું છે કે, ચૂંટણી સંગઠન અને પોતાના કાર્યકરોના દમ પર જ લડવી જોઈએ. બંગાળમાં વર્ષો સુધી ભાજપના કાર્યકરોએ આ જ નેતાઓ સામે લડાઈ લડી છે અને ઘણા કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે. જો હવે એ જ પૂર્વ TMC નેતાઓ સાથે હાથ મિલાવવામાં આવે તો જમીની કાર્યકરોમાં ખોટો મેસેજ જઈ શકે છે. આ ઉપરાંત, ભાજપ આ નેતાઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવતો રહ્યો હોવાથી તેમની સાથે જોડાણ કરવાથી મતદારો વચ્ચે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે.

ચૂંટણીમાં બહુકોણીય મુકાબલો!

ભાજપના એકલા ચૂંટણી લડવા પાછળ એક ખાસ રાજકીય ગણતરી પણ કામ કરી રહી છે. આગામી ચૂંટણીમાં મુકાબલો માત્ર બે પક્ષો વચ્ચે નહીં, પરંતુ ભાજપ, મમતા બેનર્જી (Mamata Banerjee)ની આગેવાની હેઠળની TMC, NCPI, ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચે બહુકોણીય રહેશે. જો વિપક્ષી મતોનું વિભાજન થાય તો તેનો સીધો રાજકીય ફાયદો ભાજપને મળી શકે છે.