India

રાહુલ ગાંધીની હાજરીમાં વંદે માતરમના અપમાનનો ભાજપનો આરોપ, કોંગ્રેસે જવાબમાં 1937નો ઈતિહાસ યાદ અપાવ્યો

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
આઝાદીની 80મી વર્ષગાંઠે વંદે માતરમના ગાન પર રાજકીય વિવાદ વકર્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે તિરંગો લહેરાવતી વખતે સોનિયા અને રાહુલ ગાંધીએ ગીત અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાના ભાજપના આરોપોએ ગરમાવો વધાર્યો છે. કોંગ્રેસે 1937ના નિર્ણયનો હવાલો આપ્યો છે કે જેમાં ગુરુદેવ ટાગોરની સલાહ મુજબ પ્રથમ બે અંતરા ગાવાનું નક્કી થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીની હાજરીમાં વંદે માતરમના અપમાનનો ભાજપનો આરોપ, કોંગ્રેસે જવાબમાં 1937નો ઈતિહાસ યાદ અપાવ્યો

Vande Mataram Controversy: દેશ આજે પોતાની આઝાદીની 80મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે. આ ઐતિહાસિક પર્વ પર 2026માં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પ્રોટોકોલ મુજબ વંદે માતરમના તમામ છ અંતરા ગાવા અંગે નિર્દેશ અપાયા છે. દરમિયાન, શનિવારે કોંગ્રેસ મુખ્યાલય ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં વંદે માતરમનું ગાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ રાષ્ટ્રગીતના ગાનને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે નવો રાજકીય વિવાદ ઊભો થયો છે.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ભાજપના ગંભીર આક્ષેપો

ભાજપના પ્રવક્તા આર.પી. સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે વંદે માતરમ ગાવા દરમિયાન સોનિયા ગાંધીએ નારાજ થઈને કાર્યકરોને ગીત અટકાવવા કહ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો કે સોનિયા ગાંધીને આ ગીત સામે શા માટે વિરોધ છે. આ ઉપરાંત, ભાજપ નેતા અમિત માલવીયે પણ આરોપ લગાવ્યો હતો કે પ્રથમ બે અંતરા પૂરા થયા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઈશારો કરીને વંદે માતરમ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસ નેતાઓની સફાઈ અને 1937ના ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ

ભાજપના આક્ષેપોનો સખત વિરોધ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે કાર્યક્રમ દરમિયાન કોઈ જ વિઘ્ન આવ્યું નહોતું. કોંગ્રેસ નેતા પવન ખેડા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે જણાવ્યું હતું કે આ બાબતે કોઈ વિવાદ જ નથી.

દરમિયાન, કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ઐતિહાસિક સંદર્ભ આપતાં જણાવ્યું કે, 'ઓક્ટોબર 1937માં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, સી. રાજગોપાલાચારી અને પંડિત જવાહરલાલ નેહરુ ઉપસ્થિત હતા. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહ મુજબ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વંદે માતરમના પ્રથમ બે અંતરા જ કોંગ્રેસના અધિવેશનોમાં ગાવામાં આવશે. ત્યારથી જ અમારા કાર્યકરો આ પરંપરા મુજબ ગાન કરે છે.'

વિવાદ વચ્ચે રાજકીય ગરમાવો

આઝાદીની 80મી વર્ષગાંઠ પર કેન્દ્ર સરકારના નવા નિયમો અને બીજી તરફ કોંગ્રેસની વર્ષો જૂની પરંપરાને કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. બંને પક્ષો પોતપોતાની દલીલો આપી રહ્યા છે, જેના લીધે આ વિવાદે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.