વૃદ્ધ પિતા અને દિવ્યાંગ દીકરાના ખાતામાં અચાનક અબજો રૂપિયો દેખાયા, બેન્કમાં ઉપાડવા પહોંચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Muzaffarpur Bank Account Billion Balance 2026 : બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી બેંકિંગ સિસ્ટમ માટે એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીંના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના થતિયા સીહો ગામમાં રહેતા એક વયોવૃદ્ધ અને તેમના દિવ્યાંગ પુત્રના બેંક ખાતામાં અચાનક અબજો રૂપિયાનું બેલેન્સ દેખાવા લાગતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પિતા અને પુત્ર બંને સરકારી પેન્શન યોજનાનો લાભ લે છે અને જ્યારે તેઓ પોતાના પૈસા ઉપાડવા ગયા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પેન્શન ચેક કરાવતા જ સ્ક્રીન પર દેખાયા 7.59 અબજ રૂપિયા!
પ્રાપ્ત વિગતો અનુસાર, ગામના જ રહીશ કામેશ્વર મિશ્ર (જેઓ 'ઘૂમકર કવિ' તરીકે પણ ઓળખાય છે) પોતાના દિવ્યાંગ પુત્ર સાથે ગામના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર વૃદ્ધા પેન્શનની રકમ ઉપાડવા ગયા હતા. પેન્શનની રકમ લીધા બાદ તેમણે ઉત્સુકતાપૂર્વક પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરાવ્યું હતું. જ્યારે સીએસસી સેન્ટરના સંચાલકે તેમનું બેલેન્સ ચેક કર્યું તો કમ્પ્યુટર સ્ક્રીન પર 7,59,69,51,951 રૂપિયા (આશરે 7.59 અબજ રૂપિયા) નું બેલેન્સ દેખાયું હતું. આટલું જ નહીં, જ્યારે તેમના દિવ્યાંગ પુત્રના ખાતાની તપાસ કરવામાં આવી તો તેના એકાઉન્ટમાં પણ લગભગ આટલી જ જંગી રકમ બોલતી હતી.
બંને ખાતા મળીને કુલ 15 અબજનું બેલેન્સ જોઈ બધા સ્તબ્ધ
એક સામાન્ય પરિવારના પિતા-પુત્રના બેંક ખાતામાં ભેગા મળીને આશરે 15 અબજ રૂપિયા (1,500 કરોડ રૂપિયા) નું બેલેન્સ જોઈને સીએસસી સેન્ટરના સંચાલક સહિત આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કામેશ્વર મિશ્રે આ અંગે જણાવ્યું કે, "હું એક ખૂબ જ સામાન્ય માણસ છું. અમારા ખાતામાં આટલી મોટી રકમ ક્યાંથી અને કેવી રીતે આવી, તે અમારી સમજ બહારની વાત છે."
બેંકિંગ સિસ્ટમની ગરબડ કે ટેકનિકલ ખામી?
આટલી મોટી રકમ ખાતામાં દેખાવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ બેંકિંગ સિસ્ટમની ખામી અથવા સોફ્ટવેરની ટેકનિકલ ગરબડ (Technical Glitch) હોવાનું મનાઈ રહ્યું છે. પીડિત વૃદ્ધે બેંક સત્તાવાળાઓ અને સંબંધિત વિભાગને આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને તેમના ખાતાનું સાચું બેલેન્સ અપડેટ કરવા વિનંતી કરી છે. હાલ આ મામલે બેંક તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી અને બેંકની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.









