India

તેલના ભાવમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ : સાઉદી અરબના નિર્ણયથી ભારતને મોટી રાહત, પેટ્રોલ-ડીઝલની કિંમત સસ્તી થવાની આશા

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
સાઉદી અરબે એશિયાના ગ્રાહકો માટે 'અરબ લાઈટ' ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ 11 ડોલરનો મોટો ઘટાડો કર્યો છે, જે 26 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે. આ નિર્ણયથી ભારતનું ઓઈલ આયાત બિલ ઘટશે અને મોંઘવારી નિયંત્રણમાં મદદ મળશે. રશિયાથી ગ્રાહકોને પાછા ખેંચી એશિયન માર્કેટમાં પકડ મજબૂત કરવા સાઉદીએ આ પગલું ભર્યું છે. જોકે, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તાત્કાલિક ઘટશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

તેલના ભાવમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ : સાઉદી અરબના નિર્ણયથી ભારતને મોટી રાહત, પેટ્રોલ-ડીઝલની કિંમત સસ્તી થવાની આશા

Saudi Arabia Oil Price Cut : વૈશ્વિક એનર્જી માર્કેટમાં સાઉદી અરબે એક મોટો નિર્ણય લીધો છે. દુનિયાના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરબે એશિયાના ગ્રાહકો માટે તેના મુખ્ય ‘અરબ લાઈટ’ ક્રૂડ ઓઈલના સત્તાવાર વેચાણ ભાવમાં પ્રતિ બેરલ 11 ડોલરનો મોટો ઘટાડો કર્યો છે. એશિયાઈ દેશો માટે આ છેલ્લા 26 વર્ષમાં કરવામાં આવેલો સૌથી મોટો માસિક ઘટાડો છે. સાઉદી અરબના આ પ્રાઈસ વોરથી ભારત પર સકારાત્મક અસર થવાની પૂરી સંભાવના છે.

ભારત માટે આ નિર્ણય કેમ મહત્વનો?
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા કાચું તેલ વિદેશથી આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી દરેક હલચલની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છે. એક રિપોર્ટ અનુસાર, એપ્રિલ-મે 2026 દરમિયાન ભારતે 35.5 અબજ ડોલર (આશરે રૂ.3,37,970 કરોડ)નું કાચું તેલ આયાત કર્યું હતું. હવે સાઉદી દ્વારા ભાવ ઘટાડાના કારણે ભારતનું ઓઈલ ઈમ્પોર્ટ બિલ નોંધપાત્ર રીતે ઘટશે, જેનાથી દેશની કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને મોંઘવારીને નિયંત્રણમાં રાખવામાં મોટી મદદ મળશે.

રશિયાને ટક્કર આપવાની સાઉદીની રણનીતિ
એક્સપર્ટ્સના મતે સાઉદી અરબનો આ નિર્ણય માત્ર કિંમત ઘટાડવા પૂરતો નથી, પરંતુ એશિયાઈ માર્કેટમાં પોતાની પકડ મજબૂત રાખવાનો છે. યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે રશિયાએ ડિસ્કાઉન્ટ ભાવે તેલ વેચવાનું શરૂ કર્યું હતું, જેમાં ભારત અને ચીન તેના સૌથી મોટા ખરીદદાર બન્યા હતા. રશિયા તરફ વળેલા ભારતીય અને એશિયાઈ રિફાઈનર્સને ફરી પોતાના તરફ આકર્ષવા માટે સાઉદી અરબે આ મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે.

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે?
ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી ભારતના સામાન્ય ગ્રાહકોને રાહત મળવાની આશા ચોક્કસ વધી છે, પરંતુ તે તરત જ સસ્તું નહીં થાય. ભારતમાં ઈંધણના છૂટક ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતો ઉપરાંત રિફાઈનિંગ માર્જિન, નૂર ભાડું, ડોલર સામે રૂપિયાનો દર અને કેન્દ્ર-રાજ્ય સરકારોના ટેક્સ પર આધાર રાખે છે. જો વૈશ્વિક બજારમાં કાચું તેલ લાંબો સમય સસ્તું રહેશે અને સરકારી ઓઈલ કંપનીઓ તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે, તો જ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે.

દરિયાઈ સપ્લાયની કટોકટી ટળી
થોડા સમય પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય તણાવને કારણે હોર્મુઝ જળમાર્ગમાં તેલની સપ્લાય ખોરવાઈ જવાનો ડર હતો, જેના લીધે વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઉછળ્યા હતા. પરંતુ હવે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ખાડી દેશોનો નિકાસ માર્ગ સુચારુ બન્યો છે. આ ઉપરાંત, ઓપેક પ્લસ દેશોએ ઓગસ્ટથી દરરોજ 1.88 લાખ બેરલ વધારાનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો હોવાથી બજારમાં સપ્લાયની કટોકટી હવે ટળી ગઈ છે.