India

મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા પણ ભારત નહીં, જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું: PM મોદી

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાલોતરામાં ભારતની પ્રથમ 'ગ્રીનફિલ્ડ ઇન્ટીગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ' રાષ્ટ્રને સમર્પિત કરી. તેમણે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં 40 દેશોમાંથી ઇંધણ મેળવી ભારતને મોટા સંકટમાંથી બચાવવાની કૂટનીતિનો ખુલાસો કર્યો. તેમણે અગાઉની કોંગ્રેસ સરકાર પર રિફાઇનરીનું કામ અટકાવવાનો આરોપ પણ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Rajasthan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજસ્થાનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે રાજ્યના બાલોતરા જિલ્લામાં દેશના સૌપ્રથમ ‘ગ્રીનફિલ્ડ ઇન્ટીગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ’ ને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ સાથે જ તેમણે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. રાજસ્થાનથી એક વિશાળ સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટને લઈને ભારતના સાહસિક નિર્ણયો અને કૂટનીતિક તાકાતનો મોટો ખુલાસો કર્યો હતો.

હોર્મુઝ બંધ થતાં ભારત મોટા સંકટ તરફ વધી રહ્યું હતું
પીએમ મોદીએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે વેપાર માર્ગ પ્રભાવિત થયો છે. ભારત પોતાની એલપીજી જરૂરિયાતો માટે 60% સુધી આયાત પર નિર્ભર છે. યુદ્ધ દરમિયાન જ્યારે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી બંધ થઈ ગઈ, ત્યારે ભારત એક ખૂબ જ મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ ભારત સરકારે સમય રહેતા સંકટનું આકલન કર્યું, યોગ્ય વ્યૂહરચના બનાવી અને પોતાની આંતરરાષ્ટ્રીય કૂટનીતિક તાકાતનો સકારાત્મક ઉપયોગ કરીને દેશને આ મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો. રાજસ્થાનની ધરતીએ પણ આ સંકટમાંથી બહાર આવવામાં મોટી મદદ કરી છે.

અફવાઓ વચ્ચે 40 દેશોમાંથી મેળવ્યું ઇંધણ
વિપક્ષ અને વૈશ્વિક દબાણ પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાને કહ્યું કે, "જ્યારે કેટલીક તાકાતો દેશમાં અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અમારી સરકાર આ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કરી રહી હતી. અમે સંસાધનોનો સંતુલિત ઉપયોગ કર્યો અને આ યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ ભારતે દુનિયાના 40 દેશોમાંથી ઇંધણ (ક્રૂડ ઓઇલ અને ગેસ) મેળવીને દેશમાં સપ્લાય ખોરવાવા દીધો નથી."

કોંગ્રેસના કારણે રિફાઇનરીનું કામ ઠપ હતું
રાજસ્થાનની અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં રાજ્ય સરકારના અસહકારને કારણે આ મહત્વકાંક્ષી રિફાઇનરી પ્રોજેક્ટનું કામ તદ્દન ઠપ થઈ ગયું હતું. પરંતુ રાજ્યમાં ભાજપની સત્તા આવ્યા બાદ બનેલી 'ડબલ એન્જિન' સરકારે કામગીરી ઝડપી બનાવી અને આજે આ ગ્રીનફિલ્ડ રિફાઇનરી દેશના ઉર્જા અને પેટ્રોકેમિકલ સેક્ટર માટે એક મોટી સિદ્ધિ તરીકે ઉભી છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ રાજસ્થાનમાં શહેરી પરિવહન, રેલવે, હાઇવે રોડ, રીન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન સંબંધિત હજારો કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.