Get The App

કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
કોંગ્રેસને મોટો ઝટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા 1 - image

Bhupen Borah Joins BJP : અસમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરાએ તમામ અટકળોનો અંત આણીને ભાજપનો હાથ પકડી લીધો છે. અસમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ સૈકિયા અને ભાજપના સાંસદ બૈજયંત પાન્ડાની હાજરીમાં તેમણે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. એક દિવસ પહેલા જ બોરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બોરાએ અસમના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાન્ડા અને લખીમપુરના ધારાસભ્ય મનાબ ડેકાની હાજરીમાં શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ બોરાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમને શાહને મળવા કહ્યું હતું, તેથી તેઓ શિષ્ટાચાર મુલાકાત લેવા આવ્યા હતા.

કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે

બોરાએ દાવો કર્યો હતો કે, 8 માર્ચ સુધીમાં આત્મસન્માન અને રાજ્ય પ્રત્યે 'રાષ્ટ્રવાદી' ભાવના ધરાવતા લગભગ 50 ટકા કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાઈ જશે. જોકે, તેમણે 22 ફેબ્રુઆરીએ જ ભાજપનું સભ્યપદ સ્વીકારી લીધું હતું.

રાહુલ ગાંધીએ પણ તેમને ફોન કર્યો

બોરાએ સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, પાર્ટી હાઈકમાન્ડે તેનો સ્વીકાર કર્યો ન હતો અને વરિષ્ઠ નેતાઓ તેમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બોરાને પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરવા કહ્યું હતું, પરંતુ બીજા જ દિવસે મુખ્યમંત્રી શર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને જાહેરાત કરી કે બોરા 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

રાહુલ ગાંધીએ વાત ન સાંભળી

ભૂપેન બોરાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે પાર્ટીમાં પોતાના અપમાનનો મુદ્દો રાહુલ ગાંધી સમક્ષ ઉઠાવ્યો, ત્યારે રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે, તેઓ (રાહુલ ગાંધી) પોતે પણ અપમાનિત અનુભવે છે. અસમમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સોમવારે મોટો ફટકો પડ્યો. જ્યારે બોરાએ રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે તેઓ આ પ્રકારનું અપમાન સહન કરી શકતા નથી.

કોંગ્રેસમાં હું અપમાનિત અનુભવી રહ્યો છું

સોમવારે રાજીનામું આપ્યા બાદ બોરાએ રાહુલ ગાંધી સાથેની ફોન પરની વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "મેં રાહુલ ગાંધીને કહ્યું હતું કે હું પાર્ટીમાં અપમાનિત અનુભવી રહ્યો છું અને પછી તેમણે કહ્યું કે તેમને પણ અપમાનિત અનુભવ થઈ રહ્યો છે. તો પછી મારા અપમાનનું શું મૂલ્ય છે? હું આટલું અપમાન સહન કરી શકતો નથી, કારણ કે મારામાં એટલી ક્ષમતા નથી." પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈના તે આરોપ પર કે તેમણે ભાજપમાં જોડાવા માટે મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્મા પાસેથી 50 કરોડ રૂપિયા લીધા છે, બોરાએ કહ્યું કે જો તેમને પૈસાની ઓફર કરવામાં આવે છે, તો તેઓ મીડિયા સામે તેનો સ્વીકાર કરી લેશે.

એક સ્ટેડિયમ બનાવવા 50 કરોડ અપાયા

બોરાએ ઉમેર્યું, "મારા પિતાનું એક સ્ટેડિયમ બનાવવાનું સપનું હતું અને તેના માટે તેમણે 12 વીઘા જમીન રાખી હતી. જોકે, બે વાર ધારાસભ્ય રહેવા છતાં હું તેમની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં. 2019માં તેમનું અવસાન થયું. મારા પિતાની આ ઈચ્છા મારા હૃદયમાં છે, પરંતુ અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવા માટે 50 કરોડ રૂપિયા પૂરતા નહીં હોય. છતાં પણ હું તે સ્વીકારીશ અને કામ શરૂ કરીશ."