ઇન્કલાબનો અવાજ: 23 વર્ષની ઉંમરે ફાંસી, જાણો કેવી રીતે ભગતસિંહે અંગ્રેજોને હંફાવ્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Freedom Fighter Bhagat Singh: ઇતિહાસના પાનાઓ પર કેટલાક નામો એવા હોય છે જે સમયની સાથે ભૂંસાતા નથી, પરંતુ વધુ ચમકે છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક એવું જ નામ છે - ભગતસિંહ. માત્ર 23 વર્ષની નાની ઉંમરે જે યુવાને પોતાના સાહસ અને બુદ્ધિથી બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા, તે ભગતસિંહ આજે પણ ભારતના યુવાનો માટે હિંમત અને દેશપ્રેમનું સૌથી મોટું પ્રતીક છે. આજે 28 સપ્ટેમ્બરના રોજ આ મહાન ક્રાંતિકારીનો જન્મદિવસ છે ત્યારે ચાલો એમના જીવન, સંઘર્ષ અને બલિદાન વિશે વિગતવાર જાણીએ.
જન્મ અને પારિવારિક પૃષ્ઠભૂમિ
ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ અવિભાજિત પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં (જે હવે પાકિસ્તાનમાં છે) થયો હતો. તેમના પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહના લોહીમાં જ દેશપ્રેમ વહેતો હતો, કારણ કે તેમના કાકા અજીતસિંહ અને પિતા બંને સ્વાતંત્ર્ય સેનાની હતા.
બાળપણથી જ ક્રાંતિના બીજ રોપાયા
જ્યારે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા, ત્યારે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ હૃદયદ્રાવક ઘટનાએ બાળ ભગતસિંહના મન પર ઊંડી અસર કરી હતી. વર્ષ 1920 માં મહાત્મા ગાંધીએ 'અસહયોગ આંદોલન' શરૂ કર્યું, ત્યારે દેશની આઝાદીના સપના સાથે ભગતસિંહે પોતાનો શાળાનો અભ્યાસ છોડી દીધો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. સમય જતાં તેમને સમજાયું કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે માત્ર શાંતિથી કામ નહીં ચાલે, સશસ્ત્ર ક્રાંતિની જરૂર પડશે.
લાલા લજપતરાયના મૃત્યુનો બદલો
આઝાદીની લડત દરમિયાન 30 ઓક્ટોબર, 1928 ના રોજ સાયમન કમિશનના વિરોધમાં અંગ્રેજોએ કરેલા લાઠીચાર્જમાં પંજાબના મહાન નેતા લાલા લજપતરાય શહીદ થયા. આ ઘટનાથી રોષે ભરાયેલા ભગતસિંહે પોતાના ક્રાંતિકારી સાથીઓ સાથે મળીને લાલાજીના બલિદાનનો બદલો લેવાનું નક્કી કર્યું. શિવારામ રાજગુરુ સાથે મળીને તેમણે 17 ડિસેમ્બર, 1928ના રોજ લાહોરમાં અંગ્રેજ પોલીસ અધિકારી જ્હોન સાંડર્સની ગોળી મારીને હત્યા કરી દીધી અને દેશભરમાં ક્રાંતિનો નવો અવાજ બની ગયા.
'નૌજવાન ભારત સભા'ની સ્થાપના કરી
1926માં દેશના યુવાનોને સંગઠિત કરવા, તેમનામાં દેશપ્રેમ જગાવવા અને આઝાદીની લડતમાં જોડવા માટે ભગતસિંહે 'નૌજવાન ભારત સભા' નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
અંગ્રેજોના નાક નીચે બોમ્બ બનાવ્યો
અંગ્રેજ સરકારને જગાડવા માટે ભગતસિંહ અને તેમના સાથીઓ સુખદેવ અને રાજગુરુએ મોટી યોજના બનાવી. આ માટે દિલ્હીથી થોડા જ કિલોમીટર દૂર આવેલા નોઇડાના નલગઢા ગામને તેમનું ગુપ્ત ઠેકાણું બનાવ્યું. અહીં રહીને તેમણે બોમ્બ બનાવ્યો. જે પથ્થર પર બારૂદ ભેળવવામાં આવતો, તે બે ખાડા વાળો પથ્થર આજે પણ નલગઢા ગામના એક ગુરુદ્વારામાં સચવાયેલો છે. આટલી નજીક રહીને બોમ્બ બની રહ્યો હતો છતાં અંગ્રેજી શાસનને તેની જરા પણ ગંધ નહોતી આવી.
સેન્ટ્રલ એસેમ્બલીમાં ધડાકો
8 એપ્રિલ 1929 ના ઐતિહાસિક દિવસે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે નવી દિલ્હી ખાતે બ્રિટિશ હુકૂમતની તત્કાલીન સેન્ટ્રલ એસેમ્બલીના સભાગૃહમાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકાયો ત્યારે એસેમ્બલીમાં સાયમન કમિશનનો ચીફ જોન સાઇમન પણ હાજર હતો. આ ધડાકા સાથે જ તેમણે લાલ પરચા ઉડાડ્યા જેમાં લખ્યું હતું કે, ‘બહેરા કાનોને સાંભળવા માટે એક મોટા ધમાકાની જરૂર હોય છે.’ સાથે જ તેમણે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી વતી 'ઇન્કલાબ જિંદાબાદ' ના નારા લગાવ્યા.
ન ડર્યા, ન ભાગ્યા: અદમ્ય સાહસ પાર પાડ્યું
બોમ્બ ફેંક્યા પછી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત માટે ત્યાંથી ભાગી જવું ખૂબ સરળ હતું, પરંતુ તેઓ ત્યાંથી ભાગ્યા નહીં. તેમણે ત્યાં જ ઊભા રહીને હસતા મુખે આત્મસમર્પણ કર્યું. તેમને ખબર હતી કે પકડાશે તો અંગ્રેજ સરકાર તેમને કડકમાં કડક સજા આપશે, છતાં તેઓ ડર્યા નહીં. તેમનો ઉદ્દેશ્ય કોઈનો જીવ લેવાનો ન હતો, પરંતુ જનતામાં જાગૃતિ લાવવાનો અને અંગ્રેજોની અન્યાયી વ્યવસ્થાનો વિરોધ કરવાનો હતો. 'ઇન્કલાબ જિંદાબાદ' નારો (જેનો અર્થ થાય છે 'ક્રાંતિ અમર રહો') અસલમાં મૌલાના હસરત મોહાનીએ આપ્યો હતો, પરંતુ તેને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાનું અને ક્રાંતિકારીઓનો મૂળ મંત્ર બનાવવાનું કામ ભગતસિંહે કર્યું હતું.
જેલમાં ઐતિહાસિક ભૂખહડતાળ કરી
ભગતસિંહ અને તેમના સાથીઓએ લાહોર જેલમાં ભારતીય અને અંગ્રેજ રાજકીય કેદીઓ (Political Prisoners) વચ્ચે થતા ભેદભાવના વિરોધમાં 116 દિવસની લાંબી ભૂખહડતાળ કરી હતી. આ ભૂખહડતાળે આખા દેશમાં આંદોલન જગાવ્યું હતું.
બૌદ્ધિકતા અને લેખન
ભગતસિંહ માત્ર હથિયારથી લડનારા ક્રાંતિકારી ન હતા, તેઓ એક પ્રખર વિચારક અને વાચક પણ હતા. જેલવાસ દરમિયાન તેમણે અસંખ્ય પુસ્તકો વાંચ્યા હતા અને જેલમાં જ ‘હું નાસ્તિક શા માટે છું?’ (Why I am an Atheist) નામનો એક અત્યંત પ્રખ્યાત લેખ લખ્યો હતો. આ દર્શાવે છે કે તેમની ક્રાંતિ માત્ર ગોળી કે બોમ્બ પૂરતી સીમિત નહોતી, પણ વૈચારિક પણ હતી.
કેદી બન્યા તોય શૌર્ય કરમાયું નહીં
અંગ્રેજોના કેદી બન્યા પછી પણ ભગતસિંહનું શૌર્ય અકબંધ હતું. ફાંસી પહેલાં તેમણે અંગ્રેજ સરકારને એક પત્ર લખીને કહ્યું હતું કે, ‘તમે અમારી સાથે યુદ્ધબંદી જેવો વ્યવહાર કરો અને અમારો જીવ ફાંસીથી નહીં, પરંતુ સીધી ગોળી મારીને લો.’ આ તેમના અદમ્ય સાહસ અને વીરતાનું ઉત્તમ ઉદાહરણ હતું.
સમય કરતાં વહેલી ફાંસી આપી દીધી
ક્રાંતિકારીઓથી ભયભીત થયેલી અને ડરેલી અંગ્રેજી હુકૂમતે નિર્ધારિત સમય કરતાં પહેલાં જ, 23 માર્ચ 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દીધા. માત્ર 23 વર્ષની ઉંમરે હસતા હસતા ફાંસીનો ફંદો ચૂમી લેનાર ભગતસિંહ હંમેશા માટે અમર થઈ ગયા.
ભગતસિંહની 12.5 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા
ભગતસિંહના આ સર્વોચ્ચ બલિદાનને દેશ ક્યારેય ભૂલી શકતો નથી. આ મહાન શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે નોઇડાના સેક્ટર-150 માં 23 કરોડ રૂપિયાના ખર્ચે 28 એકરનો એક વિશાળ પાર્ક બનાવ્યો છે. આ પાર્કમાં ભગતસિંહની 12.5 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં સુખદેવ અને રાજગુરુના સ્મારક સ્તંભ સાથે એક શહીદ વાટિકા પણ બનાવવામાં આવી છે. શહીદ ભગતસિંહ આજે માત્ર એક નામ નથી, પણ ભારતવાસીઓની રગોમાં વહેતો દેશપ્રેમ છે. તેમનું શૌર્ય અને બલિદાન આવનારી અનેક પેઢીઓને મા ભારતી માટે સમર્પિત થવાની પ્રેરણા આપતું રહેશે.




