બંગાળમાં મતદાન વચ્ચે હાઇ વૉલ્ટેજ ડ્રામા: EVMમાં ભાજપના બટન પર ટેપ ચોંટાડાઈ હોવાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bengal Election Phase 2 Voting : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
EVMમાં BJP બટન પર ટેપ ચોંટાડવામાં આવી?
મતદાનના દિવસે EVM સાથે છેડછાડ અને બટનો પર ટેપ ચોંટાડવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. અભિષેક બેનર્જીના સંસદીય મતવિસ્તારમાં BJP ઉમેદવાર દેવાંશુ પાંડાએ આરોપ લગાવ્યો હતો કે ઘણા બૂથ પર EVM મશીનો પર તેમના નામ અને પાર્ટીના ચૂંટણી પ્રતીકને અનુરૂપ બટન ટેપ કરવામાં આવ્યું હતું, જેના કારણે મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરી શકતા નથી.
BJPના IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં EVM ના બટનો પર ટેપ ચોંટાડેલી જોઈ શકાય છે. આને "ડાયમંડ હાર્બર મોડેલ" ગણાવતાં તેમણે કહ્યું, "મમતા બેનર્જી આવા ગુનેગારો(જેમ કે જહાંગીર ખાન)નો બચાવ કરી રહ્યા હતા. અસંખ્ય બૂથ પર ટેપનો ઉપયોગ કરીને ભાજપને મત આપવાનો વિકલ્પ બ્લોક કરવામાં આવ્યો છે." માલવિયાએ ખાસ કરીને બૂથ નંબર 144, 170 અને 189નો ઉલ્લેખ કર્યો.
ભવાનીપુરમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા
ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?
મતદારોનો મમતા પર ગંભીર આરોપ
ઉત્તર 24 પરગણામાં કેટલાક મતદારોએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, મમતા બેનર્જી પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. એક મતદારે તો ત્યાં સુધી કહ્યું કે, "તેમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, એટલે જ આવું કરી રહ્યા છે."
હિંસા અને લોહિયાળ અથડામણ
ભાજપના કાર્યકર્તા પર હુમલો
નદિયા (ચાપડા): ચાપડા વિધાનસભાના બૂથ નંબર 52 પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે આ હુમલા પાછળ TMC કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
EVMમાં ખામી: અનેક કેન્દ્રો પર EVM મશીનો બગડવાની ફરિયાદ ઉઠી હતી. એક કેન્દ્ર પર સવારે 8:30 વાગ્યા સુધી મતદાન શરૂ થઈ શક્યું નહોતું, જેને કારણે મતદારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
હવે બસ યુદ્ધજહાજો તૈનાત કરવાના બાકી છે: અભિષેક બેનર્જી
બીજી તરફ, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, બંગાળમાં માત્ર INS યુદ્ધજહાજ અને રાફેલ તૈનાત કરવાના બાકી છે, સરકાર એ પણ કરી લે. 30 લાખ મતદારોને મત આપવાથી રોકવામાં આવ્યા છે. અમે 2021 કરતાં વધુ બહુમતી સાથે ચોથીવાર સરકાર બનાવીશું.
મમતા બેનર્જીએ શું કહ્યું?
પોતાના મતવિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મમતા બેનર્જીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાપો ઠાલવતા કહ્યું કે, બહારથી આટલા બધા ઓબ્ઝર્વર્સ બોલાવવામાં આવ્યા છે, જેઓ માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે. ભાજપના ઈશારે નાચે છે. જરા તમારી ચારે બાજુ જુઓ, અમારા એક પણ પોસ્ટર રહેવા દીધા નથી, બધા હટાવી દેવામાં આવ્યા છે. શું લોકશાહીમાં આવી રીતે ચૂંટણીઓ થાય છે?









