India

સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય તો ચેતજો: દિલ્હીમાં H1N1નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટ્યું

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હી-NCRમાં બદલાતા વાતાવરણને કારણે H1N1(સ્વાઇન ફ્લૂ)ના કેસમાં આઠ ગણો વધારો થયો છે. ચાલુ વર્ષે 1777 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે 229 કેસ હતા. સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ફ્લૂના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હીના આરોગ્ય વિભાગે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હી સરકારની બેઠક યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાય તો ચેતજો: દિલ્હીમાં H1N1નો વિસ્ફોટ, દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટ્યું

Delhi H1N1 Cases Rise : દિલ્હી-NCRમાં બદલાતા વાતાવરણ અને ભેજવાળા હવામાન વચ્ચે H1N1(સ્વાઇન ફ્લૂ) અને શ્વાસ સંબંધિત અન્ય ઈન્ફેક્શનના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે દિલ્હીમાં H1N1ના 1777 કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 229 કેસોની સરખામણીએ આશરે 8 ગણા વધુ છે. ચોમાસાની સીઝનમાં શ્વાસ સંબંધિત વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ફ્લૂના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

તબીબો પણ વાઇરસનો ભોગ

સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હીની એક સરકારી હૉસ્પિટલના વડા અને અન્ય ઘણા ડૉક્ટરો પણ H1N1 વાઇરસથી સંક્રમિત થયા છે. હૉસ્પિટલોમાં આવતા કેટલાક દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સિજનનું લેવલ ઘટવાની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેના કારણે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અંગે ચિંતા ઊભી થઈ છે. જોકે, દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હી સરકારની બેઠક

સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હી આરોગ્ય વિભાગે MCD અને હૉસ્પિટલોના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં સર્વેલન્સ વધારવા અને જરૂરી આરોગ્ય પ્રોટોકોલ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રીય રાજધાનીમાં H1N1ની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા, દિલ્હીના આરોગ્ય મંત્રી અને આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરશે.

લક્ષણો, સારવાર અને બચાવના ઉપાયો

H1N1 વાઇરસના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ આવવો, સૂકી ઉધરસ, શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ અને થાક લાગવાનો સમાવેશ થાય છે. શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો કે સતત તાવ રહે તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને ડાયાબિટીસ કે હૃદય રોગ ધરાવતા હાઇ-રિસ્ક દર્દીઓ માટે સમયસર સારવાર ખૂબ મહત્ત્વની છે. નિષ્ણાતોના મતે, શરૂઆતના તબક્કામાં જ ઓસેલ્ટામિવીર(Oseltamivir) દવા અસરકારક નીવડે છે. બચાવ માટે હાથની સ્વચ્છતા જાળવવી, ઉધરસ ખાતી વખતે મોં ઢાંકવું અને ફ્લૂની રસી લેવાની સલાહ આપવામાં આવી છે.