કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ મોટો વળાંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image X |
Bandi Bhageerath Surrender: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર બંડી ભગીરથ સામે નોંધાયેલા પોક્સો (POCSO) કેસમાં એક બહુ મોટો વળાંક આવ્યો છે. હાઈકોર્ટ તરફથી ધરપકડ સામે વચગાળાનું રક્ષણ ન મળતા અને પોલીસ દ્વારા દેશ છોડીને ભાગી જતો અટકાવવા માટે લુક-આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરાયા બાદ આખરે ભગીરથે સાયબરાબાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. 17 વર્ષની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આ સમગ્ર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાયદાની નજરમાં બધા સમાન
આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, પુત્ર સામે થયેલા આરોપો અને કાયદા પ્રત્યેના આદરને ધ્યાનમાં રાખીને તેમણે પોતે જ વકીલો મારફતે ભગીરથને પોલીસ તપાસ માટે સોંપી દીધો છે. તેમણે ઉમેર્યું કે કાયદાની નજરમાં તેમનો પુત્ર હોય કે દેશનો કોઈ સામાન્ય નાગરિક, બધા જ સમાન છે અને દરેક વ્યક્તિએ કાયદાનું પાલન કરવું જ જોઈએ.
રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ બાદ યુ ટર્ન
અગાઉ બંડીએ આક્ષેપ કર્યો હતો કે, રાજકીય કિન્નાખોરી રાખીને તેમના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. પુત્રને પોલીસ સમક્ષ સોંપવામાં થયેલા વિલંબ અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી કે, વકીલોએ પુરાવા જોઈને આ કેસ રદ થઈ જશે અને જામીન મળી જશે તેવી સલાહ આપી હોવાથી થોડી વાર લાગી હતી, પરંતુ હવે તેઓ ન્યાયતંત્ર પર ભરોસો રાખીને તપાસમાં સહયોગ આપી રહ્યા છે.
કેબિનેટમાંથી હટાવવાની માંગ અને હાઈકોર્ટનો મોટો ઝટકો
આ હાઈપ્રોફાઈલ કેસને લઈને તેલંગાણાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તેલંગાણા રક્ષણા સેનાના (TRS) પ્રમુખ કે. કવિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે, આ કેસની મુક્ત અને નિષ્પક્ષ તપાસ થઈ શકે તે માટે બંડી સંજય કુમારને કેન્દ્રીય કેબિનેટ (ગૃહ રાજ્ય મંત્રી) ના પદ પરથી તાત્કાલિક હટાવવામાં આવે. બીજી તરફ, તેલંગાણા હાઈકોર્ટે પણ શુક્રવારે રાત્રે સુનાવણી દરમિયાન ભગીરથની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરતા ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેને આરોપી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
સગીરાની માતાનો ગંભીર આરોપ
સાયબરાબાદ પોલીસે ગત 8 મે ના રોજ 17 વર્ષીય સગીરાની માતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પીડિતાનું નિવેદન નોંધાયા બાદ આ કેસમાં વધુ કડક કલમો ઉમેરવામાં આવી છે. ફરિયાદ મુજબ, જૂન 2025 આસપાસ કોમન મિત્રો દ્વારા બંને વચ્ચે મુલાકાત થઈ હતી અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ પર વાતચીત શરૂ થઈ હતી.
લગ્નની લાલચ
આરોપ છે કે, ભગીરથે સગીરા 18 વર્ષની થાય એટલે લગ્ન કરી લેવાની ખાતરી આપીને તેનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તેનું શારીરિક-માનસિક શોષણ (યૌન ઉત્પીડન) કર્યું હતું. આ કેસમાં માત્ર સગીરા તરફથી જ નહીં, પરંતુ મંત્રીના પુત્ર ભગીરથ તરફથી પણ પોલીસમાં એક સામી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તે અંગે પણ FIR દાખલ કરી છે.
છોકરીના પરિવારે જાળમાં ફસાવ્યો
ભગીરથનો આરોપ છે કે, છોકરી અને તેના પરિવારે તેને જાળમાં ફસાવ્યો હતો. તે પરિવાર પર ભરોસો કરીને તેમની સાથે ધાર્મિક સ્થળોએ પણ ગયો હતો. પરંતુ બાદમાં છોકરીના માતા-પિતાએ લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું. જ્યારે ભગીરથે લગ્નની ના પાડી, ત્યારે પરિવારે બદનામ કરવાની અને ખોટો કેસ કરવાની ધમકી આપીને મોટા પ્રમાણમાં પૈસાની માંગણી કરી હતી.
પૈસા પડાવવા કારસો રચ્યો
ભગીરથના દાવા મુજબ, તેણે ડરના માર્યા શરૂઆતમાં 50,000 ચૂકવ્યા હતા, પરંતુ ત્યારપછી પરિવારે 5 કરોડ રૂપિયાની મસમોટી રકમ માંગી હતી અને પૈસા ન આપે તો છોકરીની માતા આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. હાલમાં પોલીસે કેન્દ્રીય મંત્રીના પુત્રની અટકાયત કરીને આ બંને પક્ષના આક્ષેપો અને હાઈપ્રોફાઈલ પોક્સો કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.









