- બલૂચિસ્તાને 'રાષ્ટ્ર ધ્વજ' બનાવ્યો : ભારતની પ્રશંસા કરી
- હવે, બલૂચિસ્તાન દુનિયાભરના દેશો સાથે સીધી વાતચીત કરશે : 6 કરોડ બલૂચોની મંજૂરી વિના ચીન થોડા મહિનાઓમાં તેની સેના ગોઠવશે : મીર યાર બલૂચ
નવી દિલ્હી : બલૂચિસ્તાનના અગ્રીમ માનવાધિકાર નેતા મીર યાર બલૂચે કહ્યું છે કે, બલૂચિસ્તાનનો આઝાદ દેશ ૨૦૧૬નાં પહેલા સપ્તાહને 'ગ્લોબલ ડિપ્લોમેટિક વીક' તરીકે ઉજવશે. તે વિશ્વના દેશો સાથે સીધી વાત કરશે. બલૂચિસ્તાનના લોકોએ પોતાને પાકિસ્તાનથી જુદા થવા નિર્ણય કરી લીધો છે.
આ ફાયર-બ્રાંડ નેતાએ વાસ્તવમાં મે ૨૦૨૫માં જ પાકિસ્તાનથી સ્વતંત્ર તેવા બલૂચ ગણતંત્રની સ્થાપનાની જાહેરાત કરી દીધી હતી. હવે તેઓ કહે છે કે, ૨૦૨૬નું પહેલું સપ્તાહ 'ગ્લોબલ ડિપ્લોમેટિક વીક' તરીકે ઉજવવામાં આવશે. અને દુનિયાભરના દેશો સાથે સીધો જ સંપર્ક સાધશે. આમ કહ્યા પછી તેઓએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર પણ લખ્યો છે. તેમાં લખ્યું છે કે, બલૂચિસ્તાનની જનતા ભારત સાથે મજબૂતીથી ઉભી છે. તેમણે આગળ લખ્યું છે કે, અમે (બલૂચો) ગતવર્ષે ઓપરેશન-સિંદૂર દ્વારા મોદી સરકારે હાથ ધરેલી સાહસિક અને દ્રઢ કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ કે જેમાં વિશેષરૂપથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી-કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે પહેલગાવ આતંકી હુમલાના ઉત્તર રૂપ હતી. આ કાર્યવાહીમાં દર્શાવાયેલ સાહસ, શૌર્ય - સંરક્ષણ અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે.
આ સાથે તેઓએ લખ્યું કે, ભારત અને બલૂચિસ્તાન વચ્ચેનો સહકાર સમયની માંગ છે. ચાયના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ખતરનાક બની રહ્યો છે. તે થોડા સમયમાં પૂરો પણ થઈ જશે. તેથી બલૂચોની પરવાનગી સિવાય જ કે તેમની ઇચ્છા વિરૂધ્ધ ચીની સેનાની અમારી ધરતી પરની હાજરી અમારા માટે સહન ન થઈ શકે તેવી વાત છે. ૨૦૨૬ના પહેલા સપ્તાહથી ૧૯૦ દેશોમાં રાજકીય મિશન ખોલવાની પણ તેમણે જાહેરાત કરી દીધી છે.


