રામ મંદિર કૌભાંડમાં સઘન તપાસ : આરોપી કર્મચારીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ. 10 લાખ રોકડા જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir Rs 7 Crore Donation Scam : અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની રકમમાં થયેલી નાણાકીય ગેરરીતિઓનો મામલો હવે અત્યંત ગંભીર બની ગયો છે. મંદિરમાં આવતા દાનમાંથી આશરે રૂ. 7 કરોડ (Rs 7 Crore)ની રકમ ઉચાપત થઈ હોવાનો દાવો સામે આવ્યા બાદ, રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે SIT તપાસની માંગ કરવામાં આવી છે. આ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ અટકાયતમાં લીધેલા મુખ્ય આરોપી કર્મચારી લવકુશ મિશ્રાના ઘરે દરોડો પાડીને રૂ. 10 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રુદૌલીના શુજા ગંજ વિસ્તારમાં આવેલા મીનાપુર ફગૌલી ગામમાં જ્યારે તપાસ ટીમ લવકુશ મિશ્રાના ઘરે પહોંચી ત્યારે, નોટો છુપાવવાની જગ્યા જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.
છાણના ઢગલા અને કબાટમાંથી મળી રોકડ
તપાસ એજન્સીના 6 સભ્યોની ટીમે જ્યારે લવકુશના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે, ગ્રામીણ વિસ્તારોની જેમ ઘરની બહાર રાખવામાં આવેલા છાણના ઢગલા (ઉકરડા)ની અંદર દબાવીને છુપાવવામાં આવેલી રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત બાકીના રૂપિયા ઘરના કબાટમાંથી મળી આવ્યા હતા. કુલ મળીને આશરે રૂ. 10 લાખ (Rs 10 Lakh) રોકડા જપ્ત કરાયા છે. આ મામલામાં ચઢાવો ગણતા અન્ય એક શંકાસ્પદ કર્મચારીની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે.
રૂ. 18 હજારની નોકરી અને કરોડોની મિલકત!
તપાસ એજન્સીઓના રડાર પર આ કર્મચારીઓની અખૂટ સંપત્તિ સામે આવી ગઈ છે, જેને જોઈને અધિકારીઓના પણ હોશ ઉડી ગયા છે.
માસિક પગાર: પકડાયેલા બંને કર્મચારીઓનો માસિક પગાર માત્ર રૂ. 18,000 થી રૂ. 20,000ની આસપાસ હતો.
કરોડોનું રોકાણ: આટલો ઓછો પગાર હોવા છતાં, તાજેતરના મહિનાઓમાં એક કર્મચારીએ આશરે રૂ. 1.5 કરોડ (Rs 1.5 Crore)ની કિંમતની જમીન ખરીદી હતી, જ્યારે બીજા કર્મચારીએ આશરે રૂ. 40 લાખ (Rs 40 Lakh)નો પ્લોટ ખરીદ્યો હોવાની વિગતો સામે આવી છે. રામ મંદિરમાં નોકરી મળ્યા બાદ આ કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં અસાધારણ અને રોકેટ ગતિએ આવેલો બદલાવ જ તપાસ એજન્સીઓ માટે મજબૂત કડી સાબિત થયો છે.
પિતાનો બચાવ: 'જમીન ગીરવે મૂકીને ઘર બનાવીએ છીએ'
બીજી તરફ, આરોપી લવકુશ મિશ્રાના પિતા બચ્ચૂલાલે પોતાના પુત્રને નિર્દોષ ગણાવતા એક અલગ જ વાર્તા રજૂ કરી છે. તેમણે સ્વીકાર્યું કે, તપાસ ટીમને તેમના ઘરેથી રૂ. 10 લાખ રોકડા મળ્યા છે, પરંતુ તેમણે દાવો કર્યો કે, 'ફૈઝાબાદમાં બની રહેલા મકાન સાથે તેમના પુત્રને કોઈ લેવાદેવા નથી. ઘર બનાવવા માટે મેં મારી પોતાની ખેતીની જમીન ગીરવે મૂકી છે.'
આ દરમિયાન રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા 5 દિવસમાં બીજી વખત અયોધ્યા પહોંચ્યા છે, પરંતુ તેમણે આ નાણાકીય કૌભાંડ પર કોઈ પણ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.









