India

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્ત્વની બેઠક: 5 સંતોને જવાબદારી સોંપવા સહિત લેવાયા અનેક મોટા નિર્ણયો

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં શ્રાવણ મહિનાના દર્શન, વહીવટી સુધારા અને ધાર્મિક સંચાલન અંગે મહત્ત્વના નિર્ણયો લેવાયા. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવવા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેના અધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી બન્યા. SBIની દાનની રકમની ગણતરીમાં બેદરકારી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્ત્વની બેઠક: 5 સંતોને જવાબદારી સોંપવા સહિત લેવાયા અનેક મોટા નિર્ણયો

Ayodhya Ram Mandir News : અયોધ્યામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, વહીવટી સુધારા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

ધાર્મિક સમિતિનું પુનર્ગઠન અને સંતોને કમાન

રામ મંદિરના તમામ ધાર્મિક કાર્યોનું સંચાલન હવે સંતોના માર્ગદર્શન હેઠળ જ થશે. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સહિત દેશના દિગ્ગજ સંતોનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે.

SBIની કામગીરી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી

દાનની રકમની ગણતરી માટે સ્ટેટ બૅંક ઑફ ઈન્ડિયા(SBI) સાથે થયેલા કરાર(MOU)ની સમીક્ષા કરવામાં આવી હતી. બૅંકની કાર્યપ્રણાલી અને બેદરકારી સામે ટ્રસ્ટે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણાકીય સમિતિને SBI સાથેના ભવિષ્યના સંબંધો અને નિયમોની સમીક્ષા કરીને નિર્ણય લેવા આદેશ અપાયો છે.

SIT રિપોર્ટની રાહ અને સુરક્ષાની સમીક્ષા

દાનની રકમની ગણતરીમાં ગડબડના આરોપો અંગેની તપાસ કરી રહેલી SITનો આખરી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેથી તે મુદ્દે આખરી નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે. આ સિવાય, મંદિર પરિસરમાં દાન ગણતરી રૂમ સહિત તમામ મહત્ત્વના CCTV કેમેરાનું એક્સેસ સુરક્ષા એજન્સીઓને પૂરું પાડવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

નવા સચિવ અને પ્રવક્તાની કરાશે નિમણૂક

મંદિરમાં CEOની પસંદગી પ્રક્રિયા માટે કમિટીએ વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, જેને ટ્રસ્ટે મંજૂરી આપી છે. વહીવટી કામગીરી સરળ બનાવવા માટે હાલ એક નવા સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયા અને સમાજ સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સત્તાવાર પ્રવક્તા નીમવામાં આવશે.

શ્રદ્ધાળુઓનો અકબંધ વિશ્વાસ

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ અફવાઓ અને આરોપો છતાં રામ મંદિરે આવતા રામભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રસ્ટે આને કરોડો ભક્તોની અતૂટ શ્રદ્ધા ગણાવીને તમામ શ્રદ્ધાળુઓ અને સંત સમાજનો આભાર માન્યો છે.