Get The App

આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં ૮૬ ટકા મતદાન

હવે ૨૩ એપ્રિલે તમિલનાડુની તમામ બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે

બે રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઐતિહાસિક વોટિંગ

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
આસામમાં ૮૫ ટકા, કેરળમાં ૭૮ ટકા અને પુડુચેરીમાં  ૮૬ ટકા મતદાન 1 - image

(પીટીઆઇ)     તિરુવનંતપુરમ/ગુવાહાટી, તા. ૯

ચૂંટણી પંચનાં આંકડા અનુસાર ગુરૃવારે થયેલી વિધાનસભા ચૂંટણીમાં આસામમાં ૮૫ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે. જ્યારે કેરળમાં ૭૮ ટકાથી વધારે મતદાન થયું હતું. આ બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ સતત ત્રીજી વખત સત્તામાં આવવાની આશા રાખી રહ્યાં છે.

આ ભારે મતદાનને ઐતિહાસિક ગણાવતા આસામનાં મુખ્યપ્રધાન હિમંત સરમાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ અગાઉથી જ દેખાઇ રહ્યું છે. અમારા લોકોનાં  ચહેરા પર જોવા મળી રહેલી આશા, ગૌરવ અને આશામાં.

જો કે કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભારે મતદાન  એક નવા અને સારા આસામ તથા એક નવા નેતૃત્ત્વ માટે હતું.

ગોગોઇએ વધુમાં જણાવ્યું હતું કે હવે ચૂંટણી પંચની જવાબદારી છે કે તે ઇવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરે અને મતોની ગણતરી યોગ્ય રીતે કરે.

સરમા અને ગોગોઇ બંને આ ચૂંટણીમાં ૧૨૬ વિધાનસભા બેઠકો પર લડી રહેલા કુલ ૭૨૨ ઉમેદવારોમાં સામેલ છે. કુલ મતદારોની સંખ્યા ૨.૫ કરોડ હતી. ૨૦૨૧ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ૮૨.૦૪ ટકા મતદાન થયું હતું.

૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં કેરળમાં ૭૪.૦૬ ટકા મતદાન થયું હતું. કેરળની ૧૪૦ વિધાનસભા બેઠકો પર કુલ ૮૮૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. કેરળની ચૂંટણી નક્કી કરશે કે એલડીએફ(લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ)ને સતત ત્રીજી વખત સત્તા મળશે કે નહીં.

કેરળ અને આસામની સાથે ગુરૃવારે ૩૦ સભ્યોવાળી પુડુચેરી વિધાનસભા માટે પણ આજે મતદાન થયું હતું. પુડુચેરીમાં ૮૬ ટકાથી વધારે મતદાન નોંધવામાં આવ્યું છે. પુડુચેરીમાં કોંગ્રેસનાં નેતૃત્ત્વવાળુ ગઠબંધન એઆઇએનઆરસીનાં નેતૃત્ત્વવાળા મોરચા પાસેથી સત્તા છીનવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

હવે ૨૩ એપ્રિલે તમિલનાડુમાં એક જ તબક્કામાં તમામ વિધાનસભા માટે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલ એમ બે તબક્કામાં વિધાનસભા માટે મતદાન થશે. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચોથી મેનાં રોજ મત ગણતરી થશે.