5 States Election Results : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ઈતિહાસમાં પહેલીવાર કમળ ખીલ્યું છે જ્યારે કેરલમમાં કોંગ્રેસે 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી છે. તમિલનાડુના રાજકારણમાં ભૂકંપ સમાન સુપરસ્ટાર વિજયના પક્ષ TVKએ બાજી મારી છે.
5 રાજ્યોના ચૂંટણી પરિણામ:
ચૂંટણી પરિણામની દિવસભરની તમામ અપડેટ્સ:
પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે!: PM મોદી
પશ્ચિમ બંગાળમાં જીત મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું છે કે,' પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે, 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હંમેશા યાદ રહેશે. જનશક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની વ્યૂહનીતિનો વિજય થયો છે. હું પશ્ચિમ બંગાળના દરેક વ્યક્તિને નમન કરું છું. જનતાએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. અમે એવી સરકાર આપીશું જે સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવની ખાતરી આપે. પેઢીઓથી અસંખ્ય કાર્યકર્તાઓના પ્રયત્નો અને સંઘર્ષ વિના પશ્ચિમ બંગાળમાં ભાજપની આ વિક્રમી જીત શક્ય ન હોત. હું તે તમામને સલામ કરું છું. વર્ષોથી, તેઓએ જમીન પર સખત મહેનત કરી છે, તમામ પ્રકારના પડકારનો સામનો કર્યો છે અને આપણા વિકાસના એજન્ડા વિશે વાત કરી છે. તેઓ જ અમારી પાર્ટીની શક્તિ છે.'
તૃણમૂલ મહા સચિવ અભિષેક બેનરજીની પ્રતિક્રિયા
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મહાસચિવ અભિષેક બેનરજીએ જણાવ્યું કે, 'એક સભ્ય સમાજમાં લોકો જે પણ ચુકાદો આપે છે, તેને દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ. મતોની ગણતરીની પ્રક્રિયા અસામાન્ય રીતે ધીમી ચાલી રહી છે. આ પહેલા 2021માં લગભગ 90% ગણતરી સાડા આઠ કલાકમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે એટલા જ સમયમાં માત્ર 6-8 રાઉન્ડ જ પૂર્ણ થયા છે. હું દરેકને ધીરજ જાળવી રાખવા વિનંતી કરું છું. તૃણમૂલના તમામ કાઉન્ટિંગ એજન્ટોને પણ અપીલ કરું છું કે તેઓ કોઈપણ સંજોગોમાં કાઉન્ટિંગ સેન્ટર છોડીને ન જાય. ઘણી જગ્યાએ પરિણામો મીડિયાને જણાવવામાં પણ નથી આવી રહ્યા. વર્ધમાન દક્ષિણમાં તૃણમૂલ કોંગ્રેસ પહેલેથી જ જીત મેળવી ચૂકી છે, તેમ છતાં મતોની ફરીથી ગણતરી કરવામાં આવી રહી છે.' અભિષેક બેનર્જીએ એવો પણ દાવો કર્યો છે કે, કલ્યાણીમાં ઓછામાં ઓછી આઠ એવા EVM છે, જ્યાં કંટ્રોલ યુનિટનો ડેટા Form 17C સાથે મેળ ખાતો નથી.
ભવાનીપુર બેઠક પર હોબાળો
પશ્ચિમ બંગાળની વીવીઆઈપી (VVIP) બેઠક ભવાનીપુર પર હોબાળો થઈ રહ્યો છે. અહીં 12મા રાઉન્ડની મતગણતરીની જાહેરાત રોકી દેવામાં આવી છે. મતદાન કેન્દ્રની અંદર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી હાજર છે. અન્ય પાર્ટીઓના એજન્ટોનો આરોપ છે કે ભાજપના એજન્ટોએ તેમને બહાર કાઢી મૂક્યા છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ, ભવાનીપુર બેઠક પર 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે આ બેઠક પર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે.
એમ.કે.સ્ટાલિન ચૂંટણી હાર્યા, કોલાથુર બેઠકથી ચૂંટણી લડી હતી
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન જ ચૂંટણી હારી ગયા છે. તેમણે કોલાથુર બેઠકથી ચૂંટણી લડી હતી. તેમની સામે ટીવીકેના વી.એસ.બાબુનો વિજય થયો છે. જોકે હજુ સુધી ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ જણાવે છે કે 22માંથી 16 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને સ્ટાલિન 7500 વોટથી પાછળ છે.
જોરહાટ બેઠકથી ભાજપના ઉમેદવાર જીત્યાં, કોંગ્રેસના દિગ્ગજ ગૌરવ ગોગોઇની હાર
આસામથી કોંગ્રેસને ઝટકો આપે તેવા મોટા સમાચાર એ છે કે પાર્ટીના મુખ્ય ચહેરા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ હારી ગયા છે. તેમણે જોરહાટ બેઠકથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે 23182 વોટથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.
મત ગણતરી વચ્ચે કોલકાતામાં હોબાળો, ભાજપ-તૃણમૂલના કાર્યકરો વચ્ચે માથાકૂટ
પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કોલકાતાથી હિંસાના અહેવાલો આવવાનું શરૂ થઇ ગયું છે. આસનસોલ, બાંકુરા, કૂચબિહાર અને કોલકાતામાં પણ ભાજપ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે માથાકૂટ, બબાલ અને પથ્થરમારા જેવી ઘટનાઓના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે ભવાનીપુરમાં તો મત ગણતરી કેન્દ્રની બહાર જ ભાજપના કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી હતી.
ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર જીત્યા

મમતા બેનરજીનું પ્રથમ નિવેદન, કહ્યું - અમે જીતીશું
પ.બંગાળમાં વલણોમાં ભાજપનો મજબૂત પ્રદર્શન છતાં મમતા બેનરજીએ કહ્યું કે અમે જીતીશું. કાર્યકરો આશા ન છોડે અને તેઓ મત ગણતરી કેન્દ્રો પર અડગ રહે. આ સાથે મમતા બેનરજીએ SIR દ્વારા વૉટ લૂંટવામાં આવી રહ્યાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મનામાની કરી રહ્યું છે. તેમણે કાર્યકરોને કહ્યું કે છેલ્લા રાઉન્ડ સુધી આપણી જ જીત થશે. તેમાં કોઈ શંકા નથી. ચૂંટણી પંચ 70 બેઠકની માહિતી નથી આપી રહ્યું.
બંગાળમાં ભાજપની લહેર, તૃણમૂલનો સફાયો નક્કી!
પ.બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલનો સફાયો નક્કી દેખાઈ રહ્યો છે. ભાજપને વલણોમાં 180 બેઠકો પર લીડ મળતી દેખાઇ રહી છે. જ્યારે તૃણમૂલ ફક્ત 105 બેઠકમાં સમેટાઈ જતા દેખાઈ રહી છે.
આસામમાં પણ ભાજપે 99થી વધુ બેઠક પર લીડ મેળવી
આસામમાં પણ ભાજપ સત્તામાં હેટ્રિક પૂર્ણ કરવાના માર્ગે આગળ વધી રહી છે. હાલમાં ભાજપ અહીં 99 બેઠક પર લીડમાં છે જે બહુમતીના આંકડાથી વધારે છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 25 બેઠકોમાં સમેટાતું દેખાય છે.
11 વાગ્યાની લેટેસ્ટ અપડેટ : બંગાળ સિવાય લગભગ તમામ બેઠકોના વલણો જાહેર
પ.બંગાળ 280/293
ભાજપ 152 બેઠક પર આગળ તો મમતાની તૃણમૂલ 128 બેઠક પર લીડ ધરાવે છે.
આસામ 126/126
ભાજપ 98 બેઠક પર આગળ, બહુમતીને પાર થયો. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 26 બેઠક પર લીડમાં.
તમિલનાડુ 234/234
તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકેએ સૌને ચોંકાવ્યા. હાલમાં ટીવીકે 106 બેઠક, ડીએમકે 47, એઆઈએડીએમકે 79 તથા અન્ય એક બેઠક પર આગળ છે.
પુડુચેરી 30/30
પુડુચેરીમાં 30 બેઠકમાંથી 23 બેઠકના વલણ સામે આવ્યા છે. ભાજપ ગઠબંધન 13, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠક પર આગળ છે.
કેરલમ 140/140
કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન યુડીએફને 98 બેઠકો મળી છે. સત્તાધારી એલડીએફ 39 બેઠક તો ભાજપનું ગઠબંધન 01 બેઠક પર અને અન્યો 2 બેઠક પર આગળ છે.
10:30 વાગ્યાની અપડેટ : મતણગતરીના બે કલાકના વલણોનું સ્પષ્ટ ચિત્ર
પ.બંગાળ 272/293
ભાજપ 152 બેઠક પર આગળ તો મમતાની તૃણમૂલ 115 બેઠક પર લીડ ધરાવે છે.
આસામ 125/126
ભાજપ 95 બેઠક પર આગળ, બહુમતીને પાર થયો. જ્યારે કોંગ્રેસ ગઠબંધન 27 બેઠક પર લીડમાં.
તમિલનાડુ 231/234
તમિલનાડુમાં વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (ટીવીકે)એ સૌને ચોંકાવ્યા. હાલમાં ટીવીકે 103 બેઠક, ડીએમકે 50, એઆઈએડીએમકે 77 તથા અન્ય એક બેઠક પર આગળ છે.
પુડુચેરી 23/30
પુડુચેરીમાં 30 બેઠકમાંથી 23 બેઠકના વલણ સામે આવ્યા છે. ભાજપ ગઠબંધન 13, કોંગ્રેસ 6 અને અન્ય 4 બેઠક પર આગળ છે.
કેરલમ 140/140
તમિલનાડુમાં વિજયે કરી કમાલ
જ્યારે તમિલનાડુમાં 234 માંથી 214 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમાં સત્તાધારી ડીએમકે ગઠબંધન પછડાટ ખાઈ ગયું છે. એઆઈએડીએમકે પાર્ટી 68 તો ટીવીકે 98 બેઠક પર લીડ મેળવી રહ્યું છે. વિજયની પાર્ટી ટીએમકે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી. જે હવે એકલા હાથે પણ સત્તામાં આવવા સક્ષમ બનતી દેખાય છે. જ્યારે ડીએમકેના હાથમાં ફક્ત 47 બેઠક પર જ લીડ બચી છે.
આસામના વલણો: ભાજપ બહુમતીના આંકડાને પાર
આસામમાં 126 બેઠકોમાંથી 111 બેઠકોના વલણો જાહેર થઇ ગયા છે. તેમાં વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી સફળતા મેળવી છે, જ્યાં તે બહુમતી માટે જરૂરી આંકડાથી આગળ નીકળીને 85 બેઠકો પર સરસાઈ ધરાવે છે. બીજી તરફ, કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન હાલમાં માત્ર 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના આંકડા મુજબ અન્ય કોઈ પક્ષ કે ઉમેદવારનું ખાતું પણ ખુલતું જણાતું નથી.
તમિલનાડુમાં મોટો ઉલટફેર
વલણોમાં વિજયની પાર્ટી ટીવીકેએ દમદાર પરફોર્મ કરતાં 76 બેઠક પર લીડ મેળવી લીધી છે. 234 બેઠકોમાંથી 176 બેઠકોના વલણો અત્યાર સુધી જાહેર થયા છે. જેમાંથી ડીએમકે પાસે હાલ 66 બેઠક પર જ લીડ છે. જ્યારે એઆઈએડીએમકે 35 બેઠક પર અને અન્યના ખાતામાં 0 બેઠક પર લીડ દેખાઈ રહી છે.
3 રાઉન્ડની ગણતરી બાદ ગુજરાતના ઉમરેઠની પેટા ચૂંટણીમાં ભાજપ આગળ
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ પણ આજે જ આવી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે ભાજપ આગળ દેખાઈ રહ્યો છે. ભાજપને હાલમાં 6000 વોટની લીડ મળી રહી છે.
પીએમ મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી તે તમામ બેઠક પર ભાજપને લીડ
પ.બંગાળમાં પીએમ મોદીએ ઝારગ્રામની મુલાકાત વખતે એક દુકાને ઝાલમુરી ખરીદીને ખાધી હતી. તેની અસર એવી દેખાઈ કે ઝારગ્રામની તમામ બેઠક પર ભાજપ હાલમાં વલણોમાં લીડ મેળવતો દેખાય છે.
ભવાનીપુરમાં મમતા બેનરજી પાછળ, નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર સુવેન્દુ અધિકારીનો દબદબો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણો આવવાના શરૂ થઈ ગયા છે અને તેમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પોતાની પરંપરાગત બેઠક ગણાતી ભવાનીપુર પર મમતા બેનરજી હાલમાં પાછળ ચાલી રહ્યા છે. બંગાળના રાજકારણમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર માનવામાં આવી રહ્યો છે.
ભાજપ પ.બંગાળમાં 100 બેઠક પર લીડમાં, 2021ના રિઝલ્ટ કરતાં પણ સારા પરિણામ
પ.બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપ 105 બેઠક તો મમતા બેનરજીની તૃણમૂલ 102 બેઠક પર લીડ મેળવી રહી છે. અત્યાર સુધીમાં 293માંથી 213 બેઠકોના જ વલણો સામે આવ્યા છે તેમાં ભાજપનું પ્રદર્શન ચોંકાવનારું રહ્યું છે જે 2021ના રિઝલ્ટ કરતાં પણ વધુ સારું છે.
તમિલનાડુમાં ડીએમકેનો દબદબો
શરૂઆતના વલણોમાં તમિલનાડુમાં સત્તાધારી ડીએમકેનો દબદબો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ડીએમકેના ખાતામાં 13 તો એઅઆઈએડીએમકેના ખાતામાં 2 અને વિજયની પાર્ટી ટીવીકેના ખાતામાં માત્ર 3 બેઠક આવતી દેખાઈ રહી છે.
પુડુચેરીમાં ભાજપ આગળ
પુડુચેરીની 30 બેઠકોના વલણો જાહેર થવાનું શરૂ થઇ ગયું છે ત્યારે હાલમાં ભાજપના ખાતામાં બે બેઠક આવી છે જ્યારે અન્ય બેઠકના વલણો જાહેર થવાના બાકી છે.
બંગાળમાં ભાજપ-તૃણમૂલ વચ્ચે મજબૂત ટક્કર
વલણોમાં ભાજપના ખાતામાં 72 તો મમતાની તૃણમૂલના ખાતામાં 69 બેઠકો આવતી દેખાઇ રહી છે.
કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન આગળ
કેરલમના શરૂઆતના વલણોમાં કોંગ્રેસને મોટો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. 140 માંથી 132 બેઠકોના વલણોમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ 68 બેઠક પર જ્યારે એલડીએફ પણ મજબૂત ટક્કર આપતાં 59 બેઠક પર આગળ છે. જ્યારે ભાજપનું ગઠબંધન અહીં પછડાટ ખાતું દેખાતા 5 જ બેઠક પર લીડ ધરાવે છે.
આસામમાં ભાજપની એકતરફી લીડ
આસામમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં દેખાય છે. અહીં તેની આસપાસ પણ કોઈ પાર્ટીલીડ લેતું જણાતું નથી. આસામની 126 બેઠકમાંથી ભાજપ હાલ 54 બેઠક પર જ્યારે કોંગ્રેસ ફક્ત 9 બેઠક પર લીડ ધરાવેછે. જ્યારે અન્ય બેઠકોના વલણો હજુ આવવાના બાકી દેખાય છે.
પ.બંગાળના વલણો આવવાનુ શરૂ
મત ગણતરીની શરૂઆત થતાં જ પ.બંગાળમાં ભાજપ અને તૃણમૂલ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. હાલમાં તૃણમૂલ 45 તો ભાજપ 52 બેઠકો પર વલણોમાં આગળ દેખાય છે. ભાજપના મોટા નેતા શુભેન્દુ અધિકારી પાછળ હોવાનું કહેવાય છે. જ્યારે મમતા બેનરજી આગળ હોવાનું કહેવાય છે.
તમિલનાડુમાં વિજયની પાર્ટી આગળ, કેરલમમાં UDF ને સરસાઈ
તમિલનાડુ અને કેરલમના પ્રથમ વલણો સામે આવ્યા છે. તમિલનાડુની પ્રથમ બેઠક પરના વલણ મુજબ, સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી (TVK) 1 બેઠક પર આગળ ચાલી રહી છે. બીજી તરફ, કેરલમમાં પણ એક બેઠકના વલણમાં UDF આગળ હોવાનું જણાઈ રહ્યું છે.
પાંચ રાજ્યોની મત ગણતરી શરૂ
આજે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતે પોસ્ટલ બેલેટની ગણતરી પાછળથી કરવામાં આવશે, જ્યારે હાલમાં EVM મતોની ગણતરી ચાલી રહી છે. આગામી થોડા સમયમાં જ તમામ બેઠકોના સત્તાવાર વલણો સ્પષ્ટ થવા લાગશે.
કયા કયા રાજ્યોની ચૂંટણીના પરિણામ આવશે?
સોમવારે સવારથી એક સાથે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ અને પુડુચેરીની ચૂંટણીની મત ગણતરી શરૂ કરી દેવામાં આવશે. સત્તાધારી પક્ષો તૃણમુલ કોંગ્રેસ તૃણમૂલ, ડીએમકે અને ભાજપ, કોંગ્રેસ તેમજ ડાબેરીઓ દ્વારા હાઇપ્રોફાઇલ પ્રચાર કરવામાં આવ્યો હતો. મત ગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા કરવામાં આવી છે.
પહેલીવાર ક્યુઆર કોડ ફોટો આધારિત ઓળખકાર્ડ સિસ્ટમનો ઉપયોગ
પ્રથમ વખત ચૂંટણી પંચે મત ગણતરી કેન્દ્રોમાં પ્રવેશ કરવા માટે ક્યુઆર કોડ ફોટો આધારીત ઓળખકાર્ડ સિસ્ટમનો અમલ કર્યો છે. તેથી મંજૂરી અપાઇ છે તે સિવાયના કોઇ પણ વ્યક્તિને કે નેતાને પ્રવેશ આપવામાં નહીં આવે.
પશ્ચિમ બંગાળમાં રસ્સાકસી
ડાબેરીઓ બાદ મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસનું લાંબા સમયથી પશ્ચિમ બંગાળમાં શાસન રહ્યું છે, અહીંયા બે તબક્કામાં 90 ટકાથી વધુ મતદાન થયું હતું, હવે આજેઆશરે 293 વિધાનસભા બેઠકોનની મત ગણતરી કરવામાં આવશે, જે માટે 77 મત ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ત્રણ સ્તરની સુરક્ષા રાખવામાં આવી છે. મમતા બેનરજી ચોથી વખત સત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ અહીંયા સત્તા મળવાની આશા જોઇ રહ્યું છે. ડાબેરીઓ, કોંગ્રેસ મૂળીયા મજબુત કરવા પ્રયાસ કરી રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ પણ નસીબ અજમાવી રહ્યો છે. ચૂંટણી પંચે 165 વધારાના મત ગણતરી નિરીક્ષકો, 77 પોલીસ નિરીક્ષકોની નિમણુક કરી છે.

આસામમાં ભાજપને ફરી હેટ્રિકની આશા
ભાજપની આગેવાનીમાં એનડીએ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં બે ટર્મથી સત્તા પર છે અને ત્રીજી વખત ચૂંટણી જીતવાની આશા છે. 126 બેઠકો ધરાવતા આ રાજ્યમાં 35 જિલ્લાના 40 જેટલા કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. આસામમાં 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેની ટકાવારી ૮૫થી વધુ રહી હતી. મત ગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેન્દ્રીય દળોની 25 કંપનીઓ એટલે કે આશરે 2500 જેટલા જવાનોની તૈનાતી કરાઇ છે. આસામમાં કુલ 722 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ગઠબંધન એનડીએના 99 , કોંગ્રેસના 99 અને સ્થાનિક પક્ષો એઆઇયુડીએફના 30, બોડો પીપલ્સ ફ્રન્ટના 11 વગેરેનો સમાવેશ થાય છે. હાઇપ્રોફાઇલ ઉમેદવારમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઇ, રાઇજોર દળના ચીફ અને સાંસદ અખિલ ગોગોઇનો સમાવેશ થાય છે.
કેરલમમાં સત્તા પરિવર્તનના સંકેત
ડાબેરીઓનો ગઢ ગણાતા કેરલમમાં આ વખતે સત્તા પરિવર્તનની શક્યતાઓ છે, કોંગ્રેસની આગેવાનીમાં યુડીએફ કેરલમમાં સત્તા મેળવી શકે છે અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એલડીએફના શાસનનો અંત આવી શકે છે કે જે બે ટર્મથી સત્તા પર છે. કેરલમમાં 140 બેઠકો પર કુલ 883 ઉમેદવારો મેદાનમાં છે, 43 સ્થળોએ 140 કાઉન્ટિંગ કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાં સોમવારે મત ગણતરી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ મત ગણતરી માટે 15646 કર્મચારીઓ તૈનાત કરાયા છે. કેન્દ્રીય દળોની 25 કંપનીઓ તૈનાત કરાઇ છે.
તમિલનાડુમાં વિજય બની શકે છે પડકાર
સત્તાધારી ડીએમકે ફરી વખત સત્તા પ્રાપ્ત કરવા પ્રયાસો કરી રહ્યું છે. જેની ટક્કર અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના પક્ષ ટીવીકે સામે જોવા મળી રહી છે. આશરે 62 કેન્દ્રો પર સોમવારે મત ગણતરી શરૂ કરાશે, આ કેન્દ્રોની ત્રણ સ્તરની સુરક્ષા કરાઇ છે. આશરે 1.25 લાખ કર્મચારીઓ તૈનાત કરાયા છે. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને અભિનેતા વિજય કેટલું હંફાવશે તે સોમવારે ઇવીએમ ખુલ્યા બાદ સામે આવશે.
પુડુચેરીમાં ગઠબંધન વચ્ચે ટક્કર
કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં મત ગણતરી માટે છ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીંયા એઆઇએનઆરસી, ભાજપ, એઆઇએડીએમકે, એલજેકેનું ગઠબંધન જ્યારે કોંગ્રેસ, ડીએમકે અને વીસીકેનું ઇન્ડિયા ગઠબંધન બન્ને વચ્ચે ટક્કર જોવા મળશે. આ સાથે જ આઠ રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામો પણ આજે જાહેર થવાના છે. આ રાજ્યોમાં ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કુલ આઠ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.
ગુજરાતમાં મોદીની જેમ બંગાળમાં મમતા જનતાના હૃદયમાં બિરાજમાન
પાંચ રાજ્યોની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે. આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તા પર આવશે તેમ અનેક એક્ઝિટ પોલના આંકડા જણાવી રહ્યા છે. જોકે, રાજકીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ 2011 માં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી તેઓ ગુજરાતીઓના હૃદયમાં બીરાજમાન છે. ગુજરાતીઓ વડાપ્રધાન મોદીનો પડયો બોલ ઝીલવા તૈયાર રહે છે. આ જ કારણથી તેમના એક સંકેતથી ગુજરાતમાં આખું મંત્રીમંડળ રાજીનામું આપી દે છે અને રાતોરાત નવી સરકારની રચના થઈ શકે છે અને જનતા પણ હોંશેહોંશે નવી સરકારને સ્વીકારી પણ લે છે. આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની છે. મમતા બેનરજીએ ડાબેરી સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ માટે નંદીગ્રામ અને સિંઘૂરમાં ખેડૂતોની જમીનના સંપાદનના વિરોધમાં 'મા, માટી અને માનુષ'નો નારો આપ્યો અને બંગાળીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. આ જ કારણથી 2011માં તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર આવ્યા પછી તેને કોઈ હટાવી શક્યું નથી. આ વખતની ચૂંટણી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું, સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળથી લઈને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ છતાં જનતાના હૃદયમાં બિરાજમાન મમતા દીદીને હટાવવા ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. કેટલાક રાજકીય પંડિતોએ તો એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે એક્ઝિટ પોલ મુજબ ભાજપ કદાચ પશ્ચિમ બંગાળમાં જીતી જાય તો પણ બંગાળીઓ ભાજપના શાસનને કેટલી મદદ કરશે તે તો આવનારો સમય જ બતાવશે.


