અરુણાચલ પ્રદેશ: અચાનક આવેલા પૂરમાં સેનાના 5 જવાનો ગુમ, રોડ બનાવતા 4 લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arunachal Pradesh Flash Flood 5 Army Soldiers Missing: અરૂણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી છે. દિબાંગ ઘાટી જિલ્લામાં અચાનક આવેલા ભયાનક પૂરના કારણે ભારતીય સેનાના બે અસ્થાયી શેલ્ટર (આશ્રય) પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેમાં 5 સૈન્યકર્મીઓ ગુમ થયા છે. આ ઉપરાંત, અપર સુબનસિરી જિલ્લામાં રોડ નિર્માણ સ્થળ પર થયેલા ભૂસ્ખલનમાં 4 લોકોના મોત થયા છે.
તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ બંને ઘટનાઓ શુક્રવારે સાંજે બની હતી. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બાદ રાહત તેમજ બચાવ કાર્ય ઝડપથી ચલાવવામાં આવી રહ્યા છે.
દિબાંગ ઘાટીમાં સેનાના શેલ્ટર તણાયા
દિબાંગ ઘાટીમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર આવી ગયું હતું. આ પૂરની ચપેટમાં સેનાના બે અસ્થાયી શેલ્ટર આવી જતાં તે વહી ગયા હતા. દુર્ઘટના સમયે ત્યાં હાજર 7 જવાનો પાણીમાં તણાયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 2 જવાનોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે 5 જવાનો હજુ પણ ગુમ છે. તેમની શોધખોળ માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
અપર સુબનસિરીમાં ભૂસ્ખલનથી 4 લોકોના મોત
બીજી તરફ, અપર સુબનસિરી જિલ્લામાં કેઓજારિંગ-બયાચિંગ રોડ નિર્માણ સ્થળ પર મોટું ભૂસ્ખલન થયું હતું. ટેકરીનો કાટમાળ અચાનક રોડ પર કામ કરી રહેલા મજૂરો પર પડતાં 4 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, મૃતકોની ઓળખ તાડૂ બાકી, તાજી રાય, માર્કોશ બસુમતારી અને બાબુલ અલી તરીકે થઈ છે.









