લાઠીચાર્જ બદલ અમિત શાહ જવાબદાર : PM-HM માફી માંગે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પેપર લીક મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો : સંસદમાં કોઇ જ કામકાજ ના થયું
- પેપર લીક વિરોધી બિલ સંસદમાં રજુ, આજે ચર્ચા માટે વિપક્ષને મનાવાયો : સંસદના ગેટ પાસે વિપક્ષનું વિરોધ પ્રદર્શનં
નવી દિલ્હી : પેપર લીક, યુવાનો પર લાઠીચાર્જ સહિતના મુદ્દે સંસદમાં આજે ભારે હોબાળો થયો હતો. દિલ્હીમાં દેખાવકારો પર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા અને વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ માફી માગે તેવી માગણી કરી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે સરકારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કર્યું હતું. સરકારે વિપક્ષને મનાવી લેતા હવે મંગળવારે બિલ પર ચર્ચા થશે.
સોમવારે કેન્દ્ર સરકારે પેપર લીક વિરોધી બિલને લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું હતું તે સમયે વિપક્ષના સાંસદો દ્વારા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. યુવાનો પર દિલ્હી પોલીસ દ્વારા લાઠીચાર્જ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી હતી. આ બિલમાં સરકારે પેપર લીકમાં સામેલ આરોપીઓને ૧૦ વર્ષની કેદ અને ૫૦ લાખનો દંડની જોગવાઇ કરી છે. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સોમવારે આ બિલ પર ચર્ચા નહોતી થઇ શકી. જેથી હવે મંગળવારે ચર્ચા કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ દ્વારા કાયદામાં સુધારા માટેના આ બિલને રજુ કરવામાં આવ્યું હતું. જે મુજબ પેપર લીક કેસોમાં બે મહિનામાં તપાસ પૂર્ણ કરી લેવાની રહેશે, પેપર લીકમાં સામેલને મહત્તમ પાંચથી દસ વર્ષની કેદ થઇ શકે છે. સાથે જ ૫૦ લાખ રૂપિયાનો દંડ કરાશે. જો સંગઠીત રીતે આ ગુનાને આચરવામાં આવ્યો હોય તો સાત વર્ષની કેદ અને ૧૦ કરોડના દંડની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવશે. લોકસભાની જેમ જ રાજ્યસભાની કાર્યવાહી પણ સોમવારે સ્થગિત કરી દેવી પડી હતી, યુવાનો પર વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માગણી કરી રહેલા વિપક્ષે રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ંકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું હતું કે દિલ્હીમાં ૨૦મી તારીખે યુવાનો પર જે બર્બર લાઠીચાર્જ થયો, તેમને ઢસેડવામાં આવ્યા અને ખરાબ રીતે માર મારવામાં આવ્યો તેવું ભારતમાં ક્યારેય નથી થયું, અમિત શાહ આ બધા માટે જવાબદાર છે. બાદમાં સંસદની કાર્યવાહીને સ્થગીત કરી દેવામાં આવી હતી. આ પહેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સહિતના વિપક્ષના સાંસદોએ સંસદના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માફીની માગણી કરી હતી.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેનો દાવો
- રાહુલ ગાંધીને વિપક્ષનાં નેતા પદેથી હટાવવા પ્રસ્તાવ લાવવાની તૈયારી
- રાહુલે 2004થી 2026 સુધી કરેલી તમામ વિદેશ યાત્રાઓની તપાસ થવી જોઇએ : દુબે
નવી દિલ્હી : ભાજપનાં નિશાન પર ફરી એક વખત લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી છે. ઝારખંડનાં ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર ઉગ્ર પ્રહારો કર્યા છે. દુબેએ દાવો કર્યો છે કે ભાજપ ટૂંક સમયમાં રાહુલ ગાંધીને વિપક્ષનાં નેતા પદેથી હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી શકે છે.
તેમણે જણાવ્યું છે કે રાહુલ ગાંધીની જવાબદારી નક્કી થવી ખૂબ જ જરૂરી છે કારણકે ૨૦૦૪થી લઇને ૨૦૨૬ સુધી તેમણે જે પણ વિદેશ યાત્રાઓ કરી છે તેના અંગે કોઇની પાસે માહિતી નથી.
નિશિકાંત દુબેએ આરોપ મૂક્યો છે કે રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે દેશ, બંધારણ અને સરકાર વિરુદ્ધ જ ભાષણ આપે છે. તેમણે પ્રશ્ર કર્યો છે કે વિદેશ યાત્રા દરમિયાન રાહુલ કોને મળે છે? ત્યાં તે શું કરે છે? કેવા પ્રકારનાં આંદોલનોને વેગ આપવા માટે ફંડિગની વાત થાય છે? આ તમામ પ્રશ્રો અંગે રહસ્ય બનેલું છે.
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશને પ્રધાનનો જવાબ
- સ્ટ્રીટ ફાઇટર છું, એસી રૂમ એક્ટિવિસ્ટ નથી : ધર્મેન્દ્ર પ્રધાન
- એનડીએના સાંસદોએ ધર્મેન્દ્રપ્રધાનનું પાઘડી પહેરાવી સંસદમાં સ્વાગત કર્યું
નવી દિલ્હી : નીટ પેપર લીક કેસમાં રાજીનામુ આપનારા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે પહેલી જ વખત સંસદ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે સ્ટ્રીટ ફાઇટર છું, એસી રૂમ એક્ટિવિસ્ટ નથી. ભાજપ અને એનડીએના ઘણા સાંસદોએ તેમની જયજયકાર કર્યો અને ધર્મેન્દ્રપ્રધાન જિંદાબાદના નારા લગાવ્યા હતા.
ધર્મેન્દ્ર પ્રધાન સંસદ પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમને પાઘડી પહેરાવીને સંસદ ભવનની અંદર લઈ જવામાં આવ્યા. બીજી બાજુએ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેમના તરફ આગળ વધીને સહાનુભૂતિ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પ્રધાને તેમને જણાવ્યું હતું કે હું સ્ટ્રીટ ફાઇટર છું, એસી રૂમ એક્ટિવિસ્ટ નથી. તેથી આ હોદ્દો મેં ગુમાવ્યો તે અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
પ્રધાને પોતાના રાજકીય વિરોધીઓને જવાબ તેવા સમયે આપ્યો છે જ્યારે તેમના ભવિષ્યને લઈને અટકળોનું બજાર ગરમ છે. આના પગલે એવી ચર્ચા છે કે કેબિનેટમાંથી હટયા પછી પ્રધાનને પક્ષ કે સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા સોંપી શકાય છે. આ ઉપરાંત તેમને આગામી પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપના પ્રચારની ધુરા પણ સોંપી શકાય છે. તેમના સમર્થકોનું માનવું છે કે તેમણે દેશહિતમાં હોદ્દો છોડયો છે. તેમના આ પગલાંથી પ્રજા અને તેમના સંસદીય વિસ્તાર સંબલપુરમાં તેમની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે. ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશા ભાજપના તાકાતવાર નેતા હોવા ઉપરાંત તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમણે તાજેતરમાં જ થયેલી બિહાર ચૂંટણીમાં પક્ષના ચૂંટણીના કામકાજના વડા તરીકે કામ કર્યુ. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીને મમતા સામે વિજય અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.
હરિયાણામાં અને યુપીમાં પક્ષના વિજયમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ પક્ષે મેળવેલા વિજયમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.









