Get The App

અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી 1 - image

- ટ્રેડ ડીલમાં નમતુ જોખી અમેરિકાની કૃષિ પેદાશો માટે ભારતનું માર્કેટ ખોલી આપ્યું : સંસદ અંદર-બહાર વિપક્ષનો હોબાળો

- ભારતે 18 ટકા, અમેરિકાને 0 ટકા ટેક્સ ટ્રેડ ડીલ, ચીન મુદ્દે લોકસભામાં ભારે વિવાદ વચ્ચે સ્પીકરે વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કર્યા

- અમેરિકાના આર્થિક સામ્રાજ્યવાદ સામે હાર માની ખેડૂતોની મહેનતના પરસેવાનો વેપાર કર્યો : વિપક્ષના સાંસદો 

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઇ ગઇ છે, જોકે આ વેપાર સમજૂતીને લઇને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનેક સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના દબાણમાં આવી આ ટ્રેડ ડીલ કરી છે. મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે આ કરારો કરીને આપણા દેશના ખેડૂતોની મહેનત, પરશેવો અને લોહીને વેચી માર્યા છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલનો મુદ્દો રાજ્યસભામાં પણ ગૂંજ્યો હતો. જ્યારે લોકસભામાં વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, સોમવારે રાહુલ ગાંધીએ લોકસભામાં ચીનની ઘૂસણખોરી મુદ્દે જે સવાલો ઉઠાવ્યા હતા તેને લઇને મંગળવારે પણ હોબાળો જોવા મળ્યો હતો. લોકસભા અધ્યક્ષ તરફ પેપર ઉછાળવા બદલ વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયની સામે બાદમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન જ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીએ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન સવાલો ઉઠાવ્યા હતા. 

લોકસભાની જેમ જ રાજ્યસભામાં પણ હોબાળો જોવા મળ્યો હતો, રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા પ્રમોદ તિવારી અને સાંસદ જયરામ રમેશે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ચર્ચાની માગણી કરી હતી. વિપક્ષે દાવો કર્યો હતો કે અમેરિકાના આર્થિક સામ્રાજ્યવાદ સામે ભારતે હાર માની લીધી અને શરણે થઇ ગયું, અમેરિકા સાથેની આ ડીલમાં ભારતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી નહીં પણ અમેરિકાએ કબજે કરેલા વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ઓઇલની ખરીદી કરશે, ટ્રમ્પના આ દાવા મુદ્દે કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરે તેવી માગણી વિપક્ષે કરી હતી. કોંગ્રેસના સાંસદ રજની અશોકરાવ પાટીલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે પોતાની વાત રજુ કરતા કહ્યું હતું કે અમેરિકા માટે ભારત પોતાનું કૃષિ માર્કેટ ખુલ્લુ મુકશે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકાના પાકો સહિતના કૃષિ ઉત્પાદનોની ખરીદી કરશે, જેને લઇને વિપક્ષે હવે સરકારને આ મુદ્દે સવાલો કર્યા છે. ભારતના ખેડૂતોને એવી ચિંતા છે કે જો અમેરિકાની વસ્તુઓ ભારતના કૃષિ માર્કેટમાં આવશે તો ભારતમાં ઉત્પાદન થતી કૃષિ વસ્તુઓ કે પાકોનો ભાવ ઘટી શકે છે. આ મુદ્દે હવે વિપક્ષે સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરી છે અને આ મુદ્દે સ્પષ્ટતા માગી છે. ટીએમસીના સાંસદ રિટાબત્રા બેનર્જીએ કહ્યું હતું કે રશિયાના બદલે અમેરિકા અને તેના કબજાવાળા વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવા માટે સંમત થઇને ભારત અમેરિકાના આર્થિક સામ્રાજ્યવાદ સામે ઘૂંટણીએ પડી ગયું.  વિપક્ષના સાંસદોએ અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે થયેલી ટ્રેડ ડીલનું સંપૂર્ણ લખાણ સંસદમાં રજુ કરવાની સરકાર પાસે માગણી કરી છે. સાથે જ રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. સંસદની બહાર વિપક્ષના સાંસદોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા સાથે ખેડૂતોને વેચવાનું બંધ કરોના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાહુલ લોકોને ગેરમાર્ગે દોરે છે : પિયુષ ગોયલ

યુએસ સાથે ડીલમાં ભારતના ખેડૂતોનું હિત ધ્યાનમાં રખાયું 

- ભારતીય ખેડૂતોને કોઇ જ નુકસાન નહીં થાય : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી : અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલથી ભારતના ખેડૂતોને નુકસાન થશે તેવા દાવાને ફગાવતા કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે આ ડીલથી ભારતના અર્થતંત્રને મોટો ફાયદો થશે, સંસદમાં આ મુદ્દે વિપક્ષના તમામ સવાલોનો જવાબ આપવા કે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. રાજ્યસભામાં બોલતી વખતે જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે આ ટ્રેડ ડીલને લઇને મંત્રી દ્વારા વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવશે, તમામ સવાલોનો જવાબ આપવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અગાઉ જ્યારે અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી ત્યારે વિપક્ષે વિરોધ કર્યો હતો હવે જ્યારે આ ટેરિફને અમેરિકાએ ઘટાડીને ૧૮ ટકા કરી નાખ્યો છે ત્યારે પણ આ જ વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે. વિપક્ષ મુદ્દાઓ વગરની પાર્ટી છે.

જ્યારે પ્રેસ કોન્ફરંસને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે અમેરિકા સાથે ભારતની આ શ્રેષ્ઠ ડીલ છે, આપણા વડાપ્રધાન દેશના ખેડૂતો, ભાઇઓ બહેનોની કેવી ચિંતા કરે છે તે સૌ કોઇ જાણે છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં તમામ લોકોના હિતને ધ્યાનમાં રખાયું છે, દેશના નાગરિકોને આ ડીલની ફાયદો થશે. અમેરિકા સાથેની આ ડીલમાં સૌથી પહેલા ભારતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકોને આ ટ્રેડ ડીલ મુદ્દે ગેરમાર્ગે દોરી રહ્યા છે. વિપક્ષ ભારતના વિકાસનો વિરોધી છે.