'દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..', દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Allahabad High Court: અલ્લાહાબાદ હાઇકોર્ટે લગ્નના ખોટા વચન પર નોંધાયેલા દુષ્કર્મના કેસની કાર્યવાહીને રદ કરતા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બે પુખ્ત વયના લોકો વચ્ચે પરસ્પર સંમતિથી લાંબા સમય સુધી ચાલેલા સંબંધોને માત્ર લગ્નનું વચન પૂરું ન થવાના આધારે દુષ્કર્મ ગણી શકાય નહીં. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે સંબંધોનો અંત આવવો એ કોઈ ગુનાહિત બાબત નથી અને કાયદાનો ઉપયોગ કોઈને ગુનેગાર સાબિત કરવા માટેના હથિયાર તરીકે ન થઈ શકે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસ પ્રયાગરાજના કર્નલગંજ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલો છે. મૂળ પ્રતાપગઢની રહેવાસી એક યુવતી વર્ષ 2014માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રયાગરાજ આવી હતી. ત્યાં તેના દૂરના સંબંધી સંજય સરોજે તેને ભણવામાં અને રહેવામાં મદદ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને સંબંધો બંધાયા. વર્ષ 2019માં યુવતીએ સંજય વિરુદ્ધ આક્ષેપ કર્યો કે તેણે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધો બાંધ્યા, વીડિયો બનાવીને બ્લેકમેલ કરી અને લગ્નની વાત પર મારપીટ કરી ધમકી આપી હતી. આ મામલે પોલીસે 2020માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેની સામે આરોપીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
લાંબા સમયનો સંબંધ દુષ્કર્મ ન હોઈ શકે: કોર્ટ
જસ્ટિસ વિવેક કુમાર સિંહની સિંગલ બેન્ચે આ કેસની સુનાવણી કરતા નોંધ્યું કે બંને વચ્ચેનો સંબંધ 2014થી 2019 સુધી એટલે કે લગભગ પાંચ વર્ષ જેટલો લાંબો ચાલ્યો હતો. અદાલતે જણાવ્યું કે આટલા લાંબા સમય સુધી ચાલેલા સંબંધોમાં એવું માની શકાય નહીં કે દર વખતે સંમતિ માત્ર લગ્નના વચનને કારણે જ આપવામાં આવી હતી. આ એક પરસ્પર સંમતિ પર આધારિત સંબંધ હતો. અદાલતે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું કે દુષ્કર્મનો ગુનો ત્યારે જ બને છે જ્યારે એ સાબિત થાય કે લગ્નનું વચન શરૂઆતથી જ ખોટું હતું અને તેનો હેતુ માત્ર છેતરપિંડી કરવાનો જ હતો.
દબાણ લાવવા માટે થઈ હતી FIR
કોર્ટે આ કેસની વિગતો તપાસતા જોયું કે FIR નોંધાયા બાદ પીડિતાએ આરોપી સાથે લગ્ન કરી લીધા હતા. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે FIR માત્ર આરોપી પર લગ્ન માટે દબાણ લાવવાના હેતુથી જ નોંધાવવામાં આવી હતી, કારણ કે પીડિતા તેના વર્તનથી નારાજ હતી. હાઇકોર્ટે કહ્યું કે આ મામલો 'દુર્લભથી અતિ દુર્લભ' (Rarest of rare) કેસની શ્રેણીમાં આવે છે, જ્યાં ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જો આવી ગુનાહિત કાર્યવાહીને આગળ ધપાવવામાં આવે તો તે સંપૂર્ણપણે નિરર્થક સાબિત થશે.
આ પણ વાંચો: 60 કિલો ચાંદીની ઈંટો, હાર, ચરણ પાદુકા ગઇ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
શિક્ષિત યુવાનો માટે કોર્ટની ટકોર
કોર્ટે ભણેલા-ગણેલા પુખ્ત વયના લોકો માટે એક મહત્ત્વની વાત કહી કે, સંબંધ શરૂ કરતી વખતે જ એ સમજવું જરૂરી છે કે જો ભવિષ્યમાં કોઈ કારણસર સંબંધ સફળ ન થાય, તો કાયદાનો આશરો લઈ સામી વ્યક્તિને ગુનેગાર ન ઠેરવી શકાય. પરસ્પર તાલમેલ ન બેસવો અથવા લાઈફમાં પ્રાયોરિટી બદલાવી એવા ઘણા કારણો હોઈ શકે છે જેના લીધે સંબંધો તૂટી જતા હોય છે.
અદાલતે ટકોર કરી કે આવા મામલાઓને સંવેદનશીલતાથી જોઈને બંને વ્યક્તિઓની પસંદગી અને તેમની આઝાદીનું સન્માન કરવું જોઈએ, તેને ગુનાહિત સ્વરૂપ આપીને કાયદાનો દુરુપયોગ ન કરવો જોઈએ. હાઇકોર્ટે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી સમગ્ર કેસની કાર્યવાહીને રદ કરી દીધી છે.









