'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જ્ઞાનેશ કુમારે બન્ને કમિશનરો સાથે બેઠક યોજી તસવીર જાહેર કરી
- ફોર્મ-6માં ફેરફારોને સુપ્રીમની મંજૂરી, સચિવને લખાયેલા પત્રને નિર્ણયો કે પોલિસી સાથે લેવાદેવા નથી : પંચનો બચાવ
નવી દિલ્હી : મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા 'સર'માં મનમાની, વોટચોરી સહિતના આરોપોથી ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારે અન્ય બે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ, વિવેક જોશી સાથે બેઠક યોજી હતી. જે બાદ ચૂંટણી પંચ દ્વારા વિસ્તૃત સ્પષ્ટતા કરતાનું નિવેદન જાહેર કરાયું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 'સર'ની પ્રક્રિયાના તમામ નિર્ણયો કે આદેશ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ બાદ જ લેવાયા હતા. એટલે કે તમામ નિર્ણયોમાં સર્વસંમતિ હતી.
શનિવારે બપોર બાદ દિલ્હીમાં નિર્વાચન સદનમાં સીઇસી જ્ઞાાનેશ કુમાર, ઇસી સુખબીર સંધુ અને વિવેક જોશી વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્રણેય એક ટેબલ પર સાથે બેઠા હોવાની એક તસવીર પણ જાહેર કરવામાં આવી હતી. સાથે જ ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી. ફોર્મ-૬માં કરાયેલા સુધારા અંગે સ્પષ્ટતા કરતા પંચે કહ્યું હતું કે આ સુધારાને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ છે. સર પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર દ્વારા મનમાનીથી નિર્ણયો લેવાયાના આરોપો બાદ ચૂંટણી પંચ દ્વારા આ બીજી વખત સ્પષ્ટતા કરતું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે કોઇ પણ લોકતાંત્રિક સંસ્થા અંદર વિચાર-વિર્મશ, વાંધાઓ કે સલાહ સુચનો સામાન્ય પ્રક્રિયાનો હિસ્સો ગણાય છે. મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાના તમામ આદેશ અને નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિથી જ લેવામાં આવ્યા હતા. જે પણ લોકોને નોટિસ આપવામાં આવી તેમણે માત્ર અસાધારણ મામલામાં જ હાજર રહેવાનું હોય છે અન્યથા હાજર રહેવું ફરજિયાત નથી. કેબિનેટ સચિવને લખવામાં આવેલો પત્ર ચૂંટણી પંચ કે આઇટી ડિવીઝનની પોલિસીના કોઇ મામલા સાથે જોડાયેલો નથી. આ પત્ર ચૂંટણી પંચમાં ડેપ્યુટેશન પર આવેલા એક અધિકારીના કામકાજ સાથે જોડાયેલો છે.
ચૂંટણી પંચની આ સ્પષ્ટતા વચ્ચે કોંગ્રેસે ફરી આરોપો લગાવ્યા હતા, કોંગ્રેસે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ ડેમેજ કન્ટ્રોલ કરવા માગે છે. હાલમાં જે એસઆઇઆર પ્રક્રિયા ચાલી રહી છે તેને તાત્કાલીક રદ કરવામાં આવે. ગમે એટલો બચાવ કરી લો જ્ઞાાનેશ કુમારે રાજીનામુ આપવું જ પડશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે ચૂંટણી પંચ ડેમેજ કન્ટ્રોલ મોડ પર આવી ગયું, ચૂંટણી પંચના પ્રેસનોટમાં ક્યાંય પણ આરોપોને નકારવામાં નથી આવ્યા કે મીડિયા રિપોર્ટ જુઠા હોવાનું કહેવામાં નથી આવ્યું.
સીઇસી અંગે રિપોર્ટના તમામ પુરાવાઓ છે : ઇન્ડિયન એક્સપ્રેસ
નવી દિલ્હી : ચૂંટણી કમિશનરો અંગેનો આ રિપોર્ટ પ્રકાશિત કરનારા ઇન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુએ તો લેખીતમાં જ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યંુ હતું કે ચૂંટણી પંચ બન્ને ચૂંટણી કમિશનરોની લેખિત સલાહોને ધ્યાનમાં લીધા વગર કામ કરી રહ્યું છે. લેખીતમાં થયેલા આ વ્યવહારોની કોપી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને કેટલીક કોપી ડેપ્યુટી ઇલેક્શન કમિશનરોને પણ મોકલાઇ હતી. ઇન્ડિયન એક્સપ્રેસે વધુમાં દાવો કર્યો હતો કે તેણે આ તમામ વાતચીત પત્રવ્યવહારોની યોગ્ય રીતે તપાસ કરી છે, નવી દિલ્હી, કોલકાતા, ગોવા, મુંબઇમાં અનેક અધિકારીઓના ઇન્ટરવ્યૂ પણ કર્યા છે. ૨૧ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચને એક ઇમેલ મોકલવામાં આવ્યો અને બન્ને ચૂંટણી કમિશનરોના આરોપો મુદ્દે જવાબ માગવામાં આવ્યો હતો. જોકે કોઇ જ જવાબ આવ્યો નહોતો.




