Get The App

અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી 1 - image

Ajit Pawar plane crash: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારના નિધનને એક મહિનો થઈ ગયો, હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ ભયાનક વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં અકસ્માત સમયે ઓછી વિઝિબિલિટી (દૃશ્યતા) અને બારામતી એરસ્ટ્રિપ (હવાઈપટ્ટી) પરની સુરક્ષા ખામીઓને વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જ હતી

AAIB મુજબ, આ દુર્ઘટના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન થઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે વિમાનના બંને પાયલટ, તેમના સુરક્ષા ગાર્ડ અને ફ્લાઇટ એટેન્ડન્ટનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર્ટર્ડ પ્લેન બારામતી એરપોર્ટ પર બીજી વખત ઈમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તપાસ રિપોર્ટમાં ખૂલ્યું છે કે હવાની સ્થિતિ સામાન્ય હતી પરંતુ વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જેટલી જ હતી.

બ્લેક બોક્સમાં પાયલટના છેલ્લા શબ્દો રેકોર્ડ

દુર્ઘટનાની થોડી સેકન્ડો પહેલા કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) માં પાયલટના ગભરાટભર્યા અવાજમાં 'ઓહ શિટ... ઓહ શિટ' જેવા શબ્દો રેકોર્ડ થયા છે. પરંતુ આગને કારણે CVRને વધુ નુકસાન થયું હોવાથી ડેટા રિકવરમાં મુશ્કેલી આવી રહી છે જેથી ઉત્પાદક કંપની 'હનીવેલ' (Honeywell) ની મદદ લેવામાં આવી રહી છે. આ તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે, જેમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના એનએક્સ-13 મુજબ એક માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિ અને ટેકનિકલ સલાહકારો નિયુક્ત કર્યા છે.

તપાસ ક્યાં સુધી પહોંચી?

ફ્લાઇટ ડેટા રેકોર્ડર (SSFDR)નો ડેટા ડાઉનલોડ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. વિમાનનો કાટમાળ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે અને તેના એરવર્થિનેસ (ઉડાન યોગ્યતા) દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વિમાન ઓપરેટ કરતી કંપની 'વીએસઆર વેન્ચર્સ' ના કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

AAIBની ભલામણો

AAIBએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને કડક સૂચના આપી છે કે જ્યાં ખાનગી અને VIP ચાર્ટર્ડ ફ્લાઇટ્સની અવરજવર વધુ હોય તેવા એરપોર્ટ્સ પર લેન્ડિંગ આસિસ્ટન્સ ઇક્વિપમેન્ટ અને હવામાન વિભાગની(MET) સુવિધાઓ તાત્કાલિક મજબૂત કરવામાં આવે. તેમજ VFR (વિઝ્યુઅલ ફ્લાઈટ્સ રૂલ)ના નિયમોનું ઓપરેટર્સ કડક પણે પાલન કરી સંચાલન કરે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે.