Get The App

એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે 1 - image

- સેવા અંગે એફઆઈએની સરકારને ગંભીર ચેતવણી

- મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવની અસ્થિરતાથી દેશની અનેક એરલાઇન્સને મોટો ફટકો 

નવી દિલ્હી : અમેરિકા-ઇરાન વચ્ચે વધેલા યુદ્ધના કારણે જેટ ફ્યુઅલના વધેલા ભાવોએ એરલાઇન કંપનીઓની નાણાકીય સ્થિતિને બરોબરનો ફટકો માર્યો છે. આના પગલે એરલાઇન કંપનીઓના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (એફઆઈએ)એ ગંભીર ચેતવણી જારી કરી છે કે સરકાર તત્કાળ મદદ કરે અને જો મદદ ન કરવામાં આવી તો તેમણે કામગીરી અટકાવી દેવી પડે તેમ છે.

એફઆઈએ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરે છે. એફઆઈએએ જણાવ્યું હતું કે ભારતમાં એરલાઇન ઉદ્યોગ જેટ ફ્યુઅલના વધેલા ભાવના લીધે જબરદસ્ત દબાણમાં છે. પહેલા જેટ ફ્યુઅલનો ખર્ચ કંપનીના કુલ ખર્ચમાં ૩૦થી ૪૦ ટકા હતો, હવે તે ૫૫થી  ૬૦ ટકા પર પહોંચી ગયો છે. સરકારે મદદ ન કરી તો ફક્ત ફ્લાઇટ જ નહીં કંપનીઓ પણ બંધ થઈ શકે છે. એટીએફની કિંમતો ભાખી ન શકાય તેવી અણધારી થઈ ગઈ છે. તેના લીધે એરલાઇન કંપનીઓના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના કામકાજ પર અસર પડી છે.

એફઆઈએએ વર્તમાન પ્રાઇસિંગ સિસ્ટમની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે એટીએફના એડહોક પ્રાઇસિંગના એરલાઇન નેટવર્ક માટે અવ્યવહારિક છે અને ઉદ્યોગને અસ્થિર કરનારા છે. આ અમતોલનના લીધે વિમાનોના રુટનું આખુ ઇકોનોમિક્સ ઉપરતળે થઈ ગયું છે. એરલાઇન્સે પોતાના નેટવર્કની વ્યવહારુપણા પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી રહી છે. એફઆઈએ મુજબ વિદેશમાં કામકાજને લઈને જોઈએ તો એટીએફના ભાવમાં પ્રતિ લિટર ૭૩થી ૭૫ રુપિયાનો વધારો થયો છે. તેના કારણે કેટલાક રૂટ સંપૂર્ણપણે અવ્યવહારિક થઈ ગયા છે અને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેના લીધે ભારતીય એરલાઇન્સના નફામાં ઘટાડો થયો છે, જે ઓછા ખર્ચવાળા હબથી કામ કરનારી વિદેશી એરલાઇન્સની સ્પર્ધાનો સામનો કરી રહી છે.

એફઆઈએની સરકાર પાસે માંગ છે કે સ્થાનિક કામગીરી માટે એટીએફ પર ૧૧ ટકા ઉત્પાદન વેરાને અસ્થાયી ધોરણે બંધ કરવો જોઈએ. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. 

એફઆઈએએ જણાવ્યું હતું કે વર્તમાન કરમાળખુ ખર્ચનું દબાણ વધારે છે. એફઆઈએએ જણાવ્યું હતું કે એટીએફની કિંમતમાં કોઈપણ મનમાન્યું મૂલ્ય નિર્ધારણ કે તર્કહીન વધારો એરલાઇન માટે નુકસાનનું મોટું કારણ બનશે અને વિમાનોનું ઉડ્ડયન રદ કરવા સુધીની સ્થિતિ આવશે.