- ફરિદાબાદમાં નિર્ભયા જેવી જઘન્ય ઘટના
- ઇકોમાં લિફ્ટ આપી બાદમાં ત્રણ કલાક સુધી ફેરવતા રહ્યા અને બળાત્કાર કર્યો
ફરિદાબાદ : હરિયાણાના ફરિદાબાદમાં એક વેનમાં ૨૫ વર્ષીય પરણિત મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ચાલુ વેનમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો બાદમાં મહિલાને ૯૦ની સ્પીડે ચાલી રહેલી વેનમાંથી રોડ પર ફેંકીને ગુનેગારો ભાગી ગયા. બે શખ્સોએ આ મહિલાને પોતાના વાહનમાં લિફ્ટ આપી હતી બાદમાં ચાલુ વાહને જ રેપને અંજામ આપ્યો.
આ સમગ્ર ગુનાને ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે મહિલાને ઘરે ઝઘડો થયો હતો જેથી પોતાની મિત્રને ત્યાં જવા નીકળી હતી, બાદમાં રાત્રે ઘરે પરત ફરી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સો ઇકો વેન લઇને પહોંચ્યા અને લિફ્ટ આપી. મહિલાએ વિશ્વાસ કરી લીધો અને વેનમાં બેસી ગઇ. બાદમાં ત્રણ કલાક સુધી વેનમાં તેને ફેરવતા રહ્યા, આ દરમિયાન બન્ને શખ્સો દ્વારા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો.
ગુનેગારોએ વેનને પીડિતાના ઘર તરફ લઇ જવાના બદલે ગુરુગ્રામ રોડ તરફ વાળી લીધી, પીડિતાને માર પણ મારવામાં આવ્યો. નરાધમો પુરી રાત પીડિતાને વેનમાં ફેરવતા રહ્યા અને બળાત્કાર કરતા રહ્યા. બાદમાં મહિલાને ફરિદાબાદના રાજા ચોક વિસ્તારમાં ચાલુ વાહને ફેંકી દેવાઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યારે મહિલાને વાહનમાંથી ફેંકવામાં આવી ત્યારે તે વાહનની સ્પીડ પ્રતિ કલાક ૯૦ કિમીની હતી. જેને પગલે મહિલાને ૧૨ જેટલા ટાકા આવ્યા, શરીરમાં અનેક અંગોએ ફ્રેક્ચર થયું અને હાલ અત્યંત ગંભીર સ્થિતિમાં સારવાર લઇ રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિ એટલી કથળેલી છે કે તે કઇ બોલી શકે તેવી અવસ્થામાં નથી. પોલીસે હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બન્નેએ પોતાનો ગુનો પણ કબુલ કરી લીધો છે. જે વેનમાં બળાત્કારને અંજામ અપાયો તેને પણ જપ્ત કરી લેવાઇ છે. પીડિતા ભાનમાં આવે તે બાદ બન્ને આરોપીઓની તેની સામે પરેડ કરાવવામાં આવશે, ઓળખ થઇ ગયા બાદ બન્ને આરોપીઓની વધુ વિગતો જાહેર કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.


