6 મહિનાની જેલ કે પાંચ લાખનો દંડ થશે
અખબારની સહીમાં સિસા સહિતની ધાતુઓ અને રસાયણો હોય છે, તેનાથી આરોગ્યને ગંભીર નુકસાન
ભારતમાં ખાદ્ય સુરક્ષાનો ખ્યાલ રાખનારી એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઇ દુકાનદાર ખાવાની વસ્તુઓ અખબારમાં બાંધીને વેચશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
એફએસએસએઆઇ તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાની વસ્તુઓમાં અખબારનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે. કારણકે તેનાથી આરોગ્યને ગંભીર નુકસાન થાય છે.
સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખેલ એક પોસ્ટમાં એજન્સીએ ચેતવણી આપી છે કે અખબારોનાં પ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવામાં આવતી સહીમાં સીસું અન્ય ઘાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમાં હાનિકારક કેમિકલ્સ પણ હોય છે. જો તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થ રાખવા માટે કરવામાં આવે છે તો કેમિકલ માનવ શરીરમાં પહોંચીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
એફએસએસએઆઇએ પેકેજિંગ નિયમ ૨૦૧૮નો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે ભોજનનાં સંગ્રહ, રેપિંગ અને પીરસવા માટે અખબારનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે.
આ ચેતવણી પછી પણ કોઇ દુકાનદાર અખબારનો ઉપયોગ કરતા પકડાય છે તો તેને ૬ મહિનાની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જ ગ્રાહકોને પણ સચેત રહેવાની જરૂર છે.


