Get The App

ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલવા પ્રયાસ ભૂતે આવુ કરાવ્યાનો આરોપીનો દાવો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલવા પ્રયાસ ભૂતે આવુ કરાવ્યાનો આરોપીનો દાવો 1 - image


- ઇન્ડિગોની બેંગલુરુ-વારાણસી ફ્લાઇટની ઘટના 

- સ્થિતિ થાળે પડતા વિમાન ઉતાર્યું, અન્યોના જીવ જોખમમાં નાખવાનો ગુનો દાખલ, આરોપીની ધરપકડ

વારાણસી: બેંગલુરુથી વારાણસી આવી રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટ હવામાં હતી ત્યારે જ અચાનક એક મુસાફરે તેનો ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો ચિંતામાં મુકાયા હતા. થોડા સમય માટે પાયલટ સહિતના લોકો આઘાતમાં જતા રહ્યા હતા. લેન્ડિંગ સમયે જ દરવાજો ખોલવાનો પ્રયાસ કરાતા પાયલટે વિમાનને આકાશમાં પાછું વાળી લીધુ હતું.  

૧૫૦ મુસાફરોને ધ્રાસકો પડયો, પાયલટને જાણ થતા જ લેન્ડિંગ ટાળી ફ્લાઇટ આકાશ તરફ લઇ ગયો

ઇન્ડિગોનું વિમાન ૬ઇ-૧૮૫ બેંગલુરુથી વારાણસી આવી રહ્યું હતું, એરપોર્ટ પર વિમાન ઉતરવા જઇ રહ્યું હતું ત્યાં અચાનક જ એક મુસાફરે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, વિમાન હવામાં હતું ત્યારે દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારા મુસાફરને જોઇને પાસે બેઠેલા મુસાફરે ચીસ પાડી જેને પગલે અન્ય તમામ મુસાફરોને પણ આઘાત લાગ્યો. 

ફ્લાઇટમાં શું થઇ રહ્યું છે તેની જાણકારી પાયલટને આપવામાં આવી, જેને પગલે પાયલટે તાત્કાલીક વિમાનનું લેન્ડિંગ રોક્યું અને આકાશમાં પાછુ ઉડાવી લીધું. બાદમાં જ્યારે સ્થિતિ સામાન્ય થઇ ગઇ અને બધા શાંત થઇ ગયા ત્યારે વિમાન ઉતાર્યું હતું. 

સ્થાનિક પોલીસ અધિકારી અતુલસિંહે જણાવ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા મુસાફરનું નામ મોહમ્મદ અદનાન છે, તે ૨૪ માર્ચના રોજ ટ્રેનથી ગોવા ગયો હતો બાદમાં  બેંગલુરુથી વારાણસી આવી રહ્યો હતો.

આરોપીએ બેથી ત્રણ વખત દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. હાલ તેણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે ખરેખર તેણે દરવાજો ખોલવા પ્રયાસ કેમ કર્યો તેની તેને કોઇ જ જાણકારી નથી, મારી અંદરના ભુતે આવુ કર્યું હશે. જોકે પોલીસને તેના દાવા પર વિશ્વાસ ન હોવાથી વધુ તપાસ કરાઇ રહી છે.