Ajit Pawar Died in Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનું બારામતીમાં પ્લેન ક્રેશ થતાં નિધન થઈ ગયું. જેને લઈને દેશભરના રાજકારણમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. આ દિગ્ગજ મરાઠા નેતાના નિધનને લઈને દેશભરના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ મુદ્દે મમતા બેનરજીએ ચોંકાવનારું નિવેદન કર્યું છે.
આ ઘટનાની તપાસ થવી જોઈએઃ મમતા બેનરજી
અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ન્યાયિક તપાસની માંગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ.

વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું
મહારાષ્ટ્રની સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના નિધન પર ખુદ વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે મહારાષ્ટ્રના બારામતીમાં એક દુઃખદ ઘટના બની. અજિત પવાર એક લોકનેતા હતા. તેમણે લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.

રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી
વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના સહ-યાત્રીઓના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."

અજિત પવારના નિધન અંગે રાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અજિત પવારના નિધન અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અનેક લોકોના નિધનના અહેવાલ અત્યંત દુઃખદ છે. અજિત પવારનું અકાળે નિધન એક પૂરી ના શકાય તેવી ક્ષતિ છે. તેમણે મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં ખાસ યોગદાન આપ્યું જે હંમેશા યાદ રખાશે.

કેમેરા સામે જ રડી પડ્યા દિગ્ગજ નેતા
મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ : એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારમાં પોતાના સહયોગી અજિત પવારના નિધન પર ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે.
પ્રિયંકા ગાંધીએ અજિત પવારના નિધન પર આપી પ્રતિક્રિયા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અજિત પવારના નિધન વિશે કહ્યું કે મહારાષ્ટ્રમાં આજે એક દુઃખદ ઘટના બની. જેમાં અમારા એનડીએના સાથી અજિત પવારને ગુમાવી દેવાથી હું વ્યથિત છું. તેમણે સાડા ત્રણ દાયકા સુધી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી.

ઓમર અબ્દુલ્લાહ પણ મમતા બેનરજી જેવા સૂર
મમતા બેનરજીની જેમ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ આ પ્લેન ક્રેશને એક દુર્ઘટના માનવાનો ઈનકાર કરતાં મામલાની હાઈ લેવલે ન્યાયિક તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર પણ ભાવુક
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલા અકાળ નિધનથી હું આઘાત પામ્યો અને ખૂબ જ દુઃખી છું. તેમનું અચાનક નિધન જાહેર જીવન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટું નુકસાન છે, જ્યાં તેમણે અનુભવ અને દૃઢ નિશ્ચય સાથે સેવા આપી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, અને આ દુઃખની ઘડીમાં શક્તિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ.

સીએમ યોગી પણ ભાવુક થયા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પ્રતિક્રિયા આપતા વિમાન દુર્ઘટનાને સીએમ યોગીએ દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે મારું હૃદય ચીરાઈ ગયું છે. અજિત પવારને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ.

મહેબૂબા મુફ્તીને પણ લાગ્યો ઝટકો
મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના દુ:ખદ અહેવાલોથી ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મૃતકોના આત્માઓને શાંતિ મળે.



