- વિદ્યાર્થીએ એસસી ક્વોટામાં એડમિશન લીધું હતું
- એક પણ વખત પ્રથમ વર્ષની પરીક્ષા આપી નથી : 11 વર્ષથી હોસ્ટેલ પણ છોડતો નથી
વિદ્યાર્થીએ એમબીબીએસના પ્રથમ વર્ષ માટે ફક્ત એક વખત પરીક્ષા આપી હતી ઃ જેમાં તે તમામ પેપરોમાં ફેઇલ થયો હતો
૫૬ વર્ષ જૂની બીઆરડી મેડિકલ કોલેજે દેશ-વિદેશને અનેક સારા ડોક્ટર આપ્યા છે. જો કે આ કોલેજમાં ભણી રહેલ આ વિદ્યાર્થી ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિદ્યાર્થી ૨૦૧૪ની બેન્ચનો છે અને તેણે સીપીએમટી દ્વારા એસસી ક્વોટામાંથી એડમિશન લીધું હતું.
આશ્ચર્યની વાત એ છે કે ૧૧ વર્ષ પસાર થઇ ગયા પછી પણ તે એમબીબીએસના પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરી શક્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી નિયમિત પરીક્ષા આપી રહ્યો નથી અને કોલેજનું હોસ્ટેલ પણ છોડી રહ્યો નથી.
આ સમગ્ર કેસમાં કોલેજ વહીવટી તંત્ર પણ અત્યાર સુધી કોઇ મજબૂત અને સ્પષ્ટ નિર્ણય લઇ શક્યુ નથી. જેના કારણે પ્રશ્રો ઉભા થાય છે કે શા માટે એક વિદ્યાર્થીને આટલા લાંબા સમય સુધી ચલાવવામાં આવી રહ્યો છે?
વિદ્યાર્થી આઝમગઢનો રહેવાસી છે. તેના પિતા સબ ઇન્સ્પેક્ટર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીએ એમબીબીએસના પ્રથમ વર્ષ માટે ફક્ત એક વખત પરીક્ષા આપી હતી. જેમાં તે તમામ પેપરોમાં ફેઇલ થઇ ગયો હતો. ત્યારબાદથી તેણે એક પણ વખત પ્રથમ વર્ષની પરીક્ષા આપી નથી.
શિક્ષકોએ તેને અલગથી વિશેષ ભણાવવાની ઓફર કરી હતી પણ તેણે આ ઓફર ફગાવી દીધી હતી.
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ના ગ્રેજયુએટ મેડિકલ એજયુકેશન રૂલ્સ, ૨૦૨૩ અનુસાર એમબીબીએસના પ્રથમ વર્ષ માટે મહત્તમ ચાર પ્રયત્નો જ મળે છે.


