બિહારમાં સુશાસનની ઠેકડી ઉડાડતું દૃશ્ય! ટ્રેક્ટર પાછળ હળ પર છોકરીનો મૃતદેહ બાંધીને લઈ જવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Police Carries Body On Tractor: બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાંથી માનવતા અને સરકારી તંત્ર બંનેને શર્મસાર કરતી અત્યંત આઘાતજનક તસવીર સામે આવી છે. બડ્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ડૂમરખોહ જંગલમાં આવેલા એક જૂના કૂવામાંથી 16 વર્ષીય લક્ષ્મી કુમારીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક લક્ષ્મી બિક્રમગંજના માની ગામની રહેવાસી હતી. અહેવાલો મુજબ, લગભગ બે મહિના પહેલાં જ તેણે બડ્ડીના વિશ્રામપુર ગામના પિંકુ બિંદ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તે પતિ સાથે ડૂમરખોહ જંગલ નજીક રહેતી હતી.
ટ્રેક્ટરના લોખંડના હળ પર કોથળામાં બાંધી 20 કિમી સુધી ઢસડી લાશ
કૂવામાંથી લાશ મળ્યા બાદ પોલીસે તેને બહાર કઢાવી હતી, પરંતુ તે પછી તેને હોસ્પિટલ પહોંચાડવાની પદ્ધતિએ સમગ્ર સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મૃતદેહને કોઈ એમ્બ્યુલન્સ કે સત્તાવાર સરકારી વાહનમાં સન્માનપૂર્વક લઈ જવાને બદલે ટ્રેક્ટરની પાછળ ખેતર ખેડવા માટે જોડેલા લોખંડના 'હળ' પર પ્લાસ્ટિકના કોથળામાં બાંધી દેવામાં આવ્યો હતો. આ અત્યંત અમાનવીય અને ભયાનક સ્થિતિમાં લાશને લગભગ 20 કિલોમીટર દૂર સાસારામ સદર હોસ્પિટલ સુધી લઈ જવામાં આવી હતી. રસ્તા પરથી પસાર થતાં લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કર્યો, પટના રેફર કરાઈ
હોસ્પિટલ પહોંચ્યા બાદ મૃતદેહની ખરાબ હાલત અને લાશ લાવવાની આ અમાનવીય રીત જોઈને ત્યાંના તબીબોએ સાસારામમાં પોસ્ટમોર્ટમ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ત્યાંની હોસ્પિટલમાં ફરજ પરના તબીબ ડો. અજિત કુમારે જણાવ્યું કે મૃતદેહને વધુ વિગતવાર તપાસ અને પોસ્ટમોર્ટમ માટે પટના મોકલવામાં આવ્યો છે.
તંત્ર સામે ઉગ્ર આક્રોશ અને તપાસ
પોલીસનું કહેવું છે કે આ હત્યા કેસ સંબંધિત શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જોકે, તપાસ સિવાય આ ઘટનાએ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો કર્યો છે કે શું એક મૃત વ્યક્તિ માટે પણ સિસ્ટમ પાસે સન્માનજનક અંતિમ સફરની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી? સરકારી વાહન કે એમ્બ્યુલન્સ હોવા છતાં આ રીતે પશુઓ કરતાં પણ બદતર સ્થિતિમાં લાશને ટ્રેક્ટરના હળ સાથે બાંધીને લઈ જવા બદલ જવાબદાર લોકો સામે પગલાં લેવાશે કે નહીં, તે અંગે લોકમુખે ભારે રોષ જોવા મળી રહ્યો છે.




