દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલા પાછળ અલ કાયદાનો હાથ હતો, UNના રિપોર્ટમાં ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UN Report On Red Fort Attack: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા વિસ્તારમાં નવેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમે તૈયાર કરેલા આ રિપોર્ટમાં આ હુમલા પાછળ 'અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ' (AQIS)ને જવાબદાર સંગઠન ગણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફેબ્રુઆરીમાં બહાર આવેલા રિપોર્ટમાં આ ધમાકાને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 11 લોકોના મોત થયા હતા.
NIAની તપાસ અને 7500 પાનાની ચાર્જશીટ
ભારતમાં આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી રહી છે. મે 2026માં NIAએ લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 10 આરોપીઓ સામે 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, તમામ આરોપીઓ અલ-કાયદા સાથે જોડાયેલા 'અંસાર ગઝવત-ઉલ-હિંદ' (AGuH) મોડ્યુલના સભ્યો હતા, જે AQISનો જ એક ભાગ છે. આ આતંકવાદીઓ આઈઈડી (IED), રોકેટ આધારિત વિસ્ફોટકો અને ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટા પાયે હુમલાનું પૂર્વ આયોજન કરી રહ્યા હતા.
નાના જૂથો અને વિખરાયેલા નેટવર્ક દ્વારા અલ-કાયદાનો વિસ્તાર
UNના રિપોર્ટમાં AQISની બદલાતી કાર્યશૈલી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, હવે આ આતંકી સંગઠન મોટા અને સહેલાઈથી ઓળખાઈ જાય તેવા જૂથોને બદલે નાના-નાના સેલ અને વિખરાયેલા નેટવર્ક દ્વારા સક્રિય થઈ રહ્યું છે. આ સિવાય, સંગઠન પોતાના ફંડિંગ અને લોજિસ્ટિક્સ મોડ્યુલને મજબૂત કરવાની કોશિશમાં છે. બાંગ્લાદેશમાં પણ ઓપરેશનલ સેલ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયા માટે આતંકી ખતરો વધી શકે છે.
આતંકવાદી પ્રવૃત્તિઓમાં AIનો ઉપયોગ
રિપોર્ટમાં આતંકવાદીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધી રહેલા દુરુપયોગ અંગે ચેતવણી આપવામાં આવી છે. ભારતની NIA તપાસમાં સામે આવ્યું હતું કે, આ કેસનો ટેકનિકલ હેન્ડલર અને આરોપી જસીર બિલાલ વાની રોકેટ અને વિસ્ફોટકો બનાવવાની રીતો શીખવા માટે 'ચેટજીપીટી' (ChatGPT) અને 'યુટ્યુબ' (YouTube)નો ઉપયોગ કરતો હતો. તે AGuH મોડ્યુલ માટે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડતો હતો.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર તણાવ અને UN પ્રતિબંધ સુધારો
રિપોર્ટમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા તણાવ, તહરીક-એ-તાલીબાન પાકિસ્તાન (TTP)ના વધતા ખતરા અને સરહદ પારની આતંકી પ્રવૃત્તિઓ પર ખાસ દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં, બદલાતી વ્યૂહરચના વચ્ચે 27 ફેબ્રુઆરી, 2026ના રોજ UN સમિતિએ 'અલ-નુસરા ફ્રન્ટ' (જેને 'હયાત તહરીર અલ-શામ' અથવા HTS તરીકે પણ ઓળખવામાં આવે છે)નું નામ પ્રતિબંધિત યાદીમાંથી હટાવી દીધું છે.









