India

કોલસા કૌભાંડમાં સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ: સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને 'માફ' કરી શકે છે

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને કોલસા બ્લોક ફાળવણી કેસમાં ક્લીન ચિટ આપી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ તેમની પ્રશંસા કરતાં કહ્યું કે, ઈતિહાસ તેમને શાંત, સરળ અને અત્યંત પ્રભાવશાળી વડાપ્રધાન તરીકે યાદ રાખશે. સોનિયા ગાંધીએ PM મોદી પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલસા કૌભાંડમાં સ્વ. મનમોહન સિંહને ક્લિનચીટ: સોનિયા ગાંધીએ કહ્યું- PM મોદી હવે ખુદને 'માફ' કરી શકે છે

Sonia Gandhi on Manmohan Singh: કોલસા બ્લોક ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને ક્લીન ચિટ મળ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ તેમના સરાહનીય કાર્યો અને પ્રામાણિકતાની મુક્તમને પ્રશંસા કરી છે. સોનિયા ગાંધીએ મનમોહન સિંહના કાર્યકાળની સિદ્ધિઓને યાદ કરતાં પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇતિહાસ ડૉ. મનમોહન સિંહને એક શાંત, સરળ અને અત્યંત પ્રભાવશાળી વડાપ્રધાન તરીકે હંમેશાં યાદ રાખશે.

29 જુલાઈ રાજકીય ઇતિહાસનો મહત્ત્વનો દિવસ: સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ એક લેખમાં જણાવ્યું હતું કે, '29 જુલાઈ, 2026 આપણા તાજેતરના રાજકીય ઇતિહાસનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ હતો. તે દિવસે સુપ્રીમ કોર્ટે કથિત કોલસા બ્લોક ફાળવણી કૌભાંડમાં CBI દ્વારા ડૉ. મનમોહન સિંહને આપવામાં આવેલી ક્લીન ચિટને બહાલ રાખી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને પણ ફટકાર લગાવી હતી, જેણે સીબીઆઇના ક્લોઝર રિપોર્ટને ફગાવીને પૂર્વ વડાપ્રધાન સામે આધારવિહીન ટિપ્પણીઓ કરી હતી. મનમોહન સિંહ સામે એક આયોજનબદ્ધ અને ષડયંત્રકારી અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ આજે એ જૂઠા અભિયાનનો અંત આવ્યો છે અને ડૉ. સિંહ દરેક બાબતમાં સાચા સાબિત થયા છે.'

કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે મોદી સરકાર પર પ્રહાર

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, 'મોદી સરકારે ED અને CBI જેવી તપાસ એજન્સીઓનો મોટા પાયે દુરુપયોગ કર્યો છે. આ એજન્સીઓનો ઉપયોગ રાજકારણીઓ પર દબાણ લાવવા અને તેમને ચૂપ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વિપક્ષમાં હોય ત્યાં સુધી જે નેતાઓ ભ્રષ્ટ ગણાય છે, તે ભાજપમાં જોડાઈ જતાની સાથે જ અચાનક 'સાફ-સુથરા' થઈ જાય છે અને કેટલાકને તો મંત્રી પદ પણ આપી દેવામાં આવે છે. જ્યારે ભ્રષ્ટાચારના વાસ્તવિક આરોપો સામે આવે છે, ત્યારે વર્તમાન સરકાર તેને સરળતાથી નજરઅંદાજ કરી દે છે.'

પીએમ મોદીની 2017ની 'રેઇનકોટ' વાળી ટિપ્પણીનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીની જૂની ટિપ્પણીઓને યાદ અપાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે, '8 ફેબ્રુઆરી, 2017ના રોજ રાજ્યસભામાં ડૉ. મનમોહન સિંહ સામે પીએમ મોદીએ કરેલી 'રેઇનકોટ પહેરીને નહાવાની કળા'વાળી કટાક્ષપૂર્ણ ટિપ્પણી ભારતીય સંસદીય ઇતિહાસના સૌથી નીચલા સ્તર તરીકે યાદ રાખવામાં આવશે. ડૉ. મનમોહન સિંહ પર નિશાન સાધવાનો મુખ્ય હેતુ તેમની શાનદાર શાસન વ્યવસ્થા અને આર્થિક સિદ્ધિઓ પરથી દેશના લોકોનું ધ્યાન ભટકાવવાનો હતો.'

UPA શાસનમાં આર્થિક વિકાસ અને સામાજિક ક્રાંતિ

યુપીએ(UPA) સરકારના 10 વર્ષના શાસનકાળની સિદ્ધિઓ ગણાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે, 'મનમોહન સિંહના નેતૃત્વમાં દેશે અભૂતપૂર્વ આર્થિક વિકાસ સાધ્યો હતો, જેના કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હતા. 2008ના વૈશ્વિક આર્થિક સંકટ સમયે પણ ભારતે પોતાની આર્થિક મજબૂતી જાળવી રાખી હતી. આ ઉપરાંત, મનમોહન સિંહ સરકારે શિક્ષણનો અધિકાર(RTE), IIT અને IIM જેવી સંસ્થાઓમાં OBC અનામત દ્વારા સામાજિક ન્યાય, આદિવાસીઓ માટે વન અધિકાર કાનૂન અને મનરેગા(MGNREGA) જેવી વિશ્વની સૌથી મોટી સામાજિક સુરક્ષા યોજના અમલી બનાવી હતી.'