PM મોદીને 2014નો વાયદો યાદ અપાવી સોનમ વાંગચુકે કરી મોટી માંગ, કહ્યું- 1 વર્ષમાં કરી બતાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk: પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આઝાદીની 80મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીને વર્ષ 2014માં આપેલું એક વચન યાદ અપાવ્યું છે. સોનમ વાંગચુકે દેશની સંસદમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'જો સંસદમાં દરેક બીજા સાંસદ પર કોઈને કોઈ કેસ ચાલતો હોય અને દરેક ત્રીજા સાંસદ પર દુષ્કર્મ કે હત્યા જેવા ગંભીર આક્ષેપો હોય, તો નેતાઓ અને દેશને સાચો માર્ગ કેવી રીતે બતાવી શકાય. જો દેશના રાજા કે નેતા ભટકેલા હશે, તો પ્રજા અને આખો દેશ પણ ભટકી જશે.'
'અપરાધી જેલમાં અને નિર્દોષ સંસદમાં રહે' માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનો પ્રસ્તાવ
પોતાની વાત રજૂ કરતાં વાંગચુકે પીએમ મોદીના 2014ના એક ઈન્ટરવ્યૂની વીડિયો ક્લિપ બતાવી હતી. તેમણે સમજાવ્યું કે દેશની ન્યાયપ્રણાલીમાં 'આરોપ સિદ્ધ ન થાય ત્યાં સુધી નિર્દોષ' ગણવાના સિદ્ધાંતનો લાભ લઈને ગંભીર કેસ ધરાવતા નેતાઓ 10-15 વર્ષ સુધી સંસદમાં વિતાવી દે છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે સાંસદો અને ધારાસભ્યો સામેના કેસો માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની માંગ કરી છે. જો આ કોર્ટ 6 મહિનાથી 1 વર્ષની અંદર ચુકાદો આપી દે, તો ગુનેગારો જેલમાં જશે અને નિર્દોષ નેતાઓ સંસદમાં રહીને દેશ સેવા કરી શકશે.
પીએમ મોદી પાસે આઝાદી પર્વ પર ભેટની માંગ
સોનમ વાંગચુકે સ્પષ્ટ કર્યું હતું કે, 'હું પીએમ મોદી પર કોઈ દોષારોપણ કરવા નથી માગતો, પરંતુ 'જાગ્યા ત્યારથી સવાર' ગણીને આ માંગણી કરી રહ્યો છું.' તેમણે દેશવાસીઓને આ અપીલ વધુમાં વધુ શેર કરવા વિનંતી કરી છે જેથી પીએમ મોદી સુધી આ અવાજ પહોંચી શકે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 15 ઓગસ્ટ 2026થી 15 ઓગસ્ટ 2027 સુધીના એક વર્ષના ગાળામાં જો સરકાર આ નિર્ણય લેશે, તો તે દેશ માટે આઝાદી પર્વની સૌથી મોટી ભેટ સાબિત થશે.
ભ્રષ્ટાચાર સામે ક્રાંતિ અને સજ્જન નેતાઓની શોધ
આ અપીલના એક દિવસ પહેલા સોનમ વાંગચુકે દેશની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2014માં નવી સરકાર આવી હોવા છતાં, આટલા વર્ષોમાં ભ્રષ્ટાચાર અને અન્યાયે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને તે હવે બે-ત્રણ ગણું મોટું થઈને દેશને ડરાવી રહ્યું છે. આ સ્થિતિ બદલવા માટે દેશમાં એક મોટી ક્રાંતિની જરૂર છે, જેથી ચરિત્રવાન અને સિદ્ધાંતવાદી નેતાઓ આગળ આવી શકે. તેમણે દેશના બુદ્ધિજીવીઓ અને નાગરિકોને આહ્વાન કર્યું છે કે તેઓ દેશને સાચો માર્ગ બતાવી શકે તેવા નિષ્ઠાવાન લોકોના નામો સૂચવે, જેથી તેઓ આવા સજ્જન લોકોને મળીને દેશહિતમાં નવી દિશા નક્કી કરી શકે.









