રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, વીર સાવરકર મુદ્દે હેટ સ્પીચનો કેસ રદ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Savarkar case Supreme Court: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અદાલતે હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે નોંધાયેલી ગુનાહિત ફરિયાદ અને જાહેર કરવામાં આવેલા સમન્સને રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગૂની બેંચે આ મામલે રાહુલ ગાંધીની અરજી મંજૂર કરી હતી. અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, રાહુલ ગાંધી સામે કેસ ચલાવવા માટે કાયદા મુજબ જે જરૂરી મંજૂરી મેળવવી પડતી હોય છે તે લેવામાં આવી ન હતી. યુપી સરકારના સોગંદનામામાં પણ આવી કોઈ મંજૂરીનો ઉલ્લેખ ન હોવાથી મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરવામાં આવેલો આદેશ રદ કરવામાં આવે છે.
શું હતો સમગ્ર મામલો?
આ મામલો 17 નવેમ્બર, 2022નો છે, જ્યારે રાહુલ ગાંધી પોતાની 'ભારત જોડો યાત્રા' દરમિયાન સાવરકર અંગે ટિપ્પણી કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ સાવરકરને અંગ્રેજોના સહયોગી ગણાવતા દાવો કર્યો હતો કે તેમને અંગ્રેજો તરફથી પેન્શન મળતું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન વિરુદ્ધ વકીલ નૃપેન્દ્ર પાંડેએ સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાહુલ ગાંધી સામે ભારતીય દંડ સંહિતા(IPC)ની ધારા 153A અને 505 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નિચલી અદાલતથી સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની મુસાફરી
જૂન 2023માં શરૂઆતમાં મેજિસ્ટ્રેટ કોર્ટે(ACJM) આ ફરિયાદ ફગાવી દીધી હતી, પરંતુ સેશન કોર્ટે આ મામલે ફરી સુનાવણી કરવા મેજિસ્ટ્રેટ કોર્ટને આદેશ આપ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2024માં લખનઉની મેજિસ્ટ્રેટ કોર્ટે પ્રથમ દૃષ્ટિએ કેસ યોગ્ય માનીને રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.
આ સમન્સ સામે રાહુલ ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ એપ્રિલ 2025માં અલ્હાબાદ હાઇકોર્ટે તેમને રાહત આપવાનો ઇન્કાર કર્યો અને સેશન કોર્ટમાં જવા માટે કહ્યું હતું. આથી, પોતાની સામે જાહેર થયેલું સમન્સ રદ કરાવવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે અગાઉ કરી હતી સખત ટીકા
સુપ્રીમ કોર્ટે કેસ રદ કરતા પહેલાંની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીની ટિપ્પણી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સમન્સ પર સ્ટે આપતી વખતે કોર્ટે તેમના નિવેદનને બિનજવાબદાર ગણાવ્યું હતું.
કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, 'કાનૂની પાસા પર પક્ષ મજબૂત હોવાને કારણે તેમને હાલ રાહત(સ્ટે) મળી રહી છે, પરંતુ જો ભવિષ્યમાં સ્વતંત્રતા સેનાનીઓ સામે આવી કોઈ ટિપ્પણી કરવામાં આવશે તો કોર્ટ જાતે નોંધ લઈને સ્વતઃ સંજ્ઞાન(Sua Sponte) કડક કાર્યવાહી કરશે.' સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ યાદ અપાવ્યું હતું કે રાહુલ ગાંધીના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ પોતે સાવરકરના વખાણ કરતો પત્ર લખ્યો હતો.









