યુવાનોને યોગ્ય દિશા નહીં મળે તો બોજ બની જશે, Gen-Z અંગે RSS વડા મોહન ભાગવતની મોટી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohan Bhagwat Independence Day: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આઝાદીની 80મી વર્ષગાંઠ નિમિત્તે નાગપુરમાં વિદ્યાર્થીઓ અને Gen-Z (નવી પેઢી) સાથે ખાસ સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવતા કહ્યું હતું કે, 'ભારતનો યુવા વર્ગ દેશ માટે 'ડેમોગ્રાફિક ડિવિડન્ડ' (જનસાંખ્યિકી લાભાંશ) છે. જો યુવાનોને સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન અને તકો આપવામાં આવે તો તેઓ દેશ માટે અમૂલ્ય સંપત્તિ બની શકે છે.'
યુવાનો અંગે મોહન ભાગવતની ચેતવણી
નાગપુરના કસ્તૂરચંદ પાર્ક ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા તેમણે ચેતવણી આપી હતી કે, 'જો યુવાનોને યોગ્ય રીતે સાંકળવામાં કે કેળવવામાં નહીં આવે, તો આ જ યુવાધન આગળ જતાં સમાજ પર બોજ પણ બની શકે છે. આજનો યુવા વર્ગ આગામી 30 વર્ષ પછી વડીલ પેઢી બનશે. તેથી તેમણે પોતાના પછી આવનારી નવી પેઢીનું ધ્યાન રાખવું પડશે અને તેમના પ્રતિ સંવેદનશીલ બનવું પડશે.'
બંધારણ, સંસ્કૃતિ અને કાયદાની મર્યાદા જાળવવાની અપીલ
દેશ અને કાયદા અંગે પોતાના વિચારો રજૂ કરતાં RSS પ્રમુખે જણાવ્યું હતું કે, 'ભારત એક ખૂબ મોટો દેશ છે જેમાં વિવિધતાઓ રહેલી છે. આપણા દેશના કાયદા, બંધારણ, પવિત્ર સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોને ક્યારેય નુકસાન પહોંચવું ન જોઈએ. આ તમામ બાબતો એક મર્યાદા અને ધમ્મ ચક્રથી બંધાયેલી છે, જેનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે.'
સંપ અને એકતાથી જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે
સમાજમાં એકતા પર ભાર મૂકતાં મોહન ભાગવતે કહ્યું હતું કે, 'આપણે સૌએ સાથે મળીને દેશને મહાન બનાવવાનો છે અને ક્યારેય આપસમાં તૂટવાનું નથી. દેશમાં આંતરિક ફૂટ-ફાટ ન થવી જોઈએ. એકલા વ્યક્તિ કે કોઈ એક પરિવારનું ભાગ્ય અલગથી નથી બનતું. જો વિશ્વમાં સુરક્ષા અને પ્રતિષ્ઠા જોઈતી હોય તો જ્યાં સુધી આપણો દેશ અને સમાજ સુરક્ષિત તથા પ્રતિષ્ઠિત નહીં થાય ત્યાં સુધી તે શક્ય બનશે નહીં.'









