India

'તમે નહીં કરો તો અમે આદેશ આપીશું', પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

By GS Team
13 Aug 20263 mins read
TukuTouch Logo
પેકેજ્ડ ફૂડ પર સ્વાસ્થ્ય ચેતવણી લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને કડક સંદેશ આપ્યો છે. નાગરિકોને ખાંડ, મીઠું અને ફેટનું પ્રમાણ જાણવાનો અધિકાર છે. કોર્ટે સરકારને 2 અઠવાડિયામાં નિર્ણય લેવા અંતિમ તક આપી છે, અન્યથા કોર્ટ પોતે આદેશ જારી કરશે. કરોડો લોકોના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્યનો આ સવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તમે નહીં કરો તો અમે આદેશ આપીશું', પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટે FSSAIની ઝાટકણી કાઢી

Packaged Food Warning Labels: દેશમાં પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના પેકેટ પર સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી દર્શાવતા લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને FSSAIને કડક સંદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે દેશના નાગરિકોને એ જાણવાનો પૂરો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે અને તેમના ખોરાકમાં ખાંડ, મીઠું કે સેચ્યુરેટેડ ફેટ કેટલા પ્રમાણમાં છે. સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે આ બાબત માત્ર નિયમો પૂરતી સીમિત નથી, પરંતુ કરોડો લોકોના સ્વાસ્થ્ય અને વિશેષ કરીને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. બેંચે કેન્દ્ર સરકારને છેલ્લી તક આપતાં બે અઠવાડિયાનો સમય આપ્યો છે અને ચેતવણી આપી છે કે જો કોઈ આખરી નિર્ણય લેવામાં નહીં આવે તો કોર્ટ પોતે જ આદેશ જારી કરશે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો પેકેજ્ડ ફૂડના પેકેટની આગળના ભાગે ચેતવણી આપતું લેબલ લગાવવા સાથે જોડાયેલો છે. આ પ્રસ્તાવ મુજબ, જે ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું કે ફેટ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોય, તેના પેકેટ પર સ્પષ્ટ ચેતવણી લખવી પડશે જેથી ગ્રાહકો ખરીદતા પહેલાં પૂરી માહિતી મેળવી શકે. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે FSSAIની બેઠકમાં લેવાયેલા નિર્ણયો સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશો મુજબના નથી.

કોર્ટે સરકાર સામે વ્યક્ત કરી નારાજગી

જસ્ટિસ જે.બી. પારડીવાળા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. અદાલતે સરકાર પક્ષના વકીલને પૂછ્યું કે, 'સ્પષ્ટ આદેશો હોવા છતાં અત્યાર સુધી નક્કર પગલાં કેમ લેવાયા નથી.'

પીઠે આકરા શબ્દોમાં કહ્યું કે, 'એવું લાગે છે કે મોટી કોર્પોરેટ કંપનીઓનું સરકાર પર દબાણ છે અને સરકાર તેમની સામે ઝૂકી રહી છે, કોર્ટનો હેતુ કોઈ ઉદ્યોગ કે કંપનીને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ જનહિત અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો છે.'

કેન્દ્ર સરકારની દલીલો અને કોર્ટનો વળતો પ્રહાર

કેન્દ્ર સરકારે પોતાની દલીલ આપતા કહ્યું કે, 'જો આ નવો નિયમ લાગુ કરવામાં આવશે તો નમકીન જેવી પરંપરાગત ભારતીય વાનગીઓ પણ તેની ઝપેટમાં આવી જશે અને લગભગ દરેક પેકેજ્ડ ફૂડ પર લાલ ચેતવણીનું નિશાન લગાવવું પડશે. તેનાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો નાના વેપારીઓ (MSME)ની રોજીરોટી પર માઠી અસર પડી શકે છે. વિકસિત દેશોના ખોરાકના ધોરણો ભારત કરતાં અલગ છે, તેથી તેમને સીધા આપણા દેશમાં લાગુ કરવા યોગ્ય નથી.'

આ દલીલો સામે સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવતા પૂછ્યું કે, 'શું ભારતે કાયમ અવિસિકિત દેશ જ રહેવું જોઈએ?'આ મામલે કોર્ટે કહ્યું કે, 'દુનિયાને દેખાવું જોઈએ કે ભારત પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર છે. ઉત્પાદકોને આ વ્યવસ્થા પસંદ ન આવે કારણ કે તેનાથી વેચાણ પર અસર થઈ શકે છે, પરંતુ આખરી નિર્ણય ગ્રાહકનો હોવો જોઈએ.'

ઉત્પાદકોની દલીલ ફગાવી, આપ્યું અંતિમ અલ્ટીમેટમ

સુનાવણી દરમિયાન ખાદ્ય ઉત્પાદકો તરફથી રજૂ થયેલા વકીલોની દલીલો પર કોર્ટે સવાલ કર્યો કે, 'ઉત્પાદકો આ વિષય પર આટલા બધા 'આકુળ-વ્યાકુળ' (Desperate) કેમ થઈ રહ્યા છે? દેશમાં ખૂબ ઓછા લોકો રોજના ડ્રાય ફ્રૂટ્સ ખરીદી શકે છે, જ્યારે મોટાભાગના બાળકો પેકેજ્ડ સ્નેક્સ અને જંક ફૂડ ખાય છે, તેથી તેમની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાના નિર્ણયો ઓન રેકોર્ડ મુકવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. જો હવે પછીની સુનાવણી સુધી સંતોષકારક નિર્ણય નહીં લેવાય તો અદાલત પોતે જ આ અંગે અંતિમ આદેશ સંભળાવશે.