કોંગ્રેસ નેતાના પગ કાર્યકરોએ દૂધથી ધોયા, વિવાદ થતાં કહ્યું- દાનપેટી લૂંટનારા અમને સલાહ ન આપે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nana Patole Viral Video: મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોળેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વાઇરલ વીડિયોમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર પક્ષના બે કાર્યકરો તેમના પગ દૂધથી ધોતા જોવા મળી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા. જોકે, આ વિવાદ વચ્ચે નાના પટોળેએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, 'હું સામાન્ય રીતે આવા કૃત્યોને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ કાર્યકરોના અતિશય આગ્રહને કારણે મેં આ સંમતિ આપી હતી.'
વાઇરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં નાના પટોળે ખુરશી પર બેઠા છે અને પોતાના મોબાઇલ ફોનમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. આ દરમિયાન બે કોંગ્રેસ કાર્યકરો પૂજા અને મંત્રોચ્ચાર વચ્ચે તેમના પગ દૂધથી ધોઈ રહ્યા છે અને તેમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. આ વિધિ પૂર્ણ થયા બાદ નાના પટોળે કાર્યકરોને આશીર્વાદ આપતા પણ જોવા મળે છે.
'કાર્યકરો મારા પરિવાર જેવા છે' - નાના પટોળેની સ્પષ્ટતા
આ મુદ્દે ખુલાસો આપતા નાના પટોળેએ જણાવ્યું હતું કે, 'આ વીડિયો ગુરુ પૂર્ણિમાના દિવસનો છે, જ્યાં મારા બે વહાલા કાર્યકરોએ મારા પગ ધોવાનો આગ્રહ રાખ્યો હતો. હું સામાન્ય રીતે આવી બાબતોની મંજૂરી આપતો નથી, પરંતુ તે માત્ર પક્ષના કાર્યકરો જ નથી પરંતુ મારા પરિવારના સભ્યો જેવા છે અને મારાથી નાના છે. આ માત્ર તેમના તરફથી દર્શાવવામાં આવેલો એક પ્રેમ અને આદર હતો.'
BJP પર પલટવાર: રામ મંદિર ચોરી કેસનો ઉલ્લેખ
BJP દ્વારા 'કોંગ્રેસ સંસ્કૃતિ' પર કરવામાં આવેલા કટાક્ષનો જવાબ આપતા નાના પટોળેએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'BJP જેવો પક્ષ મને સંસ્કૃતિ અને પરંપરા શીખવે તે એક મજાક સમાન છે. શું આ એ જ પક્ષ નથી જે રામ મંદિરના દાનપત્રમાંથી ચોરી કરનારા લોકોને છાવરી રહ્યો છે? શું તેઓ મને પરંપરાઓ અને સંસ્કૃતિના પાઠ ભણાવશે?'
BJPના આકરા પ્રહારો અને કોંગ્રેસની અસ્વસ્થતા
બીજી તરફ, મહારાષ્ટ્ર BJPના નેતા અને મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ આ વીડિયો અંગે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકરોની આ સ્થિતિ છે. કાર્યકરો નેતા નાના પટોળેના પગ ધોઈ રહ્યા હતા અને નેતા પોતાના ફોનમાં મગ્ન હતા. આ દર્શાવે છે કે કોંગ્રેસના નેતાઓ પોતાની જાતને સૌથી ઉપર માને છે અને પોતાના કાર્યકરો સાથે ગેરવર્તણૂક કરે છે.' આ વીડિયો વાઇરલ થયા બાદ કોંગ્રેસ પક્ષમાં પણ અસ્વસ્થતા જોવા મળી છે અને પક્ષના કેટલાક આંતરિક વર્તુળો દ્વારા આ ઘટનાને શરમજનક ગણાવવામાં આવી છે.









