India

'PM મોદી શાંતિથી E20 પાછું ખેંચી લે નહીં તો...', અરવિંદ કેજરીવાલની ખુલ્લી ચેતવણી

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં E20 પેટ્રોલ મિશ્રણ સામે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે 29 ઓટોમોબાઈલ કંપનીઓને પત્ર લખી, 2023 પહેલાની ગાડીઓમાં E20 સુરક્ષિત છે કે નહીં તે પૂછ્યું. કેજરીવાલે દાવો કર્યો કે મોદી સરકારના દબાણને કારણે કંપનીઓએ જવાબ નથી આપ્યો. તેમણે કહ્યું કે, E20થી 30 કરોડ ગાડીઓને નુકસાન થશે અને માઇલેજ ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'PM મોદી શાંતિથી E20 પાછું ખેંચી લે નહીં તો...', અરવિંદ કેજરીવાલની ખુલ્લી ચેતવણી
IMAGE - IANS

Kejriwal Opposes E20 Petrol: NEET પેપર લીક વિરોધી આંદોલનને સમર્થન આપ્યા બાદ, આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે હવે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ(E20)ના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે પોતાની ઝુંબેશ તીવ્ર બનાવી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ બુધવારે ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમણે 29 ઓટોમોબાઇલ કંપનીઓને પત્ર લખીને પૂછ્યું હતું કે શું 2023 પહેલાં બનેલી ગાડીઓમાં E20નો ઉપયોગ કરવો સુરક્ષિત છે? પરંતુ મોદી સરકારના દબાણને કારણે કંપનીઓએ લેખિતમાં જવાબ આપ્યો નથી. કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 'પીએમ મોદી શાંતિથી E20 ફ્યુઅલ પાછું ખેંચી લે, નહીંતર દેશની જનતા તે પાછું ખેંચાવડાવશે.'

ઓટોમોબાઇલ કંપનીઓ પર દબાણ અને EDની રેડનો ડર: કેજરીવાલનો દાવો

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'E20 પેટ્રોલ જબરદસ્તીથી થોપવા માટે મોદી સરકાર દાદાગીરી પર ઉતરી આવી છે. લેખિત જવાબ ન મળ્યો હોવા છતાં, 9 કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મારી ફોન પર વાતચીત થઈ હતી. અધિકારીઓએ મને જણાવ્યું કે મોદી સરકાર તરફથી ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે કે જો સત્ય બહાર આવશે તો પ્લાન્ટ બંધ કરાવી દેવામાં આવશે અને EDની રેડ પાડવામાં આવશે.' કેજરીવાલે સવાલ ઉઠાવ્યો કે દેશમાં 2023 પહેલાની 30 crore ગાડીઓ છે, જેને આ નિર્ણયથી ભારે નુકસાન થઈ રહ્યું છે.

ઇથેનોલથી માઇલેજ ઘટે છે અને પર્યાવરણને નુકસાન: AAPનો પ્રહાર

કેજરીવાલે ઇથેનોલ મિશ્રણના ફાયદાઓ પર પણ સવાલો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઇથેનોલ પેટ્રોલ કરતાં પણ મોંઘું છે અને તેનાથી ગાડીઓની માઇલેજ ઘટી જાય છે. આ ઉપરાંત, તેનાથી કોઈ વિદેશી હૂંડિયામણની બચત થતી નથી કે ખેડૂતોને પણ લાભ થતો નથી. જે વિસ્તારોમાં ઇથેનોલ બને છે, ત્યાં કિલોમીટરો સુધીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. શનિવારે આ જ મુદ્દે યોજાનારા ટાઉનહોલ પ્રોગ્રામને અટકાવવા માટે દિલ્હી પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.

પીએમ મોદીને ચેતવણી: 'પોલીસની ધમકીઓથી જનતા ડરતી નથી'

અરવિંદ કેજરીવાલે દેશના વડાપ્રધાનને સંબોધતા કહ્યું કે, 'જનતાને પોલીસ કે જેલની ધમકીઓ આપવાનું બંધ કરવામાં આવે, કારણ કે જનતા હવે ડરતી નથી. સરકારે E20નો નિર્ણય પાછો ખેંચવો જ પડશે. જો શાંતિથી આ નિર્ણય પાછો નહીં લેવાય, તો આંદોલન કરીને પણ જનતા સરકાર પાસે પોતાનો નિર્ણય પાછો ખેંચાવશે.'