India

'નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી...', SIR અંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજનું મોટું નિવેદન

By GS Team
28 Sep 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ જણાવ્યું કે, નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનું કામ નથી. આ અધિકાર માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો છે. શુક્રવારે એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટે નાગરિકતાના કાયદાની સ્થિતિ અનેક નિર્ણયોમાં સ્પષ્ટ કરી છે. તેમણે ઉમેર્યું કે, મતદાર ભારતીય નાગરિક હોવો અનિવાર્ય છે, પરંતુ કડક શરતો ન લાદવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી...', SIR અંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજનું મોટું નિવેદન
IMAGE - WIKIPEDIA

Citizenship laws: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનું કામ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના અનેક નિર્ણયોમાં નાગરિકતા સાથે જોડાયેલા કાયદાની સ્થિતિને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધી છે. તેમના જણાવ્યા અનુસાર, નાગરિકતા નક્કી કરવાનો અધિકાર માત્ર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે.

જસ્ટિસ ધુલિયાએ શુક્રવારે એક કાર્યક્રમમાં આ મહત્ત્વપૂર્ણ વાત કહી હતી. તેમણે જુલાઈ 2025માં બિહારની મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની સુનાવણી દરમિયાન આપવામાં આવેલી તેમની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે નાગરિકતાનો મુદ્દો ચૂંટણી પંચના બદલે ગૃહ મંત્રાલય દ્વારા નક્કી થવો જોઈએ.

મતદાર યાદી અને દસ્તાવેજો અંગેની સ્પષ્ટતા

જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ જણાવ્યું હતું કે મતદાર માટે ભારતીય નાગરિક હોવું અનિવાર્ય છે, પરંતુ આ પ્રક્રિયામાં ખૂબ વધુ કડક શરતો ન લાદવી જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે તે સમયે મારી સમક્ષ આધાર અને વોટર કાર્ડ સ્વીકારવાનો મુદ્દો આવ્યો હતો. કોઈએ SIR પર રોક લગાવવાની માંગ કરી ન હોવાથી મેં રોક લગાવવાનો આદેશ આપ્યો ન હતો.

ચૂંટણી કમિશનરની આપત્તિઓ પર પ્રતિક્રિયા

જસ્ટિસ ધુલિયાને એ અહેવાલ વિશે પણ સવાલ કરાયો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત ચૂંટણી પંચના નિર્ણયો સામે રેકોર્ડ પર વાંધો નોંધાવ્યો છે. આ અંગે તેમણે કહ્યું કે જો ચૂંટણી પંચના નિર્ણયો માત્ર મુખ્ય ચૂંટણી કમિશનરના સ્તરે જ લેવાતા હોય, તો આ એક ગંભીર મામલો છે. જોકે, આ બાબતે હજુ અત્યારથી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ગણાશે કારણ કે સંપૂર્ણ સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

ગોવાના 97 મતદારોનો મામલો અને અદાલતના આદેશો

ગોવાના 97 મતદારો કે જેના નામ આખરી મતદાર યાદીમાં સામેલ નહોતા થયા, તે અંગે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ મામલે ગોવાના મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો. જસ્ટિસ ધુલિયાએ સ્પષ્ટ કર્યું કે અદાલતના આદેશની અવમાનના (કન્ટેમ્પ્ટ) ત્યારે જ ગણાય જ્યારે એ સાબિત થાય કે આદેશનું જાણી જોઈને સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. એવું પણ બની શકે કે ચૂંટણી પંચ દ્વારા નિર્દેશો અપાયા હોય, પરંતુ નીચલા સ્તરના કોઈ અધિકારીએ તેનું પાલન ન કર્યું હોય. તેથી આવા મામલાઓમાં અવમાનનાની કાર્યવાહી કરવી સરળ નથી હોતી.

બિહાર SIR સુનાવણી અને વેકેશન બેન્ચની ભૂમિકા

જુલાઈ 2025માં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદીના SIR પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે બેન્ચે ચૂંટણી પંચને આધાર, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો પર પણ વિચારણા કરવા જણાવ્યું હતું. શુક્રવારે પોતાના આ આદેશના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે તે સમયે હું માત્ર એક-બે દિવસ માટે જ વેકેશન જજ હતો. મારી સમક્ષ મુખ્ય સવાલ રજાઓ દરમિયાન મામલાની સુનાવણી કરવાનો હતો, જેથી મેં પછીના દિવસે સુનાવણી કરીને આધાર કાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો અંગે વચગાળાનો આદેશ આપ્યો હતો. SIR મામલે મારી સામે સંપૂર્ણ દલીલો થઈ ન હતી, તેથી અંતિમ નિર્ણય સાથે જોડાયેલા સવાલો તે જજોને પૂછવા જોઈએ જેમણે સમગ્ર સુનાવણી સાંભળીને આખરી નિર્ણય લીધો છે.