જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 2 દિવસમાં 24ના મોત, વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu Kashmir Heavy Rain: જમ્મુ-કાશ્મીરમાં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પૂંછ જિલ્લામાં સૌથી વધુ તબાહી મચી છે, જ્યાં પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. બે દિવસમાં હવામાન સંબંધિત હોનારતોને કારણે રાજ્યમાં કુલ 24 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 6 લોકો હજુ પણ કાદવ અને પૂરના પાણીમાં લાપતા છે.
અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત
હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે પણ અમરનાથ, માતા વૈષ્ણોદેવી, રિયાસી સ્થિત શિવખોડી અને કિલતવાડમાં સરથલ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે, અમરનાથ ધામ માટે બાલ્તાલના માર્ગેથી કેટલાક શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. કટડા ખાતે 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, પરંતુ યાત્રા બંધ હોવાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને શ્રાઇન બોર્ડ માર્ગોને સુરક્ષિત કરવામાં લાગેલું છે.
પૂંછ અને રાજૌરીમાં સૌથી વધુ જાનહાનિ
રાજૌરી અને પૂંછ જિલ્લામાં બે દિવસમાં કુલ 21 લોકોના મોત થયા છે. સોમવારે સવારે સુરનકોટના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા, જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. તવી અને ચિનાબ નદીઓ સહિત અનેક નાળાઓ ભયજનક સપાટીએ વહી રહ્યા છે. રાજૌરીમાં ઉફાન પર આવેલી મનાવર નદીમાંથી હેલિકોપ્ટરની મદદથી એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મૃતકોના પરિવારોને છ-છ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
વાહનવ્યવહાર ઠપ અને 48 કલાકનું એલર્ટ
ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ આવી રહેલી એક મુસાફર બસ પર પહાડ પરથી વિશાળ ખડક પડતાં બે લોકોના મોત થયા છે અને ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ જતાં ઘણા ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપી છે અને લોકોને પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્રે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે.









