ટ્રેનોની ગતિ વધારવા રેલવે એક્શનમાં: મુસાફરો ન મળતા 300 જેટલા સ્ટોપેજ હટાવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Railways Stoppage Removal: ભારતીય રેલવે ટૂંક સમયમાં જ લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનોની ઝડપમાં મોટો વધારો કરવા જઈ રહી છે. આ માટે દેશભરમાં પ્રાયોગિક ધોરણે આપવામાં આવેલા 300થી વધુ ટ્રેન હોલ્ટ (સ્ટોપેજ)ને તબક્કાવાર રીતે નાબૂદ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા ઓક્ટોબર 2026 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે, જેનાથી મુસાફરોનો મુસાફરી સમય 15થી 45 મિનિટ સુધી ઘટી જશે.
શા માટે આપવામાં આવ્યા હતા આ સ્ટોપેજ?
રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી 2025 વચ્ચે સ્થાનિક જનપ્રતિનિધિઓ (સાંસદો અને ધારાસભ્યો)ની ભલામણો અને સ્થાનિક લોકોની માંગને ધ્યાનમાં રાખીને સેંકડો સ્ટેશનો પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ટ્રેનોના સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યા હતા. આ નિર્ણયનો મુખ્ય હેતુ નાના શહેરો અને ગામડાંના લોકોને સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાનો હતો.
સમીક્ષામાં શું સામે આવ્યું?
નિયમ પ્રમાણે, 6 મહિના પૂરા થયા પછી આ નવા સ્ટોપેજ પર ટિકિટોના વેચાણ અને તેનાથી થતા આર્થિક ફાયદાની સમીક્ષા કરવાની હતી. રેલવે બોર્ડના તાજેતરના આંકડાઓ તપાસતા માલૂમ પડ્યું કે, આ 300થી વધુ સ્ટેશનો બોર્ડના લઘુત્તમ ધોરણ પર પણ ખરા ઊતર્યા નથી, જ્યાં દરરોજ ટ્રેન દીઠ 15 ટિકિટ પણ વેચાતી નહોતી. મુસાફરોની ઓછી સંખ્યા હોવા છતાં ટ્રેનો રોકવાને કારણે કરોડો રૂપિયાનું ઈંધણ અને વીજળી બિનજરૂરી રીતે વેડફાઈ રહ્યા હતા, તેમજ મુખ્ય રૂટ પર ટ્રેનો સમયસર પહોંચવામાં પણ વિલંબ થતો હતો.
સમયની સાથે બળતણ અને વીજળીની પણ બચત થશે
RDSOના રિપોર્ટ અનુસાર, 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી કોઈ પ્રીમિયમ ટ્રેનને એક સ્ટેશન પર રોકવા અને ફરીથી એ જ સ્પીડ પકડવામાં આશરે 5થી 7 મિનિટનો સમય બગાડે છે. એક સ્ટોપેજ દૂર થવાથી ટ્રેનની 5થી 7 મિનિટ બચશે. જે રૂટ પરથી 3થી 4 બિનજરૂરી સ્ટોપેજ હટાવવામાં આવી રહ્યા છે, ત્યાં મુસાફરીનો સમય સીધો 15થી 45 મિનિટ સુધી ઘટી જશે. આ ઉપરાંત, એક સ્ટોપેજ નાબૂદ થવાથી પ્રતિ ટ્રેન 300થી 350 યુનિટ વીજળી અથવા 20થી 25 લિટર ડીઝલની બચત થશે.
કઈ ટ્રેનો અને રૂટ પર પડશે અસર?
આ વહીવટી સમીક્ષા હેઠળ દિલ્હીથી ઉપડતી આશરે 12 પ્રીમિયમ ટ્રેનો અને ત્રણ મુખ્ય વંદે ભારત રૂટનો સમાવેશ થાય છે. જેમાં સ્વર્ણ જયંતી રાજધાની, અજમેર શતાબ્દી, અમૃતસર શતાબ્દી જેવી ટ્રેનોના રૂટમાંથી ઓછા મુસાફરો ધરાવતા હોલ્ટ હટાવવામાં આવશે. આ સિવાય દેહરાદૂન દુરંતો તેમજ ભોપાલ, અજમેર અને દેહરાદૂન જતી વંદે ભારત ટ્રેનોના પ્રાયોગિક સ્ટોપેજ પણ આ સમીક્ષા હેઠળ સામેલ છે.









